મૂલ્ય-વિશ્લેષણ

February, 2002

મૂલ્ય-વિશ્લેષણ (value analysis) : વસ્તુ કે સેવાનાં કાર્યોને વધારવા અને સુધારવા તેમજ તેની પડતરને ઘટાડવાના પ્રયત્નો. માલ અથવા સેવાના ઉત્પાદનમાં અનાવશ્યક ખર્ચાઓ ઓળખવાનો અને તૈયાર માલની ગુણવત્તામાં ફેરફાર કર્યા વિના અવેજીમાં અન્ય પ્રકારના કાચા માલ તથા પદ્ધતિઓના ઉપયોગ દ્વારા પડતર કિંમત ઘટાડવાનો વ્યવસ્થિત અને વિધાયક અભિગમ. પ્રવર્તમાન તૈયાર માલની પડતર કિંમત ઘટાડવા માટે અથવા નવા માલનું વાજબી કિંમતે ઉત્પાદન કરવા માટે આ પ્રવિધિનો ઉપયોગ કરવામાં આવે છે. મૂલ્ય-વિશ્લેષણનો જન્મ મૂલ્ય-એંજિનિયરિંગ(value engineering)માંથી થયો છે. 1947માં અમેરિકાની જનરલ ઇલેક્ટ્રિક ઇનકૉર્પોરેશન(જ. ઇ.)ના ખરીદઅધિકારી લૉરેન્સ ડી. માઇલ્સે સૌથી પ્રથમ મૂલ્ય-એન્જિનિયરિંગના વિચારને વહેતો મૂક્યો અને જનરલ ઇલેક્ટ્રિક ઇનકૉર્પોરેશનના કારખાનામાં અમલમાં મૂકયો. જ. ઇ. ના ઉપપ્રમુખ હૅરી એર્લિચર બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ઉત્પાદનમાં વપરાતા પદાર્થો અને એન્જિનિયરિંગ પ્રક્રિયાના વિકલ્પોની સતત શોધ કરતા હતા. યુદ્ધને કારણે ચીજવસ્તુઓની તંગી વરતાતી હતી. તેથી તેઓ સસ્તા અને અસરકારક વિકલ્પોની શોધ ચલાવતા હતા. આ સંશોધન દરમિયાન એર્લિચરને સમજાયું હતું કે રૂઢિગત અભિગમ કલ્પનાશક્તિને કુંઠિત કરી નાંખે છે. પેદા થયેલ વસ્તુએ કે સેવાએ કયાં કામ/સેવા આપવાનાં છે તેને ધ્યાનમાં રાખીને જો પ્રક્રિયાઓ વિચારવામાં આવે તો મનોવલણો વધારે મુક્ત બને છે. એર્લિચરના આ વિચારોને લૉરેન્સે 1947 દરમિયાન જ. ઇ.ના કારખાનામાં અમલમાં મૂક્યા તેથી તે મૂલ્ય એંજિનિયરિંગથી ઓળખાયું. સમય જતાં મૂલ્ય એંજિનિયરિંગના સિદ્ધાંતો બજારક્રિયા, ખરીદી, કાર્યાલયો અને હૉસ્પિટલ જેવી સંસ્થાઓમાં પણ અમલમાં મુકાયા, તેથી તેને હવે મૂલ્ય-વિશ્લેષણથી ઓળખવામાં આવે છે.

મૂલ્ય-વિશ્લેષણ બે છેડા પર એકીસાથે વિચારે છે. એક છેડે એ વિચારે છે કે પેદાશ/સેવા ઉપભોક્તાને માટે કયાં કામ કરી આપે છે. બીજા છેડે એ વિચારે છે કે તે કામ થાય તે માટે પેદાશ/સેવાની પડતર કેટલી આવે છે. આમ પેદાશ/સેવાનાં કાર્યો અને એની પડતરનું પરિણામ મૂલ્ય છે. ઓછામાં ઓછી પડતરે વધુમાં વધુ કામ મેળવવાનાં છે, તેથી મૂલ્ય =  નું સમીકરણ રચી શકાય છે. બજારમાં પ્રાપ્ય અન્ય માલ કરતાં ઉત્પાદકનો માલ ખરીદવાનું ગ્રાહક પસંદ કરે અને તેની માલિકી માટે ગૌરવ અનુભવે તેવી ઊંચી ગુણવત્તાવાળા માલનું ઉત્પાદન કરવાની ભાવના મૂલ્ય-વિશ્લેષણમાં અભિપ્રેત છે. અલબત્ત, મૂલ્ય એક સ્વલક્ષી ખયાલ તો છે જ કે જેમાંનાં ગુણવત્તા, કાર્યક્ષમતા, કિંમત અને સેવા જેવાં તત્વોને સંબંધિત લોકો પોતાની ર્દષ્ટિએ મૂલવે છે. આમ છતાં, આ તત્વોનું ઇષ્ટતમ (optimum) સંમિશ્રણ કરીને પેદાશ/સેવામાંથી મહત્તમ કાર્યો મેળવવાના પ્રયત્નો થઈ શકે. બંને છેડે આ પ્રકારના પ્રયત્નો કરવાથી મૂલ્યવૃદ્ધિ થઈ શકે છે.

પેદાશ/સેવાનાં કાર્યોને નવેસરથી વિચારવાથી અને તેનાં ઉત્પાદન અને વિતરણની પડતરનાં તત્વોને નવેસરથી વિચારવાથી એક બાજુ કાર્યોનો જથ્થો, ગુણવત્તા અને અસરકારકતા વધારી શકાય તો બીજી બાજુ એના ઉત્પાદનથી માંડી વપરાશ સુધીની પડતરને ઓછી કરી શકાય. મૂલ્ય-વિશ્લેષણ, આમ, નવેસરથી વિચારવાનું ઇજન આપે છે, તેથી પેદાશ/સેવા સાથે સંકળાયેલા સૌને સર્જનાત્મકતા ખીલવવાની તક મળે છે.

મૂલ્ય-વિશ્લેષણની કામગીરીમાં ઉત્પાદનની પ્રત્યેક પ્રક્રિયાનું અલગ સ્વરૂપ નક્કી કરીને અને સરખામણી દ્વારા મૂલ્યાંકન કરીને વિકલ્પો શોધવામાં આવે છે. આ કામગીરીમાં ઉત્પાદનમાં કયો કાચો માલ/સેવા વપરાય છે, તેની પડતર કિંમત શી છે, અંતિમ ઉત્પાદનમાં તેનો ફાળો કેટલો છે, તેના બદલે અન્ય કાચો માલ/સેવા વાપરી શકાય કે કેમ, વૈકલ્પિક કાચા માલ/સેવાની પડતર કિંમત શી પડશે, એમ અનેક પ્રશ્નોના જવાબ ખોળવા પડે છે. તેમના ઉત્તરોમાંથી કયા ખર્ચા બિનજરૂરી છે અને કયા વિકલ્પો સ્વીકાર્ય છે તેની જાણ થાય છે. તૈયાર માલની શ્રેષ્ઠ કિંમત નક્કી થાય છે અને તેનો પસંદગીપૂર્વક અમલ કરવામાં આવે છે.

આ બધી બાબતોને સમાવતા મૂલ્ય-વિશ્લેષણની આવી વ્યાખ્યા આપવામાં આવી છે કે ‘વસ્તુ કે સેવાનાં કાર્યોને વધારવા અને સુધારવા તેમજ તેની પડતરને ઘટાડવાના પ્રયત્નોનો સરવાળો એટલે મૂલ્ય-વિશ્લેષણ.’ આમ ‘મૂલ્ય-વિશ્લેષણ’ શબ્દમાં જે મૂલ્યોની મીમાંસાનો ધ્વનિ છે તે એની વ્યાખ્યામાં નથી. વાસ્તવમાં એની વ્યાખ્યા એવું સૂચવે છે કે મૂલ્ય-વિશ્લેષણ એટલે મૂલ્યવૃદ્ધિ. પેદાશ/સેવાનાં કાર્યોનાં જથ્થા અને ગુણવત્તાને વધારવાં અને તેની પડતર ઘટાડવી એ બીજું કશું નથી, પણ મૂલ્યવૃદ્ધિ છે. પેદાશ/સેવાનાં કાર્યોના લાભમાંથી એની પડતર બાદ કરતાં મૂલ્ય મળે છે. જ્યારે કાર્યો તેમજ પડતરનાં તત્ત્વોને છૂટાં પાડીને તેમને માટે નવેસરથી વિચારવાનું થાય છે ત્યારે તેનું વિશ્લેષણ થતું હોય છે. વિશ્લેષણ દ્વારા મૂલ્યવૃદ્ધિ કરવામાં આવે છે, તેથી એને મૂલ્ય-વિશ્લેષણથી ઓળખવામાં આવે છે.

સૂર્યકાન્ત શાહ