મૂડીરોકાણ
February, 2002
મૂડીરોકાણ : સામાન્ય રીતે નફો મેળવવાના હેતુથી નાણાંનો કે ઉત્પાદનનાં અન્ય સાધનોનો ઉપયોગ કરવાની પ્રક્રિયા અથવા કૃત્ય. સામાન્ય વ્યવહારની ભાષામાં નાણાકીય સાધનો દ્વારા થતા રોકાણને મૂડીરોકાણ કહેવામાં આવે છે. એટલે કે નાણાભંડોળ પ્રાપ્ત કરી તેનો શૅર, જામીનગીરી વગેરે મેળવવા માટે ઉપયોગ કરવો. ક્યારેક વાસ્તવિક અસ્કામતો પ્રાપ્ત કરવા માટે નાણાંના થતા ઉપયોગને પણ મૂડીરોકાણ કહેવામાં આવે છે; દા.ત., જમીન, મકાન, સોના-ચાંદી જેવાં કીમતી ઝવેરાત, યંત્રો વગેરેમાં રોકાતાં નાણાં. પરંતુ રાષ્ટ્રીય આવક અંગેના હિસાબો(national income accounts)ના સંદર્ભમાં વિચારતાં મૂડીરોકાણ એટલે વર્તમાન સમયમાં ઉત્પાદિત કરવામાં આવેલ વાસ્તવિક અસ્કામતો; જેવી કે, કારખાનાના પ્લાન્ટ, તેમાં વપરાતાં યંત્રો; સંચા, ઓજારો જેવી સાધનસામગ્રીમાં થતું વાસ્તવિક રોકાણ (real investment). આમ અર્થશાસ્ત્રની પરિભાષા મુજબ વ્યક્તિએ કરેલ બચતોનો ઉપયોગ જ્યારે તે જમીન કે મકાન કે યંત્રો ખરીદવા માટે કે સરસામાનનો સંગ્રહ (inventory) વધારવા માટે કરે છે ત્યારે તેને મૂડીરોકાણ કહેવામાં આવશે; પરંતુ જો વ્યક્તિ પોતાની બચતોનો ઉપયોગ કોઈ ઔદ્યોગિક એકમના શૅર કે ડિબેન્ચર ખરીદવા માટે કરે ત્યારે તે મૂડીરોકાણ નહિ, પરંતુ નાણાંનું માત્ર હસ્તાંતરણ (financial transfer) કહેવાય.
મૂડીરોકાણ એ પ્રવાહ (flow) હોય છે અને તેને અનેક રીતે વર્ણવી શકાય; દા.ત., અગાઉ ઊભા કરવામાં આવેલા પ્લાન્ટ કે યંત્રોની સંભાળ કે માત્ર જાળવણી માટે કે તદ્દન ઘસાઈ ગયેલાં નકામાં ઓજારોની જગ્યાએ નવાં ઓજાર વસાવવા માટે જે મૂડીરોકાણ કરવામાં આવે છે તેને સાધનની બદલી માટેનું મૂડીરોકાણ (replacement investment) કહેવામાં આવે છે; પરંતુ તદ્દન નવી અસ્કામતો વસાવવા માટે જે મૂડીરોકાણ કરવામાં આવે છે તેને ચોખ્ખું (net) મૂડીરોકાણ કહેવામાં આવે છે. નવું કે ચોખ્ખું મૂડીરોકાણ સમાજની મૂડીગત સંપત્તિ(capital wealth)ના જથ્થામાં ઉમેરો કરે છે. આ બંને પ્રકારના મૂડીરોકાણના સરવાળાને કાચું (gross) કે કુલ મૂડીરોકાણ કહેવામાં આવે છે. તેવી જ રીતે સમાજમાં થતું મૂડીરોકાણ કોના દ્વારા કરવામાં આવે છે તેના આધારે મૂડીરોકાણનું વર્ગીકરણ કરવામાં આવે તો ખાનગી ક્ષેત્રમાં થતું મૂડીરોકાણ અને જાહેર ક્ષેત્રમાં થતું મૂડીરોકાણ એવા તેના અલાયદા ભાગ પાડી શકાય. ખાનગી ક્ષેત્રમાં થતા મૂડીરોકાણનો હેતુ નફો કમાવાનો હોય છે; જ્યારે જાહેર ક્ષેત્રમાં થતા મૂડીરોકાણનો હેતુ આર્થિક વિકાસ હોય છે, જેના દ્વારા સમાજના આર્થિક કલ્યાણમાં વધારો કરી શકાય. મૂડીરોકાણના અન્ય બે પ્રકારો છે – પ્રેરિત મૂડીરોકાણ (induced investment) અને સ્વાયત્ત મૂડીરોકાણ (autonomous investment). સમાજની કુલ વપરાશમાં થતા વધારાને લીધે માંગમાં જે વધારો થાય છે તેને સંતોષવા માટે જે રોકાણ કરવામાં આવે છે તેને પ્રેરિત મૂડીરોકાણ કહેવામાં આવે છે, પરંતુ વૈજ્ઞાનિક શોધખોળો જેવા વિકાસને કારણે જ્યારે મૂડીરોકાણમાં વધારો થાય છે (જેનો વપરાશની વર્તમાન સપાટીમાં થતા ફેરફાર સાથે કોઈ સંબંધ હોતો નથી) ત્યારે તેને સ્વાયત્ત મૂડીરોકાણ કહેવામાં આવે છે. મુક્ત અર્થતંત્ર પર આધારિત અર્થવ્યવસ્થામાં મોટાભાગનું મૂડીરોકાણ તેનાં ભૂતકાળ કે વર્તમાન પરિણામો સાથે સંબંધ ધરાવતું હોતું નથી, પરંતુ ભવિષ્યમાં મળનાર અપેક્ષિત નફાને અનુલક્ષીને કરવામાં આવતું હોય છે.
પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓના મતે અર્થતંત્રમાં થતા મૂડીરોકાણનું કદ વ્યાજના દર પર આધારિત હોય છે; જ્યારે જે. એમ. કેઇન્સના મત મુજબ તે મુખ્યત્વે મૂડીની સીમાવર્તી કાર્યક્ષમતા (marginal efficiency of capital) દ્વારા નિર્ધારિત થતું હોય છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે