મૃગશીર્ષ નિહારિકા (Orion Nebula) : મૃગશીર્ષ નક્ષત્રમાં આવેલી વાયુ અને ધૂળની વિરાટ નિહારિકા. તે M42 અને NGC 1976 નામોથી પણ ઓળખાય છે. મૃગશીર્ષ નક્ષત્રની મધ્યમાં તલવારના સ્થાન (જુઓ આકૃતિ – મૃગશીર્ષ નક્ષત્ર) પર આવેલી આ નિહારિકા 1500 પ્રકાશવર્ષ દૂર છે અને તેનો વ્યાસ 15 પ્રકાશવર્ષ જેટલો વિશાળ છે. તેમાં સતત નવા તારાઓ જન્મે છે. આ નિહારિકામાં સમલંબ ચતુષ્કોણ (trapezium) (જુઓ આકૃતિ – મૃગશીર્ષ નક્ષત્ર) આકારનું ચાર તારાઓનું ગુચ્છ Theta orionis નામથી ઓળખાય છે. આ ગુચ્છમાંના સૌથી તેજસ્વી તારાને લીધે આ નિહારિકા તેજોમય દેખાય છે. આકાશમાં દેખાતી બધી નિહારિકાઓમાં મૃગશીર્ષ નિહારિકા સૌથી વધારે તેજસ્વી છે, અને બાયનૉક્યુલરની મદદથી પણ તેને સહેલાઈથી જોઈ શકાય છે. નિકોલસ ક્લૉડ ફેબ્રી દ પેરેસ (Nicolas Claude Fabri De Peirese) નામના ફ્રેંચ ખગોળશાસ્ત્રીએ આ નિહારિકા ઈ. સ. 1610માં શોધી કાઢી હતી. આ નિહારિકાના તેજસ્વી ભાગની પાછળ ઘણું મોટું તેજહીન વાદળું છે, જેમાં આંતરતારકીય અણુઓ(interstellar molecules)નું અસ્તિત્વ જાણવા મળ્યું છે. મૃગશીર્ષ નિહારિકા ઘણા મોટા તારકીય મંડળ(stellar association)નો કેન્દ્રીય ગર્ભ છે. મૃગશીર્ષ નક્ષત્રને ચોતરફથી વીંટળાયેલી ‘બર્નાર્ડ્ઝ લૂપ નિહારિકા’ (Bernard’s Loop nebula) છે, જે એક જ વિસ્તારના ઘણા બધા તેજસ્વી તારાઓ દ્વારા આંતરતારકીય વાયુ અને ધૂળમાં ફૂંકાતો ‘પરપોટો’ (bubble) છે.

પરંતપ પાઠક