મૂકત્વ
February, 2002
મૂકત્વ : મૂકત્વ એટલે મૂંગાપણું (aphonia). આયુર્વેદવિજ્ઞાને ‘મૂંગાપણા’ના રોગને ‘વાતરોગ’ ગણ્યો છે. કફ સાથે પ્રકોપિત વાયુ-દોષથી જ્યારે મગજની અંદર રહેલી શબ્દવાહિની ધમનીમાં અવરોધ ઉત્પન્ન થાય છે ત્યારે વ્યક્તિની બોલવાની શક્તિ નાશ પામે છે ને તે મૂંગો બની જાય છે. જો દોષ થોડો હોય તો વ્યક્તિને તોતડાપણું (disphonia) થાય છે; જેમાં વ્યક્તિ કષ્ટ સાથે થોડા અક્ષરો કે શબ્દો બોલે છે. તેમાં કફદોષની (જીભમાં) અધિકતા આવી જાય છે, ત્યારે વ્યક્તિ ‘ગદગદ’ (કફ-થૂંક ઉડાડતો) બોબડું બોલે છે. આ સિવાય કોઈ વ્યક્તિ જ્યારે નાકમાંથી બોલે છે ત્યારે તેને ‘ગૂંગણો’ કહે છે.
વાયુદોષના પ્રકોપે કે કંઠમાં રહેલ સ્વરપેટીની રચનામાં સર્જાયેલી ખામીને કારણે સ્પષ્ટપણે કોઈ વ્યક્તિ ધાર્યો શબ્દાક્ષર કે અવાજ કાઢી શકતી નથી અને તેથી સામાન્ય વ્યક્તિની જેમ બોલી શકતી નથી. મોટેભાગે ‘મૂકત્વ’નો રોગ બાળકને માતાના ઉદરમાં જ (જન્મની ખામી રૂપે) મળે છે. આ રોગ જન્મગત હોઈ અસાધ્ય છે. કોઈક કિસ્સામાં શસ્ત્રક્રિયા દ્વારા તેમાં થોડો લાભ થઈ શકે છે.
અવાજ(સ્વર)ની ઉત્પત્તિ અન્ય શારીરિક ક્રિયાની જેમ વાત, પિત્ત અને કફ – એ ત્રણેય દોષોને અધીન છે; તેમ છતાં તેમાં વાયુદોષનું મહત્વ સૌથી વધુ છે. વાત-નાડીઓની આજ્ઞાથી ફેફસાં દ્વારા વિશેષ પ્રકારે વ્યક્ત વાયુ (કંઠમાં રહેલ) સ્વરયંત્રમાંથી બહાર નીકળીને શબ્દ (અવાજ) ઉત્પન્ન કરે છે. તે પછી મુખ (જીભ-દાંત) અને નાકની વિવિધ ક્રિયાથી તે વાયુ (અવાજ) શબ્દમાં પરિણમે છે, જેથી વાણી પેદા થાય છે.
આધુનિક વિજ્ઞાન મુજબ વ્યક્તિના મગજના ડાબા શંખ (લમણાં) ભાગમાં વાણીનું એક કેન્દ્ર રહે છે. તે જ સ્થળે શબ્દોને સમજવા, સાંભળવા અને લખવાનું પણ કેન્દ્ર છે. પરંતુ મગજના વાણી-કેન્દ્રમાં વિકૃતિ આવી જવાથી વ્યક્તિ ‘મૂંગી’ બને છે. પ્રાય: મૂંગા લોકોની સાંભળવાની શક્તિ પણ ખાસ હોતી નથી. કાને ન સાંભળવાની (બહેરાશની) ખામીને કારણે પ્રાય: જન્મજ મૂંગાપણું પેદા થાય છે. આ પ્રકારમાં જીભમાં પ્રાય: કોઈ ખામી હોતી નથી.
રોગની સારવાર : જન્મથી થયેલ મૂંગાપણું અસાધ્ય છે. પાછળથી કોઈ કારણવશ થયેલ મૂંગાપણામાં ‘કલ્યાણક અવલેહ’ રોજ આપવો હિતાવહ છે. હળદર, વજ, કઠ, લીંડીપીપર, સૂંઠ, જીરું, અજમો, જેઠીમધ અને સિંધાલૂણ સમભાગે લઈ ચૂર્ણ બનાવી તેમાંથી 3થી 5 ગ્રામ દવા દિવસમાં 3થી 4 વાર ગાયના ઘી સાથે રોજ ચટાય છે. તે ઉપરાંત રોગીને ગુદામાર્ગે દિવેલ કે ગ્લિસરીનની ઍનિમા (બસ્તિ) અપાય છે. રોગીને ગળા-ગરદન પર પંચગુણ તેલનું માલિસ કરાય છે. જમ્યા પછી અગ્નિતુંડીવટી અપાય છે. રોગીને ‘બ્રાહ્મીઘૃત’ કે બ્રાહ્મી, શંખપુષ્પી, વજ, અક્કલકરો, કુલિંજન, જેઠીમધ, લીંડીપીપર તથા સિંધાલૂણનું ચૂર્ણ કે સિરપ બનાવી અપાય છે અથવા સારસ્વતારિષ્ટ રોજ પવાય છે. રોગીએ રોજ તલના તેલના કોગળા કરવા અને નાકમાં પ્રતિમર્શ નસ્ય નાંખવું લાભપ્રદ ગણાય છે. ટૂંકમાં, વાત-કફદોષહર ચિકિત્સા આમાં લાભપ્રદ બની શકે છે.
બળદેવપ્રસાદ પનારા