મૂલ્ય (સાહિત્યમાં) : વસ્તુ, વ્યક્તિ કે સમષ્ટિની હસ્તીમાં, એના વિકાસ-વિસ્તાર-પરિવર્તનના મૂળમાં રહીને ધારક અને પ્રભાવક બળ રૂપે કામ કરતું અંતસ્તત્વ. તે સત્-તત્વ પર નિર્ભર, સત્વશીલતાનું દ્યોતક એવું પરિબળ છે. આ સૃષ્ટિના સર્વ પદાર્થો આંતર-બાહ્ય, નિમ્ન-ઊર્ધ્વ, સ્થૂળ-સૂક્ષ્મ એવા વિવિધ સ્તરો-સંબંધોથી કોઈ ને કોઈ રીતે સંલગ્ન હોય છે. જ્યારે જ્યારે કોઈ પદાર્થ કે વ્યક્તિના કાર્ય કે કૃતિના સમ્યક્ અભિજ્ઞાનને આકલનની, વર્ણન ને મૂલ્યાંકનની પ્રક્રિયા આરંભાય છે ત્યારે તેમાં અ-નિવાર્યતયા તેના કર્તાનાં નિરીક્ષણ, અનુભવ, ચિંતન, તોલન, વિશ્લેષણ આદિ વિવિધ વ્યાપારોનો વિનિયોગ થતો જ હોય છે. એ રીતે પદાર્થ, વ્યક્તિ, કાર્ય કે કૃતિ આદિનું પરિમાણ નક્કી કરતાં, તેના પ્રભાવ-પરિણામનો તાગ મેળવવા જતાં, તેનું દેશ-કાળ આદિના સંદર્ભમાં સ્થાન અને સામર્થ્ય કેટલું તેનું માપ કાઢવા જતાં સ્વાભાવિક રીતે જ ઉપયોગિતા, શ્રેયસ્કરતા, વ્યાપક અને ગહન સંદર્ભમાં તેની અભીષ્ટ પ્રભાવકતા જેવા કેટલાક વિધાયક ગુણધર્મોનાં ધોરણોનો આધાર લેવામાં આવે છે. આમ જે ધોરણો-માનદંડોથી જે તે પદાર્થ, વ્યક્તિ, કાર્ય કે કૃતિ આદિનું મૂલ્યાંકન થાય તેમને માટે ‘મૂલ્ય’ (Value) સંજ્ઞા પ્રયોજાય છે.
આ ‘મૂલ્ય’ સંજ્ઞાને દેખીતી રીતે ‘મૂલ’ સાથે, જીવન તેમજ જગતનાં મૂળભૂત તત્ત્વો સાથે સંબંધ છે. ‘મૂલ્ય’ સંજ્ઞા એ તત્ત્વોની દ્યોતક-વાચક છે. કોઈ ચીજવસ્તુ કે વ્યક્તિ, કૃતિ આદિની હેસિયત અથવા તેની ગુણવત્તા ને ક્ષમતા-શક્તિ આદિનો નિર્ણય કરવાના સંદર્ભમાં ‘મૂલ્યાંકન’ સંજ્ઞા પ્રયોજાય છે. આ સંજ્ઞામાંના મૂલ્ય શબ્દનાં અર્થવલયો તેના પ્રયોજકની ર્દષ્ટિ રુચિ, સમજ વગેરેના સંદર્ભમાં પરિવર્તન પામતાં, વિકસતાં-વિસ્તરતાં દેશકાલાનુસાર અનેક રૂપોમાં પ્રગટ થતાં હોય છે. એ રીતે ‘મૂલ્ય’ સંજ્ઞા અનિવાર્યતયા સાપેક્ષ અને સમયસંયોગ કે સંદર્ભાનુસાર નૂતન અર્થઘટનો માટેની ક્ષમતા ધરાવનારી સંજ્ઞા છે.
આ ‘મૂલ્ય’ સંજ્ઞા ઘણી વ્યાપક અને જટિલ પણ છે. જીવનનાં જુદાં જુદાં ક્ષેત્રોમાં તેનો વ્યાપક પ્રભાવ-પ્રસાર છે. જીવન અને જગતમાં જે કંઈ નક્કર કે સંગીન છે, ટકાઉ ને જીવંત છે, રચનાત્મક ને શ્રેયસ્કર છે; સત્-ચિત્ ને આનંદ જેવાં તત્વોને સંવાદી છે તે સાથે તેનો ઊંડો લગાવ–ગાઢ ને ગૂઢ સંબંધ છે. એ સંબંધ સર્વ પ્રકારનાં મૂલ્યોમાં લઘુતમ સાધારણ અવયવની રીતે હોવાનું પ્રતીત થાય છે. મૂલ્યોમાં કેટલાંક યુગલક્ષી તો કેટલાંક શાશ્વત, કેટલાંક વ્યવહારગત તો કેટલાંક ભાવનાગત, કેટલાંક બાહ્ય તો કેટલાંક આંતરિક, કેટલાંક સ્થૂળ તો કેટલાંક સૂક્ષ્મ એમ વિવિધ પ્રકારનાં હોઈ શકે છે; પરંતુ એ સર્વ પ્રકારનાં મૂલ્યોના હાર્દમાં જીવનતત્વ સાથેની, માનવ્ય સાથેની તેમની સંગતિ કે સંવાદ-મૂલકતા હોય જ છે. એ ન હોય તો મૂલ્ય મૂલ્ય તરીકે ટકી કે રહી શકતું નથી. મૂલ્યવત્તા વિનાની જીવનની કે જ્ઞાનની, વિજ્ઞાન કે કળાની કોઈ વૃત્તિ-પ્રવૃત્તિ શક્ય જ નથી. એ રીતે અર્થશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર ને અધ્યાત્મ, શિક્ષણશાસ્ત્ર ને માનસશાસ્ત્ર, સાહિત્ય કે કળાશાસ્ત્ર ને સૌન્દર્યશાસ્ત્ર – સર્વમાં કોઈ ને કોઈ રીતે મૂલ્યનો વિચાર અનુસ્યૂત હોય છે.
આ મૂલ્યનો ખ્યાલ સાહિત્યના સર્જન, આસ્વાદ, વિવેચન-મૂલ્યાંકન વગેરેમાં મહત્વનો ભાગ ભજવે છે. સર્જક વ્યક્તિ કે કલાકારનું જેવું મૂલ્યભાન, એની જેવી મૂલ્યર્દષ્ટિ એવું એનું સર્જન હોવાનું. નરસિંહ ને મીરાં ભક્તિના મૂલ્યને વરેલાં હતાં તો એમના શબ્દ-સર્જનમાં ભક્તિનો મૂલ્યબોધ તારસ્વરે સાંભળવા મળે છે. ગોવર્ધનરામનો સાક્ષરજીવન વિશેનો ખ્યાલ જે મૂલ્યોથી બંધાયેલો તેની રમણીય પરિણતિ ‘સરસ્વતીચંદ્ર’માં જોવા મળે છે. રમણલાલ દેસાઈની ગાંધીમૂલ્યોમાંની શ્રદ્ધા એમની નવલકથાઓમાંની એક વિશેષતા રૂપે પ્રતીત થાય છે. ઉમાશંકરની સંવાદિતામાંની મૂલ્યશ્રદ્ધા એમની કવિતામાં ડોકાય છે. આ રીતે કોઈ સાહિત્યકૃતિ મૂલ્યનિરપેક્ષ હોઈ જ નહિ શકે. જેમ આસ્તિકતાનું તેમ નાસ્તિકતાનુંયે એક મૂલ્ય રૂપે સ્થાન છે. અમુકતમુક વાદવિચાર પ્રત્યેની પ્રતિબદ્ધતા પણ મૂલ્યનિષ્ઠા રૂપે પ્રગટ થાય. દર્શકની કૃતિઓમાં કોઈક રીતે સર્વોદયલક્ષી વલણ કે અભિગમ, માનવ્યની ભૂમિકા પર ઊપસતાં પામી શકાય છે.
કોઈ પણ વ્યક્તિને તેનું કાર્ય, તેનું સ્થાન ને તેની સાધનાસિદ્ધિની ભૂમિકા કોઈ ને કોઈ પ્રકારની મૂલ્યવત્તા સાથે નિસબતનાતો ધરાવે જ છે. એ મૂલ્યવત્તા સાહિત્ય-સર્જનના વિવિધ તબક્કાઓમાંયે ષ્ટિગોચર થાય છે. સાહિત્યકાર માધ્યમ તરીકે જે ભાષાનો-શબ્દનો વિનિયોગ કરે છે તેમાં; એ જે પ્રકારની રીતિ-શૈલી અજમાવે છે તેમાં, એ જે પ્રકારનાં સ્વરૂપ-પ્રકારનું કમઠાણ રચે છે તેમાં, એ પોતાની સમગ્ર કૃતિ દ્વારા જે કંઈ અભિવ્યંજિત કરે છે તેમાં અને એની કૃતિનો જે રીતિ-પ્રકારે સ્વીકાર-પુરસ્કાર કે કોઈક સંજોગોમાં તિરસ્કાર થતો હોય તો તેમાંયે કોઈક ને કોઈક પ્રકારની મૂલ્યષ્ટિનાં પ્રવર્તન અને પ્રભાવ વરતાતાં રહે છે. જીવન તેમજ કલાના ક્ષેત્રમાં ખાબકતા મનુષ્ય માટે છેક જ મૂલ્યનિરપેક્ષ કે મૂલ્યરહિત થવું અશક્ય છે.
અંગત કે વ્યક્તિગત તેમજ જાહેર કે સમષ્ટિગત જીવનમાં, મનુષ્યકૃત સંસાર અને સંસ્કૃતિમાં અનેકાનેક મૂલ્યોની સહોપસ્થિતિ, એ મૂલ્યોની ટકરામણ કે એ મૂલ્યોની ભેળસેળ કે સમન્વયીકરણ વગેરે ચાલતાં જ રહેતાં હોય છે. ‘શુદ્ધ’ કહેવાતી કવિતા કે સાહિત્ય પણ સર્વથા મૂલ્યવિહીન કે મૂલ્યનિરપેક્ષ સંભવી શકતું નથી. મૂલ્યને જીવન તેમજ જગતની સત્-તત્વનિષ્ઠ સ્વરૂપ-સામગ્રી સાથે અવિનાભાવિ સંબંધ હોઈ તેની ઉપેક્ષા અંતતોગત્વા સાહિત્યિક કે કલાકીય મૂલ્યોની અપેક્ષાને નષ્ટભ્રષ્ટ કરનારી આત્મવિઘાતક ચેષ્ટા જ બની રહે.
‘મૂલ્ય’ (value) શબ્દ વિધેયાત્મક હોઈ તેની સર્જનાત્મક ગતિવિધિ સાથેની નિસબત સાહજિક ને સ્વાભાવિક છે. આ ‘મૂલ્ય’ શબ્દનું સ્થૂળતમ પ્રાકૃત રૂપ ‘કિંમત’ (price)માં જોઈ શકાય, પણ તેનું સંસિદ્ધ, સૂક્ષ્મ ને ઉત્ક્રાન્ત રૂપ ‘value’માં પામી શકાય છે. એ શબ્દને ફ્રેન્ચ શબ્દ ‘Valeur’ તથા જર્મન શબ્દ ‘Wert’ સાથે સંબંધ છે. જે ઉચિત છે, ઉત્તમ છે, સત્યપૂત ને મન:પૂત છે, ચિન્મય ને આનંદમય છે તે જ જીવન અને જગતમાં સર્વથા ને સર્વદા અભીષ્ટ ને આવકાર્ય બની રહે છે. તેમાં વ્યષ્ટિ અને સમષ્ટિની સંસ્કાર–સંસ્કૃતિની એક સાતત્યપૂર્ણ સંવાદમય ભૂમિકા ને પરંપરા રહેલી હોવાનું ભાન થાય છે. મૂલ્યના આવિર્ભાવમાં આકસ્મિકતાનું નહિ, પરંતુ બીજ-વૃક્ષ-ન્યાયવાળી સાતત્યપૂર્ણ, કાર્યકારણની શૃંખલારૂપ ચૈતસિક અનુભવધારાનું પ્રભાવ-પ્રવર્તન જોવા મળે છે. એ રીતે કોઈ પણ કાવ્યકૃતિનું સર્જન, એના સર્જકની મૂલ્યર્દષ્ટિના શ્રદ્ધેય પરિપાકરૂપ, એની સર્જનાત્મક વ્યષ્ટિચેતનાના સારસત્વરૂપ અને તેના દેશકાળના-તત્કાલીન સાંસ્કૃતિક પરિસ્થિતિની નિષ્કર્ષમૂલક રસાત્મક-કલાત્મક સંઘટનારૂપ હોવાનું સમજાય છે. આવી કૃતિમાં સત્યમ્, શિવમ્ તથા સુન્દરમ્ની આધારશિલાનું દર્શન ન થાય તો જ આશ્ર્ચર્ય થાય. રામાયણ, મહાભારત જેવાં મહાકાવ્યોમાં કે એ ભૂમિકાની અનેક ‘જગત્કાદંબરી’ઓમાં દધિધૃતન્યાયે એમાં પ્રગટ થતાં સૌન્દર્ય કે કલાનાં મૂલ્યોમાં જીવનનાં કરુણા, સ્નેહ, ત્યાગ, સમર્પણ જેવાં વિધાયક મૂલ્યો પણ ર્દષ્ટિગોચર થાય છે. કલા અને જીવનનાં મૂલ્યો કોઈક ને કોઈક રીતે સત્ય, સૌન્દર્ય, શ્રેય વગેરે સાથે અનુબદ્ધ હોઈ તેમની વચ્ચે વિરોધ નહિ બલકે ઉત્કૃષ્ટ પ્રકારનું સંવાદ-સુમેળનું સૌન્દર્ય પ્રવર્તતું પ્રતીત થાય છે. આમ જીવન અને કળાનાં મૂલ્યોમાં કેટલીક આગવી વિલક્ષણતાઓ છતાં તેમની પરસ્પરાવલંબિતા અને સંવાદિતા સિદ્ધ બાબત છે.
આ જીવનમૂલ્યો ને કલામૂલ્યોમાં મનુષ્યની શ્રદ્ધા, રુચિ, સંવેદના, ભાવના વગેરેના વિવિધરંગી સૂક્ષ્મ સંચારો જોવા મળે છે. એ રીતે પ્રત્યેક કૃતિમાં તેની આનંદલક્ષી આગવી સૌન્દર્યગત-કલાગત ગુણવત્તા સાથે શ્રેયોલક્ષી મૂલ્યવત્તા પણ સાયુજ્યભાવે પ્રત્યક્ષ થઈને રહે છે.
મૂલ્યોનું દર્શન-આકલન માનવતાના વ્યાપક ઊંડા સંદર્ભમાં થાય તે ઇષ્ટ છે. માનવની તત્વજ્ઞાન, વિજ્ઞાન આદિની ગતિ-પ્રગતિ સાથે તેની મૂલ્યવિભાવનાનો તાર ન સધાય તો પાયામાં જ કશીક ક્ષતિ કે મર્યાદા હોવાનું લાગે.
સાહિત્યમાં પ્રધાન પ્રયોજન આનંદ-આસ્વાદનું છે; મૂલ્યબોધ તો ગોવત્સન્યાયે પામવાનો રહે છે. આમ છતાં મધુનો સ્વાદ લેતાં જેમ તૃષ્ટિ સાથે પૃષ્ટિનો અનુભવ થાય છે તેમ ઉત્તમ કૃતિનો આસ્વાદ લેતાં કાન્તાસંમિતતયા મૂલ્યબોધ પણ પ્રાપ્ત થાય છે. કલાકૃતિમાં મૂલ્યબોધ કલાબોધના જ અનિવાર્ય અંશરૂપે પમાવો જોઈએ.
વાસ્તવિક જીવનમાં વિવિધવાદ-ફિરકાઓના અનુસંધાનમાં મૂલ્યોની ચર્ચા-વિચારણા સમયે સમયે વિવિધ પેરે ચાલ્યા કરવાની. જેમ વ્યક્તિ કે સમાજનાં, તેમ રાષ્ટ્ર ને અમુક-તમુક યુગનાંયે પોતીકાં મૂલ્યો હોવાનાં. એનાથી કલાક્ષેત્ર અલિપ્ત તો ન જ રહી શકે. સમયે સમયે જે મૂલ્યો અંગત અને જાહેરજીવનમાં પ્રવર્તતાં હોય તેનો પ્રભાવ જે તે સાહિત્ય કે કલાકૃતિમાં પડવાનો જ. સુધારાયુગનાં મૂલ્યો વિનાની દલપત-નર્મદની કવિતાની કલ્પના જ નિરાધાર લાગે. ગાંધીયુગના મૂલ્યભાન વિના ‘વિશ્વ શાંતિ’નું અવતરણ શક્ય ન લાગે. એથી જેમ જીવનનો તેમ જીવનમૂલ્યોનો કલાના હિતમાં સહજતયા સ્વીકાર-પુરસ્કાર થતો જ રહેવાનો. જેમ ધરતીનો ગૃહનિર્માણ સાથે, તેમ જીવનમૂલ્યોનો કલાકૃતિના નિર્માણ સાથે સહજસંબંધ હોય છે. કલાકૃતિમાંના કલામૂલ્યોના આસ્વાદનમાં જ જીવનમૂલ્યોનું સારતત્વ પણ મળી જ રહેવાનું. તેથી કલાકારે એની કળામાં જીવનમૂલ્યોના વર્ણન-નિરૂપણ માટે કલાપુરુષાર્થ કે સર્જન પુરુષાર્થથી ઇતર એવો-પૃથક્ પ્રયત્ન કરવાનો પ્રશ્ન જ રહેતો નથી. એવો પૃથક્ પ્રયત્ન તો કૃતિના કલાગત ને જીવનગત સંવાદ-સુમેળમાં કુઠારાઘાત જેવો વ્યવધાન-વિક્ષેપરૂપ નીવડે. તેથી જ ઉત્કૃષ્ટ કોટિનો કલાકાર તો કલાધર્મ દ્વારા જ સ્વધર્મનું પરિપાલન કરીને માનવસમાજને પથ્યકર ને પૃષ્ટિકર જીવનસત્વ અર્પીને રહે છે. સર્વ કલામૂલ્યો વસ્તુત: જીવન અને જગતનાં અમૃતમય સત્વનો કલાકારે સૌન્દર્યરૂપે પ્રાપ્ત કરેલા અનુભવબોધના જ અર્કરૂપ હોય છે.
ઉચિત-અનુચિત, ભલું-બૂરું, ઇષ્ટ-અનિષ્ટ જેવા ખ્યાલોને આધારે મૂલ્યની ચર્ચા થઈ શકે છે. મૂલ્યનું હોવું, ન હોવું, કે એ બેઉ સ્થિતિઓથી તટસ્થ રીતે પણ મૂલ્યની ચર્ચા થઈ શકે છે. પત્રકારત્વ અને ર્દશ્ય-શ્રાવ્ય માધ્યમોનો પ્રભાવ વધતાં મૂલ્યોનું ઉધાર પાસું ઉપસાવવાનું વલણ વધતું ગયું છે. હિંસા અને યૌન જેવી પ્રવૃત્તિઓનું ચિત્રણ વધતાં મૂલ્ય સાથે સંકળાયેલ આદર્શો ઝાંખા પડતા લાગે, પણ એથી મૂલ્ય-ચર્ચાનું મહત્વ ઘટતું નથી. આલ્બેર કામુએ કહ્યું કે કોઈ મૂલ્ય અંતિમ કે ચિરંતન નથી પણ મનુષ્ય પોતે જ એક મૂલ્ય છે. જેવો છે તેવો, તુચ્છ લાગતો મનુષ્ય પણ એક મૂલ્ય છે. વિસંગત–ઍબ્સર્ડનો વિચાર ભારપૂર્વક રજૂ કર્યો પછી કામુએ વિદ્રોહ–રીબેલની ભૂમિકા તરફ સંકેત કર્યો. મૂલ્ય-હ્રાસની પરિસ્થિતિ સામે વિદ્રોહ કરવો એ સર્જક કલાકારનો ધર્મ છે.
સાહિત્ય અને કલાની પ્રવૃત્તિ મૂલ્યનિરપેક્ષ છે એવો એક વિચાર પ્રચલિત છે. ક. મા. મુનશીએ કહેલું કે નીતિ કલાની વિષકન્યા છે. નીતિ સ્થળ અને સમયનાં બંધનો ધરાવે છે. મૂલ્ય સ્થળકાળનાં બંધનોથી મુક્ત-વૈશ્વિક અને ચિરંતન છે. સત્યનિષ્ઠા, સ્વતંત્રતા, સમાનતા, બંધુતા, કરુણા આ મૂલ્યો ભારતીય હોવાની સાથે વૈશ્વિક છે. એનો મૂલ આધાર જાગ્રત આત્માનું આંતરિક એકત્વ છે. રા.વિ. પાઠક કહે છે : ‘‘હું તો એમ માનું છું કે માણસને પોતાના જીવનના એકત્વની પ્રતીતિ છે. માટે જ માણસ જગતમાં એકત્વની અપેક્ષા રાખે છે. અને માટે હું એ અશક્ય સમજું છું કે સમગ્ર કાવ્યના ભાવના મૂલ્યાંકનનું ધોરણ જીવનના મૂલ્યાંકનના ધોરણથી સ્વતંત્ર હોય.’’
અદ્વૈતની આ ભૂમિકાએ પણ મૂલ્યની ચર્ચા થઈ શકે. મૂલ્યોના બે સાદા પ્રકાર – બાહ્ય અને આંતરિક વિશે વિચાર કરતાં વેદાન્તી કહે છે કે નિર્ગુણ બ્રહ્મ રૂપે આંતરિક મૂલ્યની જ અંતિમ સત્તા છે. એ સિવાય બીજાં બધાં બાહ્ય મૂલ્યો છે; જે આભાસ માત્ર છે.
પશ્ચિમમાં મૂલ્યચર્ચાની સુદીર્ઘ પરંપરા મળી આવે છે. પ્લેટોએ મૂલ્યને લગતો પ્રત્યય-સિદ્ધાન્ત રજૂ કર્યો; એરિસ્ટોટલે આચારશાસ્ત્ર, રાજનીતિશાસ્ત્ર અને તત્વવિદ્યાના ક્ષેત્રે એની વ્યવસ્થિત માંડણી કરી. એથી પ્રભાવિત પ્રજાઓમાં જીવનના ઉચ્ચ આદર્શોની શોધ આરંભાઈ. એરિસ્ટોટલ જેને ઉચ્ચતમ મૂલ્ય કહે છે એની સાથે ખ્રિસ્તી ધર્મચિંતકોએ ઈશ્વર સાથેના તાદાત્મ્યનો ખ્યાલ જોડ્યો. એ મુજબ ઈશ્વરપ્રાપ્તિ, ઈશ્વરનો અનુગ્રહ એ જ જીવનનું સર્વોચ્ચ મૂલ્ય ઠરે. શ્રી રામકૃષ્ણ પરમહંસ પણ કહે છે : જીવનનું સર્વોચ્ચ લક્ષ્ય શું ? ઈશ્વરપ્રાપ્તિ. સૌંદર્ય અને ધર્મને લગતાં મૂલ્યોની કૅન્ટે ગહન ચર્ચા કરી છે. સદાચાર, કલા અને ધર્મ હેગલના અધ્યાત્મવાદમાં સર્વોચ્ચ સ્થાન ધરાવે છે. બ્રેંટાનો પ્રેમને જ સર્વોચ્ચ મૂલ્ય માને છે. ભારતીય કાવ્યશાસ્ત્રીઓ કલાકૃતિના આનંદને બ્રહ્માનંદસહોદર કહે છે. પ્રત્યભિજ્ઞાદર્શનના ઉદગાતા અભિનવગુપ્ત રસનિષ્પત્તિને ‘સત્ ચિત્ આનંદ’ સ્વરૂપ કહે છે.
જેનાથી કોઈ ઇચ્છાની તૃપ્તિ થાય એને સ્પિનોઝા મૂલ્ય કહે છે. પેરી અભિરુચિને, માર્ટીન્યૂ અગ્રતા(પ્રેફરન્સ)ને, ટી. એચ. ગ્રીન વ્યક્તિત્વના એકત્વના અનુભવને, નિત્શે વિકાસ-સાધક અનુભવને મૂલ્ય માને છે. મૂલ્યને લગતી આ બધી સંકલ્પનાઓએ સાહિત્ય અને કલાના પોતપોતાના માનદંડ રજૂ કર્યા છે.
મૂલ્ય વિશે મુખ્ય વિવાદ છે એના આત્મલક્ષી-પરલક્ષી હોવા અંગે. મૂલ્યનિર્ણય વ્યક્તિ પર અવલંબે છે કે વસ્તુ પર ? સ્પિનોઝા, લોટ્સ આદિ મૂલ્યને વૈયક્તિક માને છે. મૂલ્ય વ્યક્તિની રુચિ અને માનસિક જરૂરિયાતો પર આધાર રાખે છે. જ્યારે મૂર વગેરે ચિંતકો માને છે કે રૂપ, રસ ગંધની જેમ મૂલ્ય પણ વિષયગત છે, વસ્તુલક્ષી છે. એલેકઝેંડર માને છે કે વ્યક્તિ અને વસ્તુથી ભિન્ન, સ્વતંત્ર અસ્તિત્વ મૂલ્યનું હોઈ ન શકે.
માનવજાતિએ સભ્યતા અને સંસ્કૃતિના વિકાસ સાથે મૂલ્યબોધ પણ વિકસાવ્યો છે. પ્રત્યેક ભાષામાં મૂલ્યનો નિર્દેશ કરતાં સૂત્રો જોવા મળે છે. ‘સત્યમ્ શિવમ્ સુન્દરમ્’નો સ્રોત પશ્ચિમનું ‘ટ્રુથ, ગુડ, બ્યૂટીફુલ’ છે. નવા નવા માકર્સવાદી બનેલા રશિયાના યુવકોને ઈશ્વરની સંકલ્પના સમજાવવા સર્વપલ્લી રાધાકૃષ્ણને આ ‘સત્યમ્ શિવમ્ સુન્દરમ્’નું સૂત્ર સમજાવ્યું હતું. ગાંધીજીની પ્રાર્થનામાં ‘સત્ય એ જ પરમેશ્વર’ પર ભાર મુકાતો. અસ્તિત્વવાદી કીર્કેગાર્ડે કહેલું : ‘ગોડ ઇઝ ફેથ.’ (ઈશ્વર એટલે તમારી શ્રદ્ધા) ગીતાની ઉક્તિ છે. ‘જ્ઞાન સમું પવિત્ર અહીં બીજું કશું નથી ! ‘ઈમાનદારી એ જ ઉત્તમ નીતિ, ‘નૈતિક હોવું એટલે બૌદ્ધિક હોવું’, ‘હું છું કેમ કે હું વિચારું છું’, ‘પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર, તત્વનું ટૂંપણું તુચ્છ લાગે’ (નરસિંહ મહેતા) ‘હે રસતરસ્યાં બાળ, રસની રીત મ ભૂલશો, પ્રભુએ બાંધી પાળ રસસાગરની પુણ્યથી’ (ન્હાનાલાલ) જેવી પંક્તિઓ સંસ્કારી વ્યક્તિઓની સ્મૃતિનો ભાગ બને છે. એથી સૂચવાય છે કે કોઈ ને કોઈ પ્રકારના મૂલ્યની માણસે – સમાજે ગરજ અનુભવી છે. વ્યાપક ર્દષ્ટિએ વિચારતાં વ્યક્તિ અને સમાજના સ્થૂલ-સૂક્ષ્મ વ્યાપારો સાથે મૂલ્યનો પ્રત્યક્ષ કે પરોક્ષ સંબંધ ઊપસી આવેલો પ્રતીત થાય છે. મૂલ્યને અર્થહીન માનનારા કેટલાક વિચારકોનો પ્રભાવ સંવેદનશીલ સમાજે ગ્રહણ કર્યો નથી.
મૂલ્યને સુખ સાથે જોડતા ચિંતકોને માનસશાસ્ત્રનું સમર્થન મળી આવ્યું છે. કેટલાક વિચારકો વ્યક્તિના સુખ પર ભાર મૂકે છે તો કેટલાક સમાજના. એરેસ્ટિયસ વ્યક્તિના સુખને તો બેંથમ સમાજના સુખને મૂલ્યનો માનદંડ ગણાવે છે. બહુજનહિતાય, બહુજનસુખાયની ભાવના વિકસીને સર્વોદયનું રૂપ પામી. બુદ્ધથી ગાંધી સુધી આ વિચાર કલ્યાણકારી નીવડ્યો છે. બેંથમે સમાજના સુખ વિશે સર્વવ્યાપી શાસ્ત્રીય વિચાર કરી સુખગણકની માંડણી કરી આપી છે, જેમાં સુખનું સ્થાયિત્વ, નિશ્ચિતતા, નિકટતા, ગહનતા, પવિત્રતા, વ્યાપકતા પોતપોતાના યોગ્ય પ્રમાણમાં સંયોજાય.
જીવસૃષ્ટિ-સંતુલનશાસ્ત્ર (ઇકૉલૉજી) પર મુકાયેલો ભાર મનુષ્ય અને પ્રકૃતિ વચ્ચેની સંવાદિતાની પુન:સ્થાપનાની અનિવાર્યતા સૂચવે છે. પ્રકૃતિવાદી ચિંતકો જૈવિક વિકાસ અને વાતાવરણની સમરસતાને મૂલ્યનો આધાર માને છે, જે વસ્તુ, ક્રિયા અને પરિસ્થિતિ જીવ માટે ત્વરિત વિકાસસાધક બને એને વધુ મૂલ્યવાન માને છે. સર્જક કલાકાર આવા સંવાદી વિકાસનો ઉપાસક હોય તો એ ઉમાશંકર જોશીની જેમ કહી શકે : ‘કલા પોતે જ એક જીવનમૂલ્ય છે.’ કેમ કે સર્જક કલાકાર શબ્દ દ્વારા શબ્દરૂપે સ્વરૂપને વ્યક્ત કરે છે.
મૂળભૂત મૂલ્યોની ચર્ચા માનવવિદ્યાઓ અને વિવિધ વિજ્ઞાનોના ક્ષેત્રે વિસ્તરી ચૂકી છે. નૃવંશશાસ્ત્રીઓ, સમાજશાસ્ત્રીઓ, અર્થશાસ્ત્રીઓ કામચલાઉ કિંમત અને કાયમી મૂલ્ય વિશેની નિસબત દાખવતા રહે છે. તેમ છતાં કહેવું જોઈએ કે માનવવિદ્યા અંતર્ગત નીતિશાસ્ત્ર અને સૌંદર્યશાસ્ત્ર દ્વારા મૂલ્યમીમાંસા સવિશેષ થઈ છે. પરસ્પર મતભેદોને કારણે એમાં આવેલું વૈવિધ્ય રસપ્રદ નીવડ્યું છે. આનું નિરૂપણ ચિંતનાત્મક સાહિત્ય અને સર્જનાત્મક સાહિત્ય બંનેમાં થતું આવ્યું છે, બંનેએ મૂલ્યોની ચર્ચા-વિચારણા કરવાની સાથે મૂલ્યોની વિકાસયાત્રા પણ આલેખી છે. જીવનનો ઉલ્લાસ અને સંસ્કારી સંયમ જેવા બંને અભિગમો જીવનની ઊર્જાને ઓળખાવે છે અને મૂલ્યોની વ્યાપ્તિ વધારે છે. હિંસા, ગુલામી, શોષણ આદિની નાબૂદીમાં અને સમાનતા, સ્વતંત્રતા, બંધુતા જેવાં મૂલ્યોના સંવર્ધનમાં સાહિત્યનો ફાળો સવિશેષ રહ્યો છે.
રઘુવીર ચૌધરી
ચન્દ્રકાન્ત શેઠ