મૂળવેધક (Root Borer) : રોમપક્ષ (Lepidoptera) શ્રેણીના પાયરીલિડી કુળનું ફૂદું. શેરડીની આ એક અગત્યની જીવાત છે. શેરડી ઉપરાંત બરુ, સરકંડા, જુવાર અને નેપિયર ઘાસ પર પણ આ જીવાત નભે છે. તેનું વૈજ્ઞાનિક નામ Emmalocera depressella Swinh છે. ભારતમાં આ જીવાતનો ઉપદ્રવ આંધ્રપ્રદેશ, કર્ણાટક, તામિલનાડુ, ઉત્તરપ્રદેશ, પંજાબ, દિલ્હી, બિહાર અને પશ્ચિમ બંગાળમાં જોવા મળે છે. તેના ઉપદ્રવથી શેરડીના ઉતારામાં લગભગ 10 % સુધીનો અને શર્કરામાં 0.3 % સુધીનો ઘટાડો નોંધાયેલ છે.
પુખ્ત મૂળવેધક પીળાશ પડતા બદામી અથવા ઝાંખા મેલા ભૂખરા રંગનું હોય છે. તે પાંખો સાથે 20 મિમી. પહોળાઈ ધરાવે છે. તેની પાંખની બીજી જોડ સફેદ રંગની, પાંખની પ્રથમ જોડ કરતાં ટૂંકી અને પ્રમાણમાં પહોળી હોય છે. તેની પુખ્ત ઇયળ 2.5 સેમી. જેટલી લાંબી, પીળાશ પડતા રંગની તથા બદામી માથાવાળી હોય છે. ફૂદું નિશાચર હોઈ રાત્રિના સમયે જ પ્રવૃત્તિમય રહે છે. દિવસના ભાગમાં તે શેરડીના સાંઠા તથા કાતરીની નીચે ભરાઈ રહે છે. માદા ફૂદી શેરડીનાં પાન, સાંઠા તથા જમીન પર 180થી 200 જેટલાં ઈંડાં મૂકે છે. ઈંડાં-અવસ્થા 5થી 8 દિવસની હોય છે. ઈંડામાંથી નીકળેલી ઇયળ પીળાશ પડતા સફેદ રંગની તથા બદામી માથાવાળી હોય છે. આ ઇયળો જમીનની નજીક શેરડીના સાંઠામાં નાનું કાણું પાડી થડમાં દાખલ થાય છે અને જમીનમાં રહેલા શેરડીના સાંઠામાં કોરાણ કરે છે. શેરડીમાં સાંઠા બંધાતાં પહેલાં ઇયળ છોડમાં કોરાણ કરતી હોવાથી પર્ણચક્રનાં પાન સુકાઈ જાય છે. શેરડીની આ અવસ્થાને ‘ડેડહાર્ટ’ કહે છે. આવા ડેડહાર્ટમાંથી ખરાબ વાસ આવતી નથી. મૂળવેધકથી થતા ડેડહાર્ટમાં વચ્ચેનાં પીલાં સહિત આજુબાજુનાં પાન પણ સુકાય છે. મૂળવેધકના આ ઉપદ્રવની અસર હેઠળ જમીનમાં વાસ કરતી અને સુકારાના રોગ માટે જવાબદાર ફૂગ સાંઠામાં સહેલાઈથી પ્રવેશે છે અને એ રીતે તે રોગ પેદા કરે છે. ખાસ કરીને મે-જૂન અને સપ્ટેમ્બર અને ઑક્ટોબર મહિનામાં તેનો ઉપદ્રવ વધુ જોવા મળે છે. મૂળવેધકની ઇયળ-અવસ્થા 30થી 40 દિવસની હોય છે અને સાંઠામાં લાળના તાંતણા દ્વારા જાળું રચે છે. મૂળવેધકની કોશેટા-અવસ્થા 10થી 15 દિવસની હોય છે. નર ફૂદું 3થી 9 દિવસ અને માદા ફૂદું 4થી 12 દિવસ જીવે છે. વર્ષ દરમિયાન તેની 4થી 5 પેઢી જોવા મળે છે. આ જીવાતના વસ્તી-વધારા માટે ઊંચું તાપમાન અને ભેજનું નીચું પ્રમાણ અનુકૂળ હોય છે.
ગુજરાત કૃષિ યુનિવર્સિટીના નવસારી કેન્દ્ર ખાતે થયેલ સંશોધન મુજબ શેરડીની સીઓસી-8331, 8606, 8339, 8342 જાતો મૂળવેધક સામે પ્રતિકારક શક્તિ ધરાવે છે; જ્યારે સીઓસી-671 જાતમાં મૂળવેધકનો ઉપદ્રવ વધુ રહે છે. તેના નિયંત્રણ માટે શેરડીની કાપણી ઊંડેથી કરવી અને કાપણી બાદ જડિયાંને વીણી લઈ તેમને બાળી નાંખીને નાશ કરવો જરૂરી છે. શેરડીના મૂળવેધકો માટે ભલામણ કરેલ દાણાદાર દવા વાપરવાથી તેનું નિયંત્રણ થાય છે. કાર્બોફ્યુશન 3 % દાણાદાર દવા રોપણી વખતે, રોપણી બાદ એક મહિને અને ફરીથી રોપણી બાદ છઠ્ઠા મહિને દર વખતે હેક્ટરે 33 કિલો પ્રમાણે આપવાથી મૂળવેધકો કાબૂમાં રહે છે. આ ઉપરાંત મૉનોક્રોટોફોસ 0.05 %થી 0.1 %નો છંટકાવ પણ કરી શકાય છે. 2,40,000થી 2,80,000 પરજીવી ટ્રાઇકોગ્રામા ભમરીઓ એક હેક્ટર વિસ્તારમાં પંદર દિવસના અંતરે છોડવાથી મૂળવેધકનો ઉપદ્રવ કાબૂમાં લઈ શકાય છે.
પરબતભાઈ ખી. બોરડ
ધીરુભાઈ મનજીભાઈ કોરાટ