મૂડીકરણ : કંપનીની સામાન્ય શૅર અને પ્રેફરન્સ શૅર જેવી સ્વમાલિકીની મૂડી અને ડિબેન્ચર જેવી લાંબા ગાળાની ઉછીની લીધેલી મૂડીમાં વહેંચાયેલું કંપનીનું મૂડીમાળખું અથવા કંપનીના રિઝર્વ સ્વરૂપે એકત્રિત થયેલા નફાનું શૅરમૂડીમાં રૂપાંતર કરવા માટે કંપનીના હયાત શૅરહોલ્ડરોને અપાતા બોનસ શૅર.

(1) કંપનીનું મૂડીમાળખું : મૂડીકરણમાં સ્વમાલિકીની મૂડી અને લાંબા ગાળાનાં દેવાં સ્વરૂપમાં લીધેલી મૂડીનો સમાવેશ થાય છે. કોઈ ચોક્કસ સમયે કંપનીની અસ્કામતોની પ્રવર્તમાન કિંમતમાંથી કંપનીની જવાબદારીઓ બાદ કરતાં જે રકમ બાકી રહે તે રકમ કંપનીનું મૂડીકરણ સૂચવે છે. કંપનીના મૂડીકરણની ગણતરી કરવા માટે મુખ્યત્વે ત્રણ પદ્ધતિઓ છે : (ક) કુલ ખર્ચની પદ્ધતિ, (ખ) મિલકતોના વર્તમાન મૂલ્યની પદ્ધતિ, અને (ગ) કમાણીના દરની પદ્ધતિ. કુલ ખર્ચની પદ્ધતિમાં કાયમી મિલકતોની કિંમત, ચાલુ મિલકતોની કિંમત, ધંધાની સ્થાપનાનો ખર્ચ – આ બધી કિંમતોના સરવાળા નવી કંપની માટેનું મૂડીકરણ સૂચવે છે અને તેને સંતોષવા માટે વિકલ્પોની વિચારણા કરીને શૅરમૂડી અને ઉછીની મૂડીનું માળખું તૈયાર કરવામાં આવે છે. કુલ ખર્ચની પદ્ધતિ નવી સ્થપાતી કંપની  માટે યોગ્ય છે, પરંતુ વર્ષો જૂની કંપનીનું મૂડીકરણ નક્કી કરવામાં આ પદ્ધતિ ચાલી શકે નહિ. આ માટે મિલકતના વર્તમાન મૂલ્યની પદ્ધતિનો ઉપયોગ યોગ્ય ગણાય છે. આ પદ્ધતિ અનુસાર, આવી મિલકતો ખરીદવા માટે હાલમાં કેટલો ખર્ચ કરવો પડે તેનો અંદાજ મૂકીને મૂડીકરણ નક્કી કરાય છે. આ પ્રમાણે મૂડીકરણ નક્કી કરતી વખતે કંપની પાસે હાલની મિલકતોના વર્તમાન બજારમૂલ્યના સરવાળામાંથી કંપનીની જે જવાબદારી હોય તે કંપનીના ચોપડા મુજબની કિંમતે બાદ કરવી જરૂરી છે; જોકે આ પદ્ધતિ મુજબની ગણતરી મુશ્કેલ એટલા માટે છે કે ચોક્કસ સમયે કોઈ એક મિલકતનું બજારમૂલ્ય એકસરખું આવતું નથી. નિષ્ણાત આકારણીકર્તાઓના અંદાજમાં પણ તફાવત દેખાય છે. વળી હકીકતમાં તો મિલકતનું વેચાણ કરવાનું હોય નહિ, છતાં જો તે વેચીએ તો કેટલી રકમ આવે તેવી ધારણા પર આ મૂલ્યાંકન થતું હોઈ તે અમુક અંશે કાલ્પનિક બની રહે છે.

કમાણીના દરની પદ્ધતિમાં કમાણીને આધાર તરીકે લેવામાં આવે છે. કોઈ પણ મિલકતનું સાચું મૂલ્ય તેની આર્થિક કમાણી કરવાની શક્તિ ઉપર અવલંબે છે. મિલકતની કિંમત ગમે તેટલી હોય, પરંતુ  તે શૂન્ય આવક આપતી હોય તો મિલકતનું મૂલ્ય શૂન્ય જ ગણાય. આ પદ્ધતિ અનુસાર મૂડીકરણ નક્કી કરતી વખતે આવકની આધારપાત્ર ગણતરી માટે કંપનીની છેલ્લાં પાંચેક વર્ષની આવકની સરેરાશ લેવામાં આવે છે; તેમજ આવકનો અંદાજ કાઢ્યા બાદ આવકનું મૂડીકરણ કયા દરે કરવું તેનો નિર્ણય કરવા માટે વર્તમાન વ્યાજદર વાજબી ગણાય છે. આમ ધંધાની કિંમત તેની કમાણીની ક્ષમતાના આધારે નક્કી થાય છે. જેમ કમાણીનો દર ઊંચો અને નિયમિત તેમ ધંધાનું મૂલ્ય ઊંચું હોય છે. ઉદાહરણ તરીકે અમેરિકાના બિલ ગેટ્સની વિશ્વવિખ્યાત માઇક્રોસૉફ્ટ કંપનીની કમાણીનો દર ઘણો ઊંચો છે, તેથી કંપનીની અસ્કામતો 1998માં માત્ર ત્રણ અબજ ડૉલરની હતી છતાં કંપનીનું મૂડીકરણ 159 અબજ ડૉલર અંકાતું હતું.

મૂડીકરણના બે પ્રકાર છે : (ક) અલ્પ મૂડીકરણ (under-capitalisation) અને (ખ) અતિમૂડીકરણ (over-capitalisation). અલ્પ મૂડીકરણની પરિસ્થિતિમાં ઉત્પાદનક્ષમતા માટે જરૂરી મૂડીની સરખામણીમાં કંપનીની સ્વમાલિકીની મૂડી અને લાંબા ગાળાનું દેવું ઓછું હોય છે અને અન્ય કંપનીઓની સરખામણીમાં નફો વધારે હોય છે, તેથી કંપનીના સંચાલકો દ્વારા જાણીબૂજીને ભાવિ કમાણીના અંદાજો નીચા મુકાય છે, ઘસારો વધુ દરે ગણાય છે અને વધુ પડતો થયેલો નફો ધંધામાં જાળવી રાખવા માટે ગુપ્ત અનામતો ઊભી કરાય છે. વળી ઉત્પાદન-પ્રક્રિયામાં આધુનિકીકરણ, સંચાલનમાં વૈજ્ઞાનિક અભિગમ અને બચતોમાંથી નવાં રોકાણ દ્વારા ઉત્પાદકતા અને કાર્યક્ષમતામાં વધારો કરાય છે; પરિણામે શૅરો ઉપર ઊંચા દરે ડિવિડન્ડ ચૂકવાય છે અને કંપનીના શૅરના બજારભાવ ઊંચા જાય છે. આવા સંજોગોમાં નવા હરીફો તરફથી તીવ્ર સ્પર્ધા, કર્મચારીઓની ઊંચા વેતનની માગણી અને ગ્રાહકોની નીચા ભાવોની માગણી જેવી અસરો થાય છે. આવી અસરોને દૂર કરવા માટે નફાને બોનસ શૅરમાં ફેરવવા, શૅર-સર્ટિફિકેટોનું વિભાગીકરણ કરીને તેમની દાર્શનિક કિંમત ઘટાડવા અને નવી મૂડી વધારવા જેવાં પગલાંનો સમાવેશ થાય છે. અતિમૂડીકરણની પરિસ્થિતિમાં ઉત્પાદનક્ષમતા માટે જરૂરી મૂડીની સરખામણીમાં કંપનીની સ્વમાલિકીની મૂડી અને લાંબા ગાળાનું દેવું વધારે હોય છે. અતિમૂડીકરણનાં મુખ્ય કારણોમાં મિલકતોની વાસ્તવિક કિંમત કરતાં ચોપડા પ્રમાણે ઊંચી કિંમત, ઊંચો સ્થાપનાખર્ચ, ફુગાવાજન્ય પરિસ્થિતિમાં કંપનીની સ્થાપના, ખામીયુક્ત મૂડી-આયોજન વગેરે હોય છે. અતિમૂડીકરણને લીધે કંપનીનો નફો ઘટવાથી રોકાણકારોનો વિશ્વાસ તૂટે છે; માત્ર કાગળ ઉપર કંપનીની સમૃદ્ધિ દેખાય છે. અનામત, ઘસારા અને મિલકતના નવીનીકરણ માટે અપૂરતી જોગવાઈ કરવામાં આવે છે. અનિશ્ચિત અને અનિયમિત ડિવિડન્ડ જાહેર થવાથી શૅરની કિંમત નીચી જાય છે અને સાચા રોકાણકારોનું મૂડી-ઘટાડાથી અથવા પુનર્રચનાના બોજથી આર્થિક શોષણ થાય છે. સમાજમાં આવી કંપનીઓ તેમનું ઉત્પાદન નીચી ગુણવત્તા છતાં ઊંચી કિંમતે વેચે છે; પરંતુ દક્ષ હરીફોની સ્પર્ધા વધવાથી કંપની ઘણી વાર ફડચામાં જાય છે. તેથી કંપનીના શૅરહોલ્ડરો, લેણદારો અને કામદારો નુકસાન ભોગવે છે. વળી ફડચામાં જતાં અગાઉ વેતનકાપ, હડતાળો અને સમાજનાં મર્યાદિત નાણાકીય સાધનોના દુર્વ્યયથી વાતાવરણ ક્લુષિત થાય છે; આથી અતિમૂડીકરણવાળી કંપનીએ મૂડીમાળખામાં યોગ્ય ફેરફાર કરીને શૅરમૂડી ઘટાડવી જોઈએ તથા ડિબેન્ચર પરત કરીને અને લોન ભરપાઈ કરીને વ્યાજનો બોજ ઘટાડવો જોઈએ.

(2) એકત્રિત થયેલા નફાનું શૅરમૂડીમાં રૂપાંતરણ : કંપની પ્રત્યેક વર્ષે સામાન્ય રીતે તેના નફામાંથી ડિવિડન્ડ ચૂકવીને બાકીનો નફો રિઝર્વ ફંડના સ્વરૂપમાં એકત્રિત કરે છે. દરેક વર્ષે નફાનું ધોરણ સ્વાભાવિક રીતે સરખું ન હોય, છતાં શૅરહોલ્ડરોનો વિશ્વાસ સંપાદન કરવા માટે કંપની ડિવિડન્ડનો સમાન દર જાળવી રાખે છે અને કોઈ નબળા વર્ષમાં ધંધાકીય નુકસાન થયું હોય છતાં ડિવિડન્ડ ચૂકવીને પોતાની આર્થિક પ્રતિષ્ઠા જાળવી રાખે છે. આ પ્રકારે ડિવિડન્ડ વહેંચવા માટે કંપની રિઝર્વ ફંડનો ઉપયોગ કરે છે. કંપનીનો વહીવટ સારો હોય તો રિઝર્વ ફંડમાં વધારો થાય છે; પરંતુ ડિવિડન્ડનો દર વધારીને કંપની રિઝર્વ ફંડ વેડફી નાખવાનું હિતાવહ ગણતી નથી; તેથી તેનો ઉપયોગ ધંધાના વિસ્તૃતીકરણ માટે કરે છે. પરિણામે તેનો નફો વળી પાછો વધે છે અને છેવટે અલ્પ મૂડીકરણની પરિસ્થિતિ સર્જાય છે. તે નિવારવા માટે કંપની શૅરહોલ્ડરોની સામાન્ય સભામાં ઠરાવ કરીને રિઝર્વ ફંડનું શૅરમૂડીમાં રૂપાંતર કરીને તેની શૅરમૂડી વધારે છે. ઠરાવ કર્યા પછી શૅરહોલ્ડરો પાસે જેટલા હયાત શૅર હોય તેના વરાડે (pro rata) તેમને કંપની નવા બોનસ શૅરનાં શૅર-સર્ટિફિકેટ મોકલી આપે છે. નવાં બોનસ શૅર-સર્ટિફિકેટ જૂનાં હયાત શૅર-સર્ટિફિકેટનાં સમકક્ષ ગણાય છે; તેથી શૅરહોલ્ડરે નવું નાણાકીય રોકાણ કર્યું ન હોય છતાં તેની પાસે શૅરોની સંખ્યા વધે છે. પછીનાં વર્ષોમાં કંપની ડિવિડન્ડનો દર તેની પ્રણાલિકા અનુસાર ફક્ત જાળવી જ રાખે અને વધારે નહિ છતાં શૅરહોલ્ડરને વધારે ડિવિડન્ડ મળે છે તેથી કંપનીમાં તેનો વિશ્વાસ અતૂટ રહે છે.

દુષ્યંતકુમાર જનકરાય વસાવડા