મૂલ્ય : કોઈ એક વસ્તુના બદલામાં બીજી વસ્તુ કે સેવા પ્રાપ્ત કરવાની શક્તિ દર્શાવતો ખ્યાલ અથવા વિભાવના. અર્થશાસ્ત્રમાં મૂલ્યનો સંદર્ભ ઉપયોગિતા અથવા તુષ્ટિગુણમૂલ્ય સાથે નહિ, પરંતુ વિનિમય-મૂલ્ય સાથે હોય છે. બીજી રીતે કહીએ તો મૂલ્ય એટલે કોઈ એક વસ્તુ કે સેવાની ખરીદશક્તિ. મૂલ્યની વિભાવના હવા, પાણી કે સૂર્યપ્રકાશ જેવી સર્વસુલભ વસ્તુઓ સાથે નહિ, પરંતુ આર્થિક વસ્તુઓ સાથે સંબંધ ધરાવે છે. સ્વચ્છ હવા કે પાણી જીવન માટે ગમે તેટલાં મૂલ્યવાન હોય, પરંતુ તેની અવેજીમાં અન્ય કોઈ વસ્તુ કે સેવા પ્રાપ્ત કરવાની તેમની ક્ષમતા શૂન્ય હોય છે. સામાન્ય અર્થમાં આવી વસ્તુઓને જીવનની ર્દષ્ટિએ મૂલ્ય ભલે હોય, પરંતુ કોઈ પણ કિંમત ચૂકવ્યા વિના તે ઉપલબ્ધ કરી શકાય તેમ હોય છે. એટલા માટે જ આવી વસ્તુઓને સર્વસુલભ (free) વસ્તુઓ તરીકે ઓળખવામાં આવે છે. સર્વસામાન્ય રીતે આવી વસ્તુઓનો પુરવઠો તેમની માગ કરતાં વધારે હોય છે, એટલે કે તેમની અછત હોતી નથી.
અર્થશાસ્ત્રની ર્દષ્ટિએ કોઈ પણ વસ્તુ કે સેવામાં ત્રણ લક્ષણો હોય તો જ તેને વિનિમય-મૂલ્ય હોઈ શકે છે : (1) તેમાં તુષ્ટિગુણ હોવો જરૂરી છે, એટલે કે માનવની કોઈ આર્થિક જરૂરિયાત પૂરી કરવાની તેમાં શક્તિ હોવી જોઈએ. (2) તેની અછત હોવી જોઈએ, એટલે કે સામાન્ય રીતે તેની માગ કરતાં તેનો પુરવઠો ઓછો હોવો જોઈએ. એમ હોય ત્યારે જ તેને કોઈ કિંમત પ્રાપ્ત થઈ શકે છે. (3) તેમાં હસ્તાંતરણનો ગુણ અથવા વિક્રયપાત્રતા હોવી જોઈએ.
જે વસ્તુ કે સેવામાં આ ત્રણેય લક્ષણોની એકસાથે હાજરી હોય તે જ વસ્તુ કે સેવા અર્થશાસ્ત્રની ર્દષ્ટિએ મૂલ્ય ધરાવી શકે છે.
હીરામાણેક જેવાં રત્નોમાં જીવનવિષયક મૂલ્ય કે ઉપયોગિતા મૂલ્ય લગભગ નહિવત્ હોય પરંતુ તેમની અછતને લીધે તેમનું વિનિમયમૂલ્ય ખૂબ ઊંચું હોય છે. અર્થશાસ્ત્રની પરિભાષામાં આને ‘મૂલ્યનો વિરોધાભાસ’ (paradox of value) તરીકે ઓળખવામાં આવે છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે