મુહમ્મદશાહ, સુલતાન 2જો (રાજ્યઅમલ : 1442–1451) : ગુજરાતનો સુલતાન. સુલતાન અહમદશાહ પછી એનો સૌથી મોટો શાહજાદો મુહમ્મદખાન ‘ગિયાસુદ દુનિયા વ દીન મુહમ્મદશાહ’ ખિતાબ ધારણ કરી તખ્ત-નશીન થયો. ગુજરાતના હિંદુ રાજાઓને શરણે લાવવાનું પિતાનું અધૂરું કાર્ય તેણે ચાલુ રાખ્યું.
ઈ. સ. 1446માં એણે ઈડરના રાજ્ય ઉપર ચડાઈ કરી. મુસ્લિમ તવારીખ પ્રમાણે ઈડરનો રાવ એને શરણે આવ્યો અને એણે પોતાની રાજકુંવરી સુલતાન જોડે પરણાવી. પછીથી આ રાજકુંવરીએ પોતાના પિતાનું રાજ્ય એમને પાછું અપાવ્યું. આ વૃત્તાંતને હિંદુ ગ્રંથોનું સમર્થન મળતું નથી.
ઈડરથી સુલતાને વાગડના પ્રદેશ પર આક્રમણ કર્યું. ડુંગરપુરનો રાજા ગણેશ (ગજપાલ ગોપાલ કે ગોપીનાથ) ગભરાઈને નાસી ગયો. સુલતાને એનો પ્રદેશ તારાજ કર્યો, તેથી રાજા ગણેશે સુલતાનને ભારે નુકસાની આપવાની શરતે તેની સાથે સંધિ કરી.
ઈ. સ. 1449માં સુલતાને ચાંપાનેર ઉપર ચડાઈ કરી. ત્યાંનો રાય ગંગાદાસ બહાદુરીથી એની સામે લડ્યો પરંતુ એમાં એ જીત્યો નહિ. એણે પાવાગઢના પહાડી કિલ્લામાં જઈ આશ્રય લીધો. સુલતાને એને ઘેરો ઘાલ્યો ત્યારે રાય ગંગાદાસે માળવાના સુલતાન મહમૂદશાહ ખલજીની પાસે મોટી રકમ આપવાની શરતે સહાય માગી. મહમૂદશાહ ખલજીએ પૈસાના લોભમાં એનો સ્વીકાર કર્યો અને મોટું લશ્કર લઈ દાહોદ આગળ છાવણી નાખી. આ સમાચાર સાંભળીને સુલતાન મુહમ્મદશાહે ત્યાંથી ઘેરો ઉઠાવી પાછા હઠીને સાવલી પરગણામાં કોઠડા ગામ પાસે આવીને મુકામ કર્યો હોવાની ખબર મળતાં મહમૂદશાહ ખલજી માંડુ ચાલ્યો ગયો. એ પછી સુલતાનની બીમારીએ ગંભીર સ્વરૂપ પકડ્યું. તેથી એણે અમદાવાદ તરફ કૂચ કરી અને ત્યાં ઈ. સ. 1451ના ફેબ્રુઆરીની તા. 10મી એ એનું અવસાન થયું. એને અમદાવાદમાં એના પિતાના રોજામાં દફનાવવામાં આવ્યો.
ચાંપાનેરના રાય ગંગાદાસ અને સુલતાન મુહમ્મદશાહ 2જા વચ્ચેની લડાઈનું અને મુહમ્મદની પીછેહઠનું વર્ણન કરતું નવ અંકોનું ‘ગંગદાસ પ્રતાપ વિલાસ’ નાટક (ઈ. સ. 1449 આસપાસ) ગંગાદાસની આજ્ઞાથી કર્ણાટકી કવિ ગંગાધરે રચ્યું હતું અને ચાંપાનેરમાં મહાકાલીના મંદિરના સભાગૃહમાં એ ભજવાયું હતું.
સુલતાન મુહમ્મદશાહ 2જામાં એના પિતા જેવું ચારિત્ર્ય કે લશ્કરી કાબેલિયત ન હતાં; પરંતુ એ આનંદપ્રિય સ્વભાવ ધરાવતો હતો. એ અતિ ઉદાર હતો, જેથી એ ‘ઝરબક્ષ’ (સ્વર્ણદાતા) નામથી ઓળખાતો. એ સ્થાપત્યનો શોખીન હતો. એણે મશહૂર સૂફી શેખ અહમદ ખટ્ટુનો મકબરો સુંદર કારીગરીથી તૈયાર કરાવ્યો હતો.
આ મુહમ્મદશાહ 2જાના તાંબાના સિક્કા મળ્યા છે. તેના પરના ફારસીમાં પદ્યબદ્ધ લખાણને લઈને માત્ર ગુજરાતની જ નહિ, પણ સમગ્ર ભારતની ઇસ્લામી સિક્કા શ્રેણીમાં તેના સિક્કાઓએ નવી ભાત પાડી છે.
રામજીભાઈ ઠા. સાવલિયા