મૂડીબજાર
February, 2002
મૂડીબજાર : ઔદ્યોગિક અને વાણિજ્ય એકમો, સ્થાનિક સત્તામંડળો અને સરકારને લાંબા ગાળાની મૂડી પૂરી પાડતું બજાર. કોઈ પણ દેશના આર્થિક વિકાસ માટે પદ્ધતિસરના મૂડીબજારનું અસ્તિત્વ એક પૂર્વશરત છે. નવી કંપનીઓ શરૂ કરવા, હયાત કંપનીઓનાં વિકાસ અને વિસ્તરણ કરવા તથા સ્થાનિક સત્તામંડળો અને સરકારની યોજનાઓ અમલમાં મૂકવા માટે લાંબા ગાળાની મૂડીની જરૂર પડે છે. આવી મૂડી શૅર, સ્ટૉક, ડિબેન્ચર અને બૉન્ડ જેવાં નાણાકીય પ્રમાણપત્રો (securities) બહાર પાડીને મેળવી શકાય છે. આ મૂડી મુખ્યત્વે ખાનગી રોકાણકારો; વીમા કંપનીઓ; પેન્શન ફંડો; ઔદ્યોગિક વિકાસ બૅન્ક, ઔદ્યોગિક વિત્ત નિગમ જેવી રાજ્યપ્રેરિત નાણાસંસ્થાઓ અને વાણિજ્ય બૅન્કો પાસેથી મેળવવામાં આવે છે. આ બધા ઘટકો સામૂહિક રીતે મૂડીબજાર તરીકે ઓળખાય છે. મૂડી વાપરનારે મૂડીના વપરાશ માટે મૂડી પૂરી પાડનારને ચૂકવવી પડતી કિંમત વ્યાજ કહેવાય છે અને તે સમગ્ર મૂડીબજારનું હાર્દ છે. શૅરબજારો પ્રત્યક્ષ રીતે મૂડીનો સ્રોત નથી. પણ તેમના ચોગાનમાં નાણાકીય પ્રમાણપત્રોની લે-વેચ કરીને રોકાણકારો પોતાનાં નાણાં રોકી કે છૂટાં કરી શકે છે, તેથી લાંબા ગાળાના મૂડીબજારને પરોક્ષ પ્રોત્સાહન મળે છે. આમ શૅરબજારો મૂડીબજારનું સ્વસ્થ વાતાવરણ સર્જવામાં મહત્વનો ફાળો આપે છે. સામાન્ય રીતે લોકો મૂડીબજાર (capital market) અને નાણાબજાર(money market)ને એક જ માને છે, પરંતુ તેમની બંનેની વચ્ચે તફાવત એ છે કે મૂડીબજાર લાંબા ગાળાના મૂડીરોકાણની અને નાણાબજાર ટૂંકા ગાળાના મૂડીરોકાણની સવલત પૂરી પાડે છે. વિકસિત દેશોનાં અદ્યતન મૂડીબજારોની સરખામણીમાં વિકાસશીલ અને અવિકસિત દેશોનાં મૂડીબજારો અણઘડ સ્વરૂપનાં હોય છે.
અશ્વિની કાપડિયા