મૂર, મૅરિયાના ક્રેગ (જ. 15 નવેમ્બર 1887, સેન્ટ લૂઈ, મિસૂરી, અમેરિકા; અ. 5 ફેબ્રુઆરી 1972, ન્યૂયૉર્ક) : અમેરિકન કવયિત્રી. બાહ્ય જગતના બારીકીભર્યા નિરીક્ષણમાંથી તેમણે નૈતિક અને બૌદ્ધિક સમજ અને સૂઝ તારવ્યાં છે. તે તેમના દીર્ઘ કવનકાળ દરમિયાન તેમનાં સાથી કવિઓ દ્વારા સારી પ્રશસ્તિ પામ્યાં હતાં.
1909માં જીવશાસ્ત્રનો વિષય લઈ પેન્સિલ્વેનિયાની બ્રાયન મૉર કૉલેજમાંથી સ્નાતક. પછી કેટલાક ધંધાકીય વિષયોનો અભ્યાસ. કાર્લાઇલ(પેન્સિલ્વેનિયા)ની યુ. એસ. ઇન્ડિયન સ્કૂલમાં તે વિષયોનું અધ્યાપન. 1921થી 1925 સુધી તેમની ન્યૂયૉર્ક પબ્લિક લાઇબ્રેરી સિસ્ટમમાં મદદનીશ તરીકે કામગીરી. 1925માં મુખ્ય લેખાતા નવા કવિઓમાં તેમની ગણના અને તે સાથે અમેરિકાના સાહિત્ય અને કલાના અતિ પ્રભાવક સામયિક ‘ધ ડાયલ’નાં કાર્યકારી સંપાદક. એ સામયિક 1929માં બંધ થયું ત્યાં સુધી તેમાં તેમણે સેવા આપી.
તેમનું પ્રથમ પુસ્તક ‘પોએમ્સ’ 1921માં લંડનમાં એગોઇસ્ટ પ્રેસે પ્રકાશિત કર્યું. અમેરિકામાંના તેમના પ્રથમ પ્રકાશન ‘ઑબ્ઝર્વેશન્સ’(1924)ને ડાયલ ઍવૉર્ડ મળ્યો હતો. આ આરંભના ગ્રંથોમાં તેમની કેટલીક ઉત્તમ રચનાઓ સમાવિષ્ટ છે; દા.ત., ‘ધ ફિશ’, ‘ટૂ અ સ્ટીમ-રોલર’, ‘વ્હેન આઇ બાઇ પિક્ચર્સ’, ‘ધ લેબર્સ ઑવ્ હર્ક્યુલિસ’, ‘પોએટ્રી’ વગેરે. આ છેલ્લી રચનામાં તેમની બહુ જ પ્રચલિત પંક્તિ છે : ‘કવિઓએ કાલ્પનિક બગીચાઓમાં સારાં પ્રાણીઓનું આલેખન કરવું જોઈએ !’ (‘વન ડિસ્કવર્સ ઇન ઇટ, આફ્ટર ઑલ અ પ્લેસ ફૉર ધ જેન્યુઇન… ઇમેજરી ગાર્ડન્સ વિથ રીઅલ ટૉડ્ઝ ઇન ધેમ’) 1919 પછી ન્યૂયૉર્કમાં સ્થિર થઈ તેઓ કવિતા અને વિવેચનના ક્ષેત્રે સમર્પિત થયાં અને અમેરિકા તેમજ ઇંગ્લૅન્ડનાં ઘણાં સામયિકોમાં તેમનાં લખાણો આપતાં રહ્યાં. વળી તેમણે કાવ્યસંગ્રહો પણ પ્રકટ કર્યા. 1951માં ‘કલેક્ટેડ પોએમ્સ’ ગ્રંથ પ્રકટ થયો. તેમણે ‘ધ ફેબલ્સ ઑવ્ લા ફૉન્તેન’નો 1954માં અનુવાદ કર્યો. 1955માં વિવેચનાત્મક નિબંધોનો સંગ્રહ ‘પ્રીડિલેક્શન્સ’ અને 1958માં ‘ઇડિયોસિન્ક્રસી ઍન્ડ ટૅકનિક : ટૂ લેકચર્સ’ પ્રકટ કર્યા. લૉરેન્સ સ્ટેપલટનનો 1978માં પ્રકાશિત ગ્રંથ ‘મૅરિયાના મૂર’ તેમના વિશેનો વિવેચનાત્મક અભ્યાસ છે.
અનિલા દલાલ