મૂડી : ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતાં જમીન સિવાયનાં ભૌતિક સાધનો. આ વ્યાખ્યા મુજબ યંત્રસામગ્રી, પ્લાન્ટ, સ્પેર-પાર્ટ તો મૂડી છે જ, પણ તે ઉપરાંત ઉત્પાદનમાં વપરાતો કાચો માલ, વીજળી-પુરવઠો, કારખાનાનાં મકાનો, જળસિંચન માટેની નહેરો, વસ્તુઓનો વેચાણ માટે રાખેલો સ્ટૉક કે જથ્થો વગેરે પણ મૂડીમાં ગણાય છે.
મૂડીના મુખ્ય બે પ્રકાર છે : (1) સ્થિર કે ટકાઉ મૂડી, જેમાં ઉત્પાદન માટેના પ્લાન્ટ, યંત્રસામગ્રી, મકાનો વગેરે સ્થાવર ચીજોનો સમાવેશ થાય છે. (2) ફરતી કે ચલાયમાન મૂડી : કાચો માલ, શ્રમ અને યંત્રસામગ્રીના સ્પેર-પાર્ટ વગેરે અંગે થતું ખર્ચ ચલાયમાન મૂડી કહેવાય છે. આ બધી ચીજો ખરીદવા-મેળવવા માટે નાણાંની જરૂર પડે છે. આવી ચીજો ખરીદવા માટે રાખેલા નાણાકીય ભંડોળને પણ ચલાયમાન મૂડી કહેવાય છે. આ બધી ભૌતિક ચીજોને મૂડી-સાધનો (capital goods) પણ કહેવાય છે.
આ ઉપરાંત જે નાણાકીય રકમ હાથ પર કે બૅંકમાં જમા રાખી હોય અને તે ઉપર વર્ણવેલી તેવી ચલાયમાન મૂડી ખરીદવા માટેની જ હોય તો, તે રકમને પ્રવાહી મૂડી કે નાણાકીય મૂડી (liquid capital) કહેવામાં આવે છે.
ઉપર વર્ણવેલી ભૌતિક મૂડી ઉપરાંત 1960 પછી મૂડીના બીજા બે ખ્યાલો પણ અર્થશાસ્ત્રમાં રજૂ કરવામાં આવ્યા છે, જે નીચે મુજબ છે :
માનવમૂડી : જેમ ઉત્પાદન વધારીને આવક વધારવા માટે યંત્રસામગ્રી ઉપયોગી છે તેમ માનવ-શક્તિ અને બુદ્ધિ-વિકાસ પણ ઉપયોગી છે. એક સામાન્ય મજૂર કરતાં ભણેલો મજૂર ઉત્પાદન વધારે સારી રીતે કરી શકે છે.
અન્ય મૂડીની જેમ માનવમૂડીમાં પણ બે લક્ષણો છે; દા.ત., (1) એક વ્યક્તિ બાળપણમાં જે આવક મેળવી શકત તે જતી કરીને, અભ્યાસ માટે સમય ગાળે છે. તેને પરિણામે ભવિષ્યમાં તેને વધારે આવક મળી શકે છે. આમ અન્ય મૂડીમાં જેમ ‘રાહ જોવાનો’ સમય હોય છે, તેમ માનવમૂડીમાં પણ હોય છે. ભૌતિક મૂડીરોકાણ પર રાહ જોયા પછી જેમ મોટું વળતર પ્રાપ્ત થાય છે તેમ માનવીમાં થતા મૂડીરોકાણ પર મોટું વળતર પ્રાપ્ત થાય છે.
સામાજિક મૂડી (social overhead capital) : સમાજના દરેક વર્ગને સમાન રીતે ઉપયોગમાં આવી શકે એવી સુવિધાઓને ‘સામાજિક મૂડી’ કહેવાય છે; જેમ કે, રસ્તાઓ, જળસિંચન માટે નહેરો, રેલવે, સ્કૂલો, કૉલેજો, હૉસ્પિટલો વગેરે દેશના દરેક નાગરિકના લાભ માટે હોય છે; તેથી આવી સુવિધાઓ કંઈ ને કંઈ સેવા આપે છે અને ઉત્પાદનની કાર્યદક્ષતા પણ વધારે છે; જેમ કે, સારા રસ્તાથી વાહનવ્યવહાર ઝડપી બને છે અને બજારોનો વિકાસ થાય છે; નહેરોથી ખેતીની ફળદ્રૂપતા વધે છે અને વધારે કૃષિ-ઉત્પાદન થઈ શકે છે. દવાખાનાં દ્વારા લોકોની તંદુરસ્તી સુધરવાથી તેમની કાર્યશક્તિ વધે છે. સામાજિક મૂડીને પાયાની સગવડો પણ કહેવામાં આવે છે.
મૂડીનાં લક્ષણો : (1) મૂડી અનેક પ્રકારની હોય છે, એટલે કે જુદી જુદી ચીજવસ્તુઓ અને સેવાઓ ઉત્પન્ન કરવા માટેની યંત્રસામગ્રી જુદી જુદી હોય છે. તેવી મૂડી અનેકવિધ (heterogeneous) હોય છે, પરંતુ આ બધી મૂડી કે યંત્રસામગ્રી કોઈ ને કોઈ વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરવામાં વપરાય છે.
(2) સ્થિર મૂડી તેના જીવનકાળ દરમિયાન (જેમ કે 10 કે 20 વર્ષ સુધી) ઉત્પાદન આપ્યા કરે છે, જ્યારે ચલાયમાન મૂડી એક વાર વાપરવાથી ખલાસ થઈ જાય છે અને દર વખતે તેને ખરીદવી પડે છે; જેમ કે, કાચો માલ, વીજળી-શક્તિ વગેરે.
(3) મૂડી એ ભૂતકાળમાં બનેલી ચીજ-વસ્તુઓ હોય છે. તેનું ઉત્પાદન કરવામાં થોડો સમય લાગે છે, એટલે ભૂતકાળમાં (નજીકના કે દૂરના) તેનું ઉત્પાદન થયેલું હોય તે જ મૂડીનો પુરવઠો બને છે. મુદ્દો એ છે કે મૂડીના જથ્થામાં તાત્કાલિક મોટો વધારો કરી શકાતો નથી.
(4) મૂડી ઉત્પાદન માટે જરૂરી છે. અર્થશાસ્ત્રમાં મૂડીની જે વ્યાખ્યા કરવામાં આવેલી છે તે પ્રમાણે મૂડીના ઉપયોગ વિના કોઈ ચીજનું ઉત્પાદન થઈ શકતું નથી.
મૂડી–ઉત્પાદન–ગુણોત્તર (capital-output ratio) : કોઈ પણ ઉત્પાદન-એકમ ઉદ્યોગ કે અર્થતંત્રમાં પ્લાન્ટ, યંત્રસામગ્રી વગેરેમાં થતા મૂડીરોકાણના મૂલ્યને દર વર્ષે તેના થકી ઉત્પન્ન થતી ચીજ-વસ્તુઓના મૂલ્ય વડે ભાગવાથી મૂડી-ઉત્પાદન-ગુણોત્તર મળે છે.
આ ગુણોત્તર દરેક ઉત્પાદન-એકમ માટે જુદો જુદો હોઈ શકે અને એક જ ઉત્પાદન-એકમમાં પણ જો થોડા સમય માટે માગમાં વધારો થયો હોય તો, તે વસ્તુનું ઉત્પાદન વધારવા માટે ઉત્પાદક એ જ યંત્રસામગ્રીને દિવસના વધારે કલાક ચલાવીને ઉત્પાદન વધારી શકે, જેથી તેટલા સમય માટે તે મૂડી-ઉત્પાદન-ગુણોત્તર ઘટી જાય. જો કોઈ પણ વસ્તુની માંગ લાંબા ગાળા માટે વધતી રહેવાની સંભાવના હોય તો જ ઉત્પાદકો વધુ મૂડીરોકાણ કરીને ઉત્પાદન વધારે છે.
કોઈ પણ દેશમાં યંત્રસામગ્રી, પ્લાન્ટ વગેરેમાં થયેલા મૂડીરોકાણના મૂલ્યને તેના વડે થતા ઉત્પાદનના મૂલ્યથી ભાગતાં જે ગુણોત્તર પ્રાપ્ત થાય છે તેને કુલ મૂડીરોકાણ-ગુણોત્તર (aggregate capital output ratio) કહેવામાં આવે છે. આ સંજ્ઞા આર્થિક વિકાસ અને આયોજન માટે ઉપયોગી છે.
વિકસતા દેશોનો મુખ્ય પ્રશ્ન એ હોય છે કે રાષ્ટ્રીય આવકમાં અમુક ટકા વધારો લાવવા માટે કેટલું મૂડીરોકાણ કરવું પડે તેનો ઉકેલ મૂડી-ઉત્પાદન-ગુણોત્તર વડે મળે છે; દા.ત., જો કોઈ પણ દેશનો કુલ મૂડી-ઉત્પાદન-ગુણોત્તર 3 : 1 હોય (એટલે કે રૂ. 3 કરોડના મૂડીરોકાણથી દર વર્ષે રૂ. 1 કરોડનું ઉત્પાદન થતું હોય) તો તે દેશમાં રૂ. 100 કરોડ જેટલી રાષ્ટ્રીય આવક વધારવા માટે રૂ. 300 કરોડનું મૂડીરોકાણ કરવું પડે.
મૂડી-ઉત્પાદન-ગુણોત્તરના મુખ્ય બે પ્રકાર છે : (1) સરેરાશ મૂડી-ઉત્પાદન-ગુણોત્તર અને (2) સીમાન્ત મૂડી-ઉત્પાદન-ગુણોત્તર. જો દેશમાં થયેલા કુલ મૂડીરોકાણના મૂલ્યને તે વડે ઉત્પન્ન થતી આવક વડે ભાગીએ તો આપણને સરેરાશ મૂડી-ઉત્પાદન-ગુણોત્તર મળે છે : દા.ત., જો ક = મૂડી-ઉત્પાદન-ગુણોત્તર હોય, અ = રાષ્ટ્રીય આવક કે ઉત્પાદનનું મૂલ્ય અને મ = દેશમાં વપરાતી કુલ મૂડી હોય તો, સરેરાશ મૂડી-ઉત્પાદન-ગુણોત્તર = ક =મ/અ ……..(1) થાય. અંગ્રેજીમાં તેને ACOR કહેવાય છે. તેવી જ રીતે જો દેશમાં કુલ મૂડીના જથ્થામાં થયેલી વૃદ્ધિના મૂલ્યને તેના પરિણામે થયેલા ઉત્પાદન-વૃદ્ધિના મૂલ્ય વડે ભાગવામાં આવે તો સીમાન્ત મૂડી-ઉત્પાદન-ગુણોત્તર મળે. ઉપરના ઉદાહરણમાં Δ ક = Δમ/Δઅ એ સીમાન્ત મૂડી-ઉત્પાદન-ગુણોત્તર છે.
આયોજનમાં આ સીમાન્ત મૂડી-ઉત્પાદન-ગુણોત્તર ઉપયોગી છે, કારણ કે તેના દ્વારા રાષ્ટ્રમાં અમુક મૂલ્યના ઉત્પાદનને વધારવા માટે કેટલું વધારે મૂડીરોકાણ કરવું જોઈએ તે જાણી શકાય છે; દા.ત, રાષ્ટ્રીય આવકમાં રૂ. 2,09,800 કરોડનો વધારો કરવો હોય અને સીમાન્ત મૂડી-ઉત્પાદન-ગુણોત્તર 4:1 હોય તો રૂ. 8,000 કરોડનું મૂડીરોકાણ કરવાથી રૂ. 2,000 કરોડનો દર વર્ષે રાષ્ટ્રીય આવકમાં વધારો થાય.
આ રીતે મૂડી-ઉત્પાદન-ગુણોત્તરની સંજ્ઞા ઘણી ઉપયોગી હોવા છતાં તેને માપવામાં ઘણી મુશ્કેલી છે, જે નીચે મુજબ ગણાવી શકાય :
(1) દરેક મૂડીના સાધનનો જીવનકાળ ઓછોવત્તો હોય છે; તેથી તેને લીધે મૂડી-ઉત્પાદન-ગુણોત્તર મૂડીની દરેક વસ્તુ માટે જુદો હોઈ શકે.
(2) મૂડી-ઉત્પાદન-ગુણોત્તરની ગણતરી માટે મૂડીરોકાણના મૂલ્યને ચાલુ વર્ષ માટે ગણવામાં આવે છે, જ્યારે તેને પરિણામે રાષ્ટ્રીય આવકમાં વધારો થાય છે તે એક વર્ષ પછી જાણવા મળે છે અથવા તો તે વધારો ભવિષ્યનાં કેટલાંક વર્ષો માટે ચાલુ રહે છે. આથી મૂડીરોકાણ અને તેમાંથી નીપજતી આવક જુદાં જુદાં વર્ષો માટે જુદી હોય છે અને વળી તે જુદા જુદા મૂલ્યની પણ હોઈ શકે છે. તેથી સીમાન્ત મૂડી-ઉત્પાદન-ગુણોત્તર માપવો મુશ્કેલ છે. પ્રો. સ્ટ્રીટીન તેમના પુસ્તક ‘The Frontiers of Development Studies’માં દર્શાવે છે કે મૂડી-ઉત્પાદન-ગુણોત્તરમાં કેટલીક ખામીઓ છે, જે નીચેના મુદ્દા નં. (3)થી (7) સુધીમાં દર્શાવવામાં આવી છે :
(3) મૂડીના ઉત્પાદન માટે સમય લાગે છે. વળી જુદી જુદી મૂડીના ઉત્પાદન માટે જુદો જુદો સમય હોય છે. (4) મૂડી ટકાઉ છે; પણ તે કાયમ ટકતી નથી. (5) જુદે જુદે સમયે એક જ યંત્રસામગ્રીને દિવસમાં વધારે કે ઓછા કલાકો માટે વાપરવામાં આવે છે. તે કેટલા કલાક વપરાશે તે તેમાં ઉત્પન્ન થતી વસ્તુની બજારની માગમાં થતા ફેરફાર પર આધાર રાખે છે. (6) મૂડી કે યંત્રસામગ્રીમાં પણ નવીનીકરણ કે સંશોધનને લીધે સુધારા-વધારાઓ થતા રહે છે. તેથી દર વર્ષે સ્થપાતા કે કામ કરતા મૂડીના સાધનની ગુણવત્તા જુદી જુદી હોય છે. (7) દેશમાં મૂડીની ચીજો અને વપરાશની ચીજોના મૂલ્યમાં થતા ફેરફારો માંગ કે પુરવઠામાં થતા ફેરફારને લીધે થતા હોય છે અને તેને લીધે પણ મૂડી-ઉત્પાદન-ગુણોત્તર બદલાતો રહે છે.
ભારતમાં આયોજન-પંચે 1951–52થી 1991–92નાં વર્ષો દરમિયાન મૂડી-ઉત્પાદન-ગુણોત્તર અંગે વિભિન્ન ધારણાઓ કરી હતી. તેનું ઓછામાં ઓછું મૂલ્ય 2.94 છે અને વધુમાં વધુ 6.63 છે.
મૂડી–વેરો (capital levy) : સામાન્ય પરિસ્થિતિમાં એક જ વખત માટે લોકોની સંપત્તિ પર લેવામાં આવતો કર. જ્યારે સરકારને કરવેરા દ્વારા ઘણી મોટી રકમ પ્રાપ્ત કરવી હોય અને તે દ્વારા યુદ્ધમાં થયેલું દેવું ચૂકવવાનું હોય કે યુદ્ધસમયમાં થયેલા ફુગાવાને નિયંત્રિત કરવો હોય કે યુદ્ધસમયમાં આવકની અસમાનતા જે ફુગાવાને લીધે ઘણી વધી હોય તેને ઘટાડવી હોય કે મંદી દરમિયાન બેકારોને રાહત આપવા માટે મોટું ખર્ચ કરવા જે દેવું કરેલું હોય તે ચૂકવવાનું હોય કે ધરતીકંપ, પૂર વગેરેને લીધે ગરીબોને થયેલી નુકસાનીમાં રાહત આપવાની હોય ત્યારે મૂડી-વેરો લેવામાં આવે છે; કારણ કે સામાન્ય આવક વેરો, કૉર્પોરેશન વેરો કે વસ્તુઓ પરના પરોક્ષ કરવેરા દ્વારા મળતી આવકમાંથી આટલી મોટી રકમ પ્રાપ્ત કરી શકાતી હોતી નથી.
તેથી સરકાર લોકોની મૂડી-અસ્કામત કે સંપત્તિના કુલ મૂલ્યના અમુક ટકા (સામાન્ય રીતે 10 %થી વધુ નહિ) રકમનો મૂડી-વેરો લાદે છે અને તે દ્વારા મૂડીદારો કે સંપત્તિવાન લોકો પાસેથી મોટી રકમ સરકાર મેળવે છે; પરંતુ આ મૂડીવેરો દર વર્ષે લાદી શકાતો નથી અને એક વાર આ કર લીધા પછી સામાન્ય રીતે 20–25 વર્ષ સુધી તે ફરીથી લઈ શકાતો નથી એ આ મૂડી-વેરાની મુખ્ય ખાસિયત છે. એટલે કે મૂડી-વેરો એ એક જ વખતનો કર છે.
શાંતિલાલ બ. મહેતા