મૂડીમાળખું
February, 2002
મૂડીમાળખું : કંપનીની મૂડીનાં શૅર, ડિબેન્ચર અને દેવાં જેવા વિવિધ ઘટકોનું સંમિશ્રણ. કંપની દ્વારા મૂડીગત સાધનો એકત્ર કરવા માટે જે વિકલ્પોની પસંદગી થાય છે તેમાં શૅરો – જેવા કે ઑર્ડિનરી શૅર, પ્રેફરન્સ શૅર, લાંબા ગાળાનું દેવું જેવાં કે ડિબેન્ચર, બૉન્ડ વગેરેનો સમાવેશ થાય છે. ટૂંકમાં જે વિવિધ પ્રકારની જામીનગીરીઓ દ્વારા કંપની મૂડી એકત્ર કરે છે તેમનું સંમિશ્રણ તેનું મૂડી-માળખું કહેવાય છે. મૂડીમાળખાની રચનામાં વિવિધ જામીનગીરીઓ અંગે નિર્ણય કરતી વખતે ટૂંકા, મધ્યમ કે લાંબા ગાળાની જરૂરિયાતો લક્ષમાં લેવામાં આવે છે. વિવિધ જામીનગીરીઓનું મિશ્રણ કરીને મૂડીમાળખું તૈયાર થાય છે. ઑર્ડિનરી કે પ્રેફરન્સ શૅરનો ઉપયોગ લાંબા ગાળાની જરૂરિયાત સંતોષવા માટે થાય છે, જ્યારે ડિબેન્ચર અને બૉન્ડ એ મધ્યમ ગાળાની જરૂરિયાત સંતોષવા ઉપયોગમાં લેવાય છે. તેના પર વ્યાજનો નિશ્ચિત બોજ હોય છે. આથી કંપની માટે તે જવાબદારી બને છે, જ્યારે શૅરમૂડીમાં આવી કોઈ ફરજિયાત જવાબદારી ઊભી થતી નથી. પ્રેફરન્સ શૅર નિશ્ચિત ડિવિડન્ડના હોય છે, પરંતુ નફો થાય તે પરિસ્થિતિમાં જ ચૂકવવાપાત્ર બને છે. ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શૅર હોય તો જે વર્ષમાં નફો થાય. તે વર્ષમાં અગાઉનાં ખોટનાં વર્ષોનું ડિવિડન્ડ પણ ચૂકવાય છે. ઇક્વિટી/ઑર્ડિનરી શૅર પર તો જો નફો થાય અને સંચાલકોને યોગ્ય લાગે તો અને તેટલું જ ડિવિડન્ડ જાહેર કરવામાં આવે છે. મૂડીમાળખાની રચના ઊંડી વિચારણા માંગી લે છે કારણ કે તેની દૂરગામી અસરો ઊભી થતી હોય છે.
એકમની નાણાકીય સ્થિતિ વિશે સહેલાઈથી ચોકસાઈપૂર્વકનો અંદાજ બાંધી શકાય તેવું સરળ મૂડીમાળખું હોવું જોઈએ. ચોક્કસ હેતુને કેન્દ્રમાં રાખીને વિવિધ ઘટકો વચ્ચે યોગ્ય સમતુલા જાળવી, તરલતાયુક્ત પરિવર્તનશીલ, એકમની જરૂરિયાતને યોગ્ય રીતે સંતોષતું, નાણાંનો કાર્યક્ષમ ઉપયોગ સૂચવતું અને કટોકટી સામે રક્ષણાત્મક પુરવાર થાય તેવું મૂડીમાળખું સારું ગણાય છે. સંચાલક કંપનીની જરૂરિયાત પ્રમાણે (1) માત્ર ઇક્વિટી શૅર ધરાવતું, (2) ઇક્વિટી-પ્રેફરન્સ શૅરમિશ્રિત (3) ઇક્વિટી શૅર-ડિબેન્ચરના સંયોજનવાળું અને (4) ઇક્વિટી-પ્રેફરન્સ શૅર તેમજ ડિબેન્ચરના સંયોજનવાળું – એમ ચાર પ્રકારમાંથી એક પ્રકારનું મૂડીમાળખું રચી શકે છે. આવી રચના વખતે નિશ્ચિત વ્યાજબોજ, મૂડીબજારની પરિસ્થિતિ, સમયના તેમજ કાર્યક્ષમ ઉપયોગિતાના સંદર્ભમાં એકમની જરૂરિયાત, ધંધામાં જોખમ, આવકની લાક્ષણિકતા, સંચાલકોનાં વલણ, કરવેરાની જવાબદારી વગેરે મુદ્દાઓ લક્ષમાં લેવામાં આવે છે.
દુષ્યંતકુમાર જનકરાય વસાવડા