મૂર્ચ્છા (આયુર્વેદ) : હરતાં-ફરતાં કે બેઠાં બેઠાં જ અચાનક પડી જઈને પૂર્ણ રૂપે કે આંશિક રૂપે જ્ઞાન (ભાન) ગુમાવી દેવાની સ્થિતિ. તેને ‘બેહોશી’ કે ‘મૂર્ચ્છા’ કહે છે. આ મૂર્ચ્છારોગ (syncope or coma) સ્વતંત્ર રીતે તથા બીજા રોગના ઉપદ્રવ રૂપે એમ બે રીતે થાય છે.
રોગનાં કારણો : શરીરમાં ખૂબ ઘટી ગયેલા કે વધી પડેલા (વાતાદિ) દોષોના કારણે; વિરુદ્ધ આહાર-સેવનની ટેવથી; મળ-મૂત્ર-ઊંઘ જેવા કુદરતી વેગો પરાણે રોકી રાખવાથી; માથે કે શરીરના અન્ય ભાગમાં કંઈક વાગવાથી તેમજ વ્યક્તિનો સત્વગુણ સાવ ઘટી ગયો હોય અને તમોગુણ મનની નાડીઓમાં વધુ ફેલાઈ ગયો હોય તેથી મૂર્ચ્છા (બેહોશી) થાય છે. મૂર્ચ્છા થવાનાં અન્ય કારણોમાં વધુ પડતી ચિંતા કે ફિકર, માનસિક આઘાત, વધુ પડતું મદ્ય(શરાબ)પાન, અચાનક ભય કે શોક થવો, ઝેરની અસર થવી, માસિક ધર્મ અટકી જવો, હૃદયની ક્રિયા વિષમ થવી, ખૂબ માનસિક નબળાઈ, ભારે શારીરિક નબળાઈ, શરીરમાંથી જલીય અંશ ઘટી જવો, અતિ તાપ કે અતિ ઠંડી લાગવી વગેરેનો સમાવેશ થાય છે. વળી મધુપ્રમેહ રોગમાં શરીરમાં સાકરનું પ્રમાણ ખૂબ વધી કે ઘટી જવું, હાર્દિકી ધમનીનો અવરોધ થવો, હૃદયગતિ અટકી જવી, ભારે ઊંચો તાવ, હિસ્ટીરિયા, વાઈ, હાઈ કે લો બ્લડ-પ્રેશર, માદક પદાર્થોની અસર, મૂત્રવિષમયતા, અમ્લતા કે ક્ષારીયતા વધી જવી ઇત્યાદિ કારણોથી પણ ‘મૂર્ચ્છા’ થાય છે.
રોગનું પૂર્વરૂપ–લક્ષણો : મૂર્ચ્છા રોગ થતા પૂર્વે હૃદયપ્રદેશમાં પીડા થવી, બગાસાં પેદા થવાં, કોઈ કામ કરવાની ઇચ્છા ન થવી, ભ્રાંતિ થવી, જ્ઞાનશક્તિ નબળી પડવી જેવાં લક્ષણો વરતાય છે.
શરીરના વાતાદિ દોષો જ્યારે સંજ્ઞાવાહી નાડીઓને પૂરી દે છે, ત્યારે આંખ સામે સુખ અને દુ:ખના વિવેકનો નાશ કરનાર (ભાન ગુમાવનાર) અંધકાર પેદા થાય છે. વ્યક્તિને દુ:ખ કે સુખના દર્દનું ભાન નથી રહેતું અને તે સૂકા લાકડાની જેમ નીચે પડી જઈ બેહોશ થઈ જાય છે.
મૂર્ચ્છાનો સંબંધ હૃદય અને મગજ બંને સાથે છે. શરીર સારી રીતે ચલાવવા માટે મગજ તથા શરીરની દરેક ધાતુની પુષ્ટિ માટે શુદ્ધ ને પૂરતા રક્તની જરૂર (શરીરને) પડે છે. આ બે ગુણોની અછત થવાથી ‘મૂર્ચ્છા’ પેદા થાય છે. પ્રાય: હૃદય કે મગજની ખામીથી મૂર્ચ્છા થાય છે. પ્રાય: બધી મૂર્ચ્છાઓમાં પિત્તદોષની પ્રધાનતા રહે છે.
મૂર્ચ્છાના પ્રકારો : આયુર્વેદવિજ્ઞાનના મતે મૂર્ચ્છા છ પ્રકારની છે : વાતજ, પિત્તજ, કફજ, રક્તજ, મદ્યજ તથા વિષજ. મારચોટ- (અભિઘાત)થી થનાર મૂર્ચ્છા ‘રક્તજ’માં ગણાય. હિસ્ટીરિયા તથા અપસ્માર(વાઈ)ની મૂર્ચ્છા ‘દોષજ’ ગણાય. ઝેરી દવા કે ઝેરને કારણે થતી મૂર્ચ્છા ‘વિષજ’ ગણાય. માદક પદાર્થોથી થતી મૂર્ચ્છા ‘મદ્યજ’- અંતર્ગત ગણાય.
સારવાર : આયુર્વેદવિજ્ઞાન મુજબ મૂર્ચ્છા રોગની સારવાર માટે પ્રથમ તે રોગનું મૂળ કારણ શોધી, દોષાનુસાર તેનો ઇલાજ કરવો જોઈએ.
સારવારના બે મુખ્ય પ્રકારો છે : (1) બેહોશી છોડાવી હોશમાં લાવનારા તાત્કાલિક ઔષધિ-પ્રયોગો અને (2) મૂળ રોગ-નિવારક પશ્ચાત્-સારવાર.
તત્કાલ સારવાર : આ પ્રકારમાં બેહોશ વ્યક્તિને બને તેટલી ઝડપથી ભાનમાં લાવવાના ઉપાયો કરવામાં આવે છે. મૂર્ચ્છિત વ્યક્તિને ભાનમાં લાવવા માટે ‘નસ્ય’ એક સર્વોત્તમ અને તત્કાલ ફલપ્રદ પ્રયોગ છે. આ માટે અત્રે નિર્દેશેલો કોઈ પણ પ્રયોગ કરવો : (1) મૂર્ચ્છાંતક નસ્ય : નવસાર 1 ભાગ, ચૂનો 1 ભાગ, ફટકડી 2 ભાગ અને કપૂર 1 ભાગ એક કાચની શીશીમાં એકત્ર કરી, તેમાં થોડું પાણી મેળવી, ઉપર મજબૂત બૂચ મારી દેવો. બેભાન વ્યક્તિના નાક પાસે આ બાટલીનો બૂચ ખોલી, થોડી થોડી વાર ધરવાથી વ્યક્તિ ધીમે ધીમે ભાનમાં આવી જશે. (2) શ્વાસકુઠાર રસનો પાઉડર અથવા કાયફળ અથવા સૂંઠ-મરીનો સૂક્ષ્મ પાઉડર ભૂંગળી વડે દર્દીના બંને નાકમાં 1-2 વાર ફૂંકી દેવાથી દર્દી થોડી વારમાં ભાનમાં આવશે. (3) ખૂબ ઠંડા પાણીના છાંટા કે છાલકો દર્દીના ચહેરા પર વારંવાર મારવી. (4) દર્દી તડકે હોય તો તેને છાંયડે રાખી, તેને ઠંડો પવન નાખવો અને પછી ટાંકણી કે સોય તેના હાથ-પગના તળિયામાં ખોસી ભાનમાં લાવવો. (5) જો દર્દીને હિસ્ટીરિયા કે વાઈની મૂર્ચ્છા હોય તો તેનાં બે જડબાંની વચ્ચે લાકડાની કોઈ કઠણ વસ્તુ મૂકી દેવી, જેથી દર્દીની જીભ ન કપાઈ જાય. પછી તેનાં કપડાં ઢીલાં કરી, તેના નાકમાં નસ્ય દવા ફૂંકવી.
પછીની સારવાર : દર્દી ભાનમાં આવ્યા બાદ તેને મકરધ્વજ 120 મિગ્રા. તથા કપૂર 61 મિગ્રા. મધ સાથે તુરત ચટાડવું, જેથી ફરી મૂર્ચ્છા નહિ થાય. જો દર્દીને વધુ તાવ હોય તો તેનો તાવ ઊતરે તે માટે હાથ-પગના તળિયે તથા કપાળે મીઠું, નવસાર કે કોલન વૉટર નાંખેલા ઠંડા પાણીનાં પોતાં વારંવાર મૂકવાથી લાભ થશે.
મૂર્ચ્છાનાશક ઉપાયો : (1) નાળિયેરનું પાણી, તેમાં થોડો જવનો લોટ તથા સાકર નાખી પાવું, જેથી કફ, તરસ, ભ્રમ અને મૂર્ચ્છા નાશ પામશે. (2) બોરના ઠળિયાનો મગજ, લીંડીપીપર, વાળો અને નાગકેસર પાણીમાં વાટી રોગીને પાવાં અથવા મધમાં લીંડીપીપરનું ચૂર્ણ ચટાડવું. (3) કાળી દ્રાક્ષ, સાકર, દાડમની છાલ, લાજાળુ તથા રાતાં અને ધોળાં કમળનો ઉકાળો કરી પાવો. (4) જો રોગીને ઠંડી લાગેલી હોય, શરીર ઠંડું હોય તો તેને ગરમ કૉફી સૂંઠ નાંખીને પાવી.
દોષાનુસાર શાસ્ત્રોક્ત સારવાર : (1) વાતજ મૂર્ચ્છામાં અમૃતબિંદુ, દશમૂલારિષ્ટ, કસ્તૂરીભૈરવ રસ; (2) પિત્તજ મૂર્ચ્છામાં ગુલાબજળ, શીતોપચાર, કામદુઘા રસ + પ્રવાલપિષ્ટિ + મોતીપિષ્ટિ ઘી – સાકરમાં; (3) કફજ મૂર્ચ્છામાં પંચસૂતરસ, દશમૂલારિષ્ટ, અમૃતબિંદુ અને પ્રધમન નસ્ય; (4) ઉચ્ચ રક્તદબાણ(બી. પી.)જન્ય મૂર્ચ્છામાં મૂર્ચ્છાંતક નસ્ય, આરોગ્યવર્ધિની, ચંદ્રપ્રભાવટી અને બ્રાહ્મી સીરપ; (5) હિસ્ટીરિયાની મૂર્ચ્છામાં અશ્વગંધારિષ્ટ + દશમૂલારિષ્ટ; માંસ્યાદિ ક્વાથ અને પ્રધમન નસ્ય; (6) ગાંડપણની મૂર્ચ્છામાં પ્રધમન નસ્ય, અશ્વગંધારિષ્ટ + સારસ્વતારિષ્ટ, જ્યોતિષ્મતી તેલ; (7) મનોઘાતજન્ય મૂર્ચ્છામાં ચૈતન્યોદય રસ, મૃગમદાસવ, જવાહર મોહરા, બૃહત્ કસ્તૂરી ભૈરવ રસ; (8) સંન્યાસની મૂર્ચ્છામાં મૂર્ચ્છાંતક રસ, રસસિંદૂર, અશ્વગંધારિષ્ટ + સારસ્વતારિષ્ટ નસ્ય, (9) જૂની રક્તજ મૂર્ચ્છામાં તાપ્યાદિ લોહ, ચંદ્રકલા રસ, શીતળ પેય, ચંદનલેપ, શીતજળધારા; (10) ઉપદંશરોગજન્ય મૂર્ચ્છામાં અષ્ટમૂર્તિ રસાયન; (11) અલ્પ રક્તદબાણ(લો બી.પી.)ની મૂર્ચ્છા – કડક કૉફી, અભ્રક + રસસિંદૂર મધમાં; હૃદયપૌષ્ટિક (જવાહર મોહરા રસ) મધમાં; (12) મધુમેહજન્ય મૂર્ચ્છામાં નાગભસ્મ, વસંતકુસુમાકર, શિલાજિતાદિવટી, પ્રમેહગજકેસરી રસ.
પરેજી : રેચ દેવો, ઊલટી કે ઉપવાસ કરાવવા, કડવો રસ, ધાણીનો સૂપ, જૂના જવ, રાતી ડાંગર, મગ ને વટાણાનો સૂપ, સાકર, જૂનું કોળું, દાડમ, નાળિયેર, તાંદળજો, ઘી, દૂધ વગેરે.
અપથ્ય : ગરમ-તીખા-વાયડા પદાર્થો, પાન, વિરુદ્ધ આહાર અને ગરમ આહાર.
બળદેવપ્રસાદ પનારા