મુસ્લિમ કાયદો : ભારતના દરેક મુસ્લિમને લાગુ પડતો કાયદો. તેનો મુખ્ય આધાર કુરાન છે. કુરાન દૈવી ગણાય છે, કેમ કે તે મહંમદ પયગંબરને પ્રભુએ આપેલ સંદેશ છે. મુસ્લિમો તેને અપરિવર્તનશીલ માને છે. કુરાનના આદેશો મારફતે તત્કાલીન સમાજમાં મહત્વના સામાજિક અને આર્થિક સુધારા દાખલ કરવામાં આવ્યા. તેનાથી જુગાર, દારૂ, વ્યભિચાર અને અભક્ષ્ય માંસ તથા ચારથી વધુ પત્નીઓ પર પ્રતિબંધ મુકાયો. કુટુંબજીવનના સંદર્ભમાં વ્યભિચાર માટે સખત સજા ફરમાવાઈ અને તે સમયમાં પુરુષોની સંખ્યા ઘટી ગઈ હોવાથી નિયંત્રિત બહુપત્નીત્વની ભલામણ કરવી પડી; પરંતુ એ શરતે કે જો કોઈ પુરુષ તેની પત્નીઓને સરખો ન્યાય ન આપી શકે તો તેણે એક જ પત્ની કરવી. સ્ત્રીઓને કેટલાક હકો તેમજ વારસામાં નિશ્ચિત ભાગ અપાયો.
કુરાન એ મુસ્લિમ કાયદાનો એકલો સ્રોત નથી. કુરાનના આદેશોથી જે બાબતોને સ્પષ્ટ રીતે આવરી ન શકાય તેમને પયગંબરનાં કાર્યો (સુન્ના) અને આચારો(હદીથ)ના આધાર પર નિર્ણીત કરી શકાય. કુરાન પછી મુસ્લિમ કાયદાનો આ બીજો સ્રોત ગણાયો છે. આ બંને પાયાના સ્રોતોને સમજવામાં મતભેદ ઊભો થાય તો ત્રીજા સ્રોત ઇજમા એટલે કે તજ્જ્ઞોના મંડળે મતભેદના મુદ્દાઓ પર જાહેર કરેલ નિર્ણયોનો છે. ચોથો સ્રોત કિયાસ (common sense) છે. કિયાસ તે કોઈ એક ન્યાયવિદે કાયદાના શંકાસ્પદ મુદ્દા પર ઇજમાથી જુદી રીતે, ઉપરના ત્રણેય સ્રોતોમાંથી પોતે તાર્કિક રીતે કાઢેલું તારણ છે. કુરાન અને સુન્ના જ મુસ્લિમ કાયદાનાં સાચાં મૂળ છે અને તે અનુલ્લંઘનીય છે. ઇજમા અને કિયાસ વિશે એમ ન કહેવાય.
સને 632માં મહંમદ પયગંબરના મૃત્યુ બાદ તેમને દીકરો નહિ હોવાથી તેમના જમાઈ અલી અને સસરા અબુ બકર વચ્ચે ખિલાફતના વારસા માટે ઝઘડો થયો. અબુ બકરે ખૂન વહાવી ખિલાફત મેળવી અને તેમના પછી ઉમર અને ઉસમાન ખલીફા થયા. ઉસમાનના ખૂન પછી અલીએ ખિલાફત મેળવી. તેમના મૃત્યુ બાદ જૂથવિગ્રહમાં કરબલામાં યઝીદના હાથે હુસેન શહીદ થયા. જેમણે અબુ બકરના વારસાને ટેકો આપેલો તે સુન્ની કહેવાયા, અને અલીના પક્ષકારો શિયા કહેવાયા અને તેમણે પોતાની જુદી કાનૂની પદ્ધતિ વિકસાવી. શિયાઓ અલીને પહેલા ઇમામ માને છે. તેમની પછી હસન, હુસેન અને અલી અસગર ઇમામો થયા. અલી અસગરના મરણ બાદ તેમના બે દીકરા ઝઈદ અને મહંમદ અલ-બકીર ઇમામો થયા અને પરિણામે ઇમામો વચ્ચે પહેલી તડ પડી. ઝઈદના વંશજો ઝઈદી ઇમામો કહેવાયા. મહંમદ અલ-બકીરના મરણ બાદ ઝફર અસ-સાદિક ઇમામ થયા અને તેમની પાછળ કેટલાકે મૂસા અલ-કઝીમને અને બીજાઓએ ઇસ્માઈલને સાતમા ઇમામ માન્યા. મૂસા અલ-કઝીમના વંશમાં 12મા ઇમામ મહંમદ અલ-મુંતઝર અર્દશ્ય થયા, જે કયામતના દિવસે પાછા આવશે એવી આ ફિરકાના મુસલમાનોની માન્યતા છે. તેમના અનુયાયીઓ ઇથના અશરિયા ‘બારમાવાળા’ (બાર ઇમામોને માનનારા) કહેવાય છે. ઇસ્માઈલના અનુયાયીઓ ઇસ્માઈલીઓ ‘સાતમાવાળા’ કહેવાય છે. અઢારમા ઇમામ અલ મસ્તાનસીરના મરણ પછી ઇસ્માઈલીઓમાં બે ભાગ પડ્યા. દાઉદી વહોરાઓ અલ મુસ્તાલીના વંશજોને અને નીઝરના અનુયાયીઓ ઇસ્માઈલી ખોજાઓ હોઈ આગાખાનને ઇમામ માને છે.
સુન્ની કાયદામાં ચાર કાનૂની વિચારસરણીઓ (jurisprudence) છે, જે હનફી, શાફી, માલકી અને હનબલી નામથી ઓળખાય છે. તેમનામાં પણ ફાંટાઓ છે. ભારતના મુસ્લિમો હનફી વિચારસરણીવાળા છે. શિયા પદ્ધતિઓમાં ઇથના અશરિયા (ઇમામિયા), ઇસ્માઈલી (ફતીમી) અને ઝઈદી ફાંટાઓ છે, આથી મુસ્લિમ કાયદો તમામ મુસ્લિમોને એકસરખી રીતે લાગુ પડતો નથી.
અંગ્રેજોના આગમન પહેલાં ભારતના મુસ્લિમ શાસકોએ મુસ્લિમ જાહેર કાયદાને દેશના કાયદા તરીકે લાગુ કર્યો હતો, પણ અંગત કાયદાના ક્ષેત્રમાં મુસ્લિમ કાયદો મુસ્લિમોને જ લાગુ પડતો હતો. અંગ્રેજોએ ભારતીય ફોજદારી કાયદો, ફોજદારી અને દીવાની કાર્યવહીના કાયદાઓ, પુરાવાનો કાયદો વગેરે ઘડીને જાહેર કાયદો બદલ્યો; પણ મુસ્લિમોના અંગત કાયદામાં ફેરફાર કરવાનું અંગ્રેજોએ ડહાપણભરેલું માન્યું નહિ. જોકે કચ્છી મેમણો, ખોજાઓ જેવી કેટલીક વટલાયેલી મુસ્લિમ કોમો ગેરઇસ્લામી રૂઢિઓને વળગી રહી. મુસ્લિમ કાયદાથી અસંગત રૂઢિઓને અમાન્ય કરવા માટે 1918નો માપીલા વારસધારો, 1920નો કચ્છી મેમણ ધારો વગેરે કાયદા ઘડાયા અને છેવટે મુસ્લિમ વૈયક્તિક ધારો(1937નું શરિયત-અમલીકરણ) ઘડાયો. હાલના કાયદાની પરિસ્થિતિ મુજબ દરેક મુસ્લિમને વારસો, લગ્ન, છૂટાછેડા વગેરે બાબતોમાં મુસ્લિમ અંગત કાયદો લાગુ પડે છે.
ઉત્તરાધિકાર અને વારસો : મુસ્લિમ કાયદામાં વસિયતથી મિલકતની વ્યવસ્થા કરવાની સત્તા સીમિત છે. વારસની તરફેણમાં ઉત્તરદાન ન થઈ શકે. ઉત્તરદાનવાળી મિલકત મરનારનાં દેવાં ભર્યા બાદ અને અવલમંજલ(અંત્યેષ્ટિ)ના ખર્ચ બાદ વધેલી બધી મિલકતના એક-તૃતીયાંશ ભાગથી વધવી જોઈએ નહિ. શિયા કાયદા પ્રમાણે બીજા વારસોની સંમતિ વગર એકતૃતીયાંશથી વધે નહિ તેટલી મિલકતનું વારસને ઉત્તરદાન થઈ શકે અને તેમની સંમતિથી બધી મિલકતનું ઉત્તરદાન થઈ શકે. વસિયતનામું લેખિત હોવું જરૂરી નથી. જો વસિયતનામું કર્યાની યોગ્ય અને પૂરતી સાબિતી આપવામાં આવે તો મૌખિક વસિયતનામું પણ કાયદેસર ગણાય. લેખિત વસિયતનામામાં વસિયતદારની સહી ન હોય તોપણ ઉત્તરદાન કરવાની સ્પષ્ટ ઇચ્છા પ્રસ્થાપિત થાય તો તે રદ ગણાશે નહિ. લેખિત વસિયતનામામાં સાક્ષીની જરૂર હોતી નથી. વસિયતદાર વસિયતથી તેની મિલકતનો વહીવટદાર નીમી શકે અને તે ઉત્તરદાન સ્પષ્ટ રીતે કે ગર્ભિત રીતે રદ કરી શકે.
મરણ બાદ મુસ્લિમની મિલકત મરનારનાં દેવાં તથા દફનક્રિયાનો ખર્ચ તથા વૈધિક વસિયતનામાથી કરેલ ઉત્તરદાન બાદ કરીને બાકીની મિલકત તેના વારસોને મળે. વસિયતના કાયદાનું સંહિતાકરણ નહિ થયું હોવાથી સુન્નીઓને હનફી અને શિયાઓને ઇથના અશરી (બાર ઇમામોને માનનારા) કે ઇસ્માઈલી પદ્ધતિ મુજબ વારસો મળે. મુસ્લિમ કાયદો સંયુક્ત કુટુંબના અભિગમને સ્વીકારતો ન હોઈ મુસ્લિમના જીવનકાળ દરમિયાન તેની મિલકતમાં તેના કુટુંબના કોઈ સભ્યનો ભાગ હોતો નથી. કુરાનના સિદ્ધાંતો મુજબ મિલકતના મરણોત્તર ભાગીદારો અને વારસો નિશ્ચિત હોય છે. વારસોમાં પુરુષનો ભાગ સ્ત્રીના ભાગ કરતાં બમણો હોય છે; જ્યાં ફક્ત બે કે વધુ સ્ત્રી-વારસો હોય ત્યાં તેમને બધાં વચ્ચે બેતૃતીયાંશ મિલકત મળે અને જો એક જ સ્ત્રી વારસ હોય તો તેને અર્ધી મિલકત મળે. મૃતકને જો એક બાળક હોય તો માબાપને એકષષ્ઠાંશ ભાગ મળે અને જો બાળક ન હોય અને ભાઈ કે બહેન ન હોય તો માને એકતૃતીયાંશ ભાગ મળે, નહિ તો એકષષ્ઠાંશ મળે. મૃતક સ્ત્રીને બાળક ન હોય તો તેની અર્ધી મિલકત પતિને મળે, નહિ તો એકચતુર્થાંશ મળે. મૃતક પતિને બાળક ન હોય તો પત્નીને એકચતુર્થાંશ ભાગ મળે, નહિ તો એકઅષ્ટમાંશ મળે. મૃતકને ઉપર્યુક્ત નજીકના કોઈ વારસો ન હોય અને તેની પાછળ ભાઈ કે બહેન હોય તો તે દરેકને મિલકતનો એકષષ્ઠાંશ ભાગ મળે, પણ જો બે કે વધુ ભાઈ કે બહેન હોય તો તેઓ સંયુક્ત રીતે બેતૃતીયાંશ મિલકત મેળવશે, જેમાં પુરુષને સ્ત્રી કરતાં બમણો ભાગ મળે.
હનફી કાયદા પ્રમાણે વારસદારોના ત્રણ વિભાગો છે : ભાગીદારો (sharers), શેષભોગીઓ (residuaries) અને દૂરનાં સગાં. ભાગીદારોને નિશ્ચિત ભાગ મળે અને બાકીનું શેષભોગીઓને મળે. ભાગીદારો કે શેષભોગીઓ ન હોય તો મિલકત દૂરનાં સગાંને મળે. મૃતક પાછળ પતિ કે પત્ની અને દૂરનાં સગાં હોય તો પતિ કે પત્નીને તેનો નિશ્ચિત ભાગ મળે અને બાકીનો દૂરનાં સગાંને મળે. ભાગીદારોના ભાગ વહેંચ્યા પછી શેષભોગીઓ ન હોય તો શેષ મિલકત રદ(revoke)ના નિયમ મુજબ ભાગીદારોને તેમના ભાગના પ્રમાણમાં મિલકતનો હિસ્સો મળે, પણ દૂરનાં સગાંને ન મળે. રદના નિયમનો લાભ પતિ કે પત્નીને મળતો નથી.
શિયા કાયદામાં દૂરનાં સગાંનો વર્ગ હોતો નથી. તેમનામાં (1) પતિ, (2) પત્ની, (3) પિતા, (4) મા, (5) પુત્રી, (6) દૂધભાઈ, (7) દૂધબહેન, (8) પૂર્ણ બહેન અને (9) સગોત્રી બહેન ભાગીદારો ગણાય છે. છેલ્લાં પાંચ ભાગીદારના ગમે તેટલા દૂરના વંશજો પણ સહભાગીઓ ગણાય છે; બાકીના બધા વારસો શેષભાગીઓ ગણાય છે. સૌથી પહેલાં પતિ કે પત્નીનો ભાગ આપ્યા પછી અનુક્રમે પ્રથમ વર્ગના વારસોને અગ્રતાક્રમે વારસો મળે. પ્રથમ વર્ગમાં (1) માબાપ અને (2) બાળકો અને તેમના ગમે તેટલે દૂરના સીધા વંશજો છે. બીજા વર્ગમાં (1) દાદા-દાદીઓ ગમે તેટલે ઊંચેના અને (2) ભાઈઓ તથા બહેનો અને તેમના ગમે તેટલે દૂરના સીધા વંશજો છે. ત્રીજા વર્ગમાં (1) કાકા, ફોઈ, (2) મામા, માસી અને તેમના ગમે તેટલે ઊંચેનાં દાદાદાદીઓ અને ગમે તેટલે દૂરના સીધા વંશજો આવે છે. પ્રથમ વર્ગના વારસો બીજા વર્ગનાને બાકાત કરે છે અને બીજા વર્ગના વારસો ત્રીજા વર્ગનાને બાકાત કરે છે. શિયા મતમાં પણ રદના અલગ નિયમો છે. જો કોઈ વારસ ન હોય તો મૃતકની મિલકત ખાલસા(escheat)ના નિયમાનુસાર સરકારને મળે છે.
લગ્ન : પુખ્ત વયનો મુસ્લિમ પુરુષ કોઈ પણ પુખ્ત વયની પતિ વગરની સ્ત્રીને પરણી શકે છે; પણ તે તેના પૂર્વજની પત્ની, મા, દીકરી, બહેન, ફોઈ, માસી, ભત્રીજી, ભાણી, ધાવમાતા, દૂધબહેન, સાસુ, સાવકી દીકરી, પુત્રની પત્ની અને પોતાની સાળી ન હોવી જોઈએ. કુરાન ચાર પત્નીની છૂટ આપે છે, પણ આજ્ઞા કરે છે કે જો તે બધીની સાથે સાથે ન્યાયપૂર્વક ન વર્તી શકાય તો એક જ પત્ની કરવી. મુસ્લિમ કાયદા મુજબ લગ્ન ફક્ત કરાર જ નથી, પણ પવિત્ર સમજૂતી છે. તે જાતીય શુદ્ધિનો કિલ્લો ગણાય છે. હનફી કાયદા મુજબ પુખ્ત ઉંમર ન થઈ હોય તેવાં છોકરા કે છોકરીનાં લગ્ન તેના પિતા, દાદા કે વાલી કરાવી શકે. લગ્ન માટે એક પક્ષનો પ્રસ્તાવ અને બીજા પક્ષની સ્વીકૃતિ પુખ્ત વયના સ્વસ્થ મગજના બે પુરુષ કે એક પુરુષ અને બે સ્ત્રીઓની સાક્ષીમાં થઈ શકે. સાક્ષીઓ મુસ્લિમ જોઈએ. લગ્નકરારના લખાણની જરૂર નથી, પણ હવે લગ્નની નોંધ ફરજિયાત હોઈ રિવાજ તરીકે કાજી નિકાહનામામાં તેની નોંધ કરે છે. મુસ્લિમ કોઈ ગેરમુસ્લિમને પરણી શકે નહિ, પણ કિતાબિયા(ધર્મગ્રંથને માનનારા)ને પરણી શકે. શિયા મુસ્લિમ કિતાબિયા સાથે મુતા (કરાર) લગ્ન (contract marriage) કરી શકે. મુતા લગ્ન અમુક સમય માટે – હંગામી હોય છે, અને આ લગ્નથી પરણનારને કોઈ વારસાહકો મળતા નથી, પણ બાળકો કાયદેસરનાં ગણાતાં હોઈ તેમને વારસો મળે છે. સુન્નીઓ મુતા લગ્ન (contract marriage) સ્વીકારતા નથી.
મુસ્લિમ લગ્નમાં પત્ની તરફનાં પ્રેમ અને માનની નિશાની તરીકે મહેર (gift) આપવાનું ફરજિયાત છે. મહેર લગ્ન પહેલાં, લગ્ન વખતે કે ત્યારબાદ નક્કી કરી શકાય. તાત્કાલિક મહેર લગ્નના હકો ભોગવતી વખતે અને વિલંબિત મહેર મૃત્યુ કે છૂટાછેડાથી થતા લગ્નના અંત વખતે આપી શકાય. લગ્ન થયું હોય પણ તે પરિપૂર્ણ (જાતીય સમાગમથી) ન થયું હોય તો અડધી મહેર મળે. પતિ મહેર ન આપે તો પત્ની સહવાસ બંધ કરી શકે અને મહેર મેળવવા માટે દાવો કરી શકે. લગ્ન સમયે મહેર નક્કી ન કરી હોય તોપણ યોગ્ય કે વાજબી ગણાય તેટલી મહેર આપવી પડે. પત્ની પોતાનો મહેરનો હક પતિ કે તેના વારસોની તરફેણમાં જતો કરી શકે.
મુસ્લિમ લગ્ન કાયદેસરનું, અનિયમિત કે રદબાતલ હોઈ શકે. સાક્ષી વગરનું, ઇદ્દત (પતિના મૃત્યુ પછીના ચાર માસ) પૂરી ન થઈ હોય એવી સ્ત્રી સાથેનું, મૂર્તિપૂજક સાથેનું કે પાંચમી પત્ની સાથેનું લગ્ન અનિયમિત છે, પણ બાતલ નથી. અનિયમિત લગ્ન અનિયમિતતા દૂર થતાં કાયદેસર બને. અનિયમિત લગ્નના પક્ષકારો ગમે ત્યારે અનિયમિત લગ્નનો અંત આણી શકે; પણ જો તે (જાતીય સમાગમથી) પૂર્ણ થયું હોય તો પત્ની મહેરની હકદાર થાય અને બાળકો કાયદેસર ગણાય; પરંતુ પતિપત્નીને પરસ્પર વારસાહક મળે નહિ. પ્રતિબંધિત સગાં સાથેનું કે પરિણીત સ્ત્રી સાથેનું લગ્ન રદબાતલ ગણાય છે અને તેવા લગ્નથી થયેલ બાળકો પણ ગેરકાયદેસર ગણાય છે.
ભરણપોષણ : મુસ્લિમ પત્ની પતિનું વસ્ત્ર (લિબાસ) ગણાય છે અને તે વફાદાર રહે ત્યાં સુધી પતિ તેનું ભરણપોષણ કરવા બંધાયેલો છે. છૂટાછેડા બાદ ઇદ્દતના સમય સુધી પતિ પત્નીનું ભરણપોષણ કરવા બંધાયેલો છે. પતિના મૃત્યુ બાદ પત્ની ભરણપોષણની હકદાર નથી. ‘મુસ્લિમ ઓરત (છૂટાછેડા બાદના હકોના રક્ષણ) અધિનિયમ 1986’ મુજબ જો છૂટાછેડા પહેલાં પત્નીને મહેર તથા તેને લગ્ન વખતે મળેલ ભેટ વગેરે ન મળ્યાં હોય તો તે રકમ તેમજ યોગ્ય ભરણપોષણ મેળવવા ક. 3(1) મુજબ મૅજિસ્ટ્રેટને અરજી કરી શકે છે. ક. 5 મુજબ જો પત્ની ક્રિમિનલ પ્રોસિજર કોડની ક. 125થી 128 પ્રમાણેના હક માગે તો તેણે મૅજિસ્ટ્રેટ રૂબરૂ પહેલી જ મુદતે ઉપર્યુક્ત 1986ના કાયદા અને ક્રિ. પ્રો. કોડ ક. 125થી 128 વચ્ચે પસંદગી કરવાની રહે છે.
છૂટાછેડા : લગ્ન પછી જો બંને પક્ષો વચ્ચેના સંબંધો ન સુધરી શકે તેટલા વણસી ગયા હોય તો લગ્નનો અંત ઇચ્છનીય ગણાય છે. એ રીતે તે ભંગાણના આધુનિક સિદ્ધાંતને સ્વીકારે છે. કુરાન બળજબરીથી લગ્નબંધનને ચાલુ રાખવાની તરફેણ કરતું નથી. મુસ્લિમ કાયદા મુજબ લગ્ન સંસ્કાર નથી, તેથી જો માનભેર સહશયન શક્ય ન હોય તો તેનો અંત આણી શકાય છે. આ પરિસ્થિતિમાં લગ્નનો અંત પતિ પોતાની મરજીથી કે પરસ્પરની સંમતિથી આણી શકે. પતિની મરજી મુજબના છૂટાછેડા તલાક કહેવાય છે અને પરસ્પરની સંમતિ મુજબના મુબારાત કે ખુલા કહેવાય છે. 1939ના મુસ્લિમ લગ્નવિચ્છેદ કાયદાની જોગવાઈઓ મુજબ પણ કાયદાથી લગ્નવિચ્છેદ કરી શકાય છે. પુખ્ત વયનો પતિ કોઈ પણ કારણ જણાવ્યા સિવાય પોતાની મરજીથી, સ્પષ્ટ ઇરાદાવાચક શબ્દોથી, લેખિત કે મૌખિક રીતે પત્નીને તલાક આપી શકે. પત્નીની ગેરહાજરીમાં કરેલી તલાકની જાહેરાત પત્નીને પહોંચાડવી જોઈએ. બે માસિક ધર્મ વચ્ચે આપેલી તલાકને તલાકે અહસન કહે છે. તલાક બાદ ઇદ્દતના સમયમાં સહશયન ન થયું હોય તો તલાક અસરકારક બને છે, નહિ તો તલાક રદ થાય છે. તલાક પછી બંનેને ફરી પરણવું હોય તો પરણી શકે, પણ આવું બે વખત જ થઈ શકે. ત્રીજી તલાક પછી લગ્નબંધન કાયમ માટે કપાઈ જાય છે. તલાકે હસનમાં પતિ ત્રણ સળંગ માસિક ધર્મ વચ્ચેના સમયોમાં ત્રણ વખત તલાક જાહેર કરે છે. ત્રીજી વખતની જાહેરાત બાદ ઇદ્દતના બાધ સિવાય તલાક કાયમી બને છે. તલાક-ઉલ-બિદ્અતમાં બે માસિક ધર્મ વચ્ચે પતિ અટક્યા વગર ત્રણ વખત તલાક જાહેર કરે છે અને તે કાયમી બને છે. આ જાતની તલાકનો ઘણો દુરુપયોગ થયો છે. તલાક-ઉલ-બિદ્અત તલાક-ઉસ-સુન્નત પછી પ્રચારમાં આવેલ છે; પરંતુ તેનો દુરુપયોગ અટકાવવા માટે અને પ્રથમ બે પ્રકારની તલાકને અનુસરવા માટે ન્યાયવિદો દ્વારા સાચા ઇસ્લામિક સિદ્ધાંતોના સંદર્ભમાં રસ્તો શોધાવાની શક્યતા છે. ત્રીજી તલાકે અહસન પછી કે તલાકે હસન પછી કે તલાક-ઉલ-બિદ્અત પછી પતિપત્નીએ ફરી પરણવું હોય તો સ્ત્રીએ તે લગ્ન પહેલાં બીજા કોઈ પુરુષ સાથે પરણીને લગ્નને (જાતીય સમાગમથી) પરિપૂર્ણ કરીને, પછી છૂટાછેડા લઈને જ પરણી શકાય.
મુસ્લિમ પતિ લગ્ન ફોક કરવાનો હક પોતાની પત્નીને કે કોઈ ત્રાહિતને અમુક ચોક્કસ બનાવના અનુસંધાનમાં આપી શકે. એક વખત આપેલો હક પતિ એકલો પાછો ન ખેંચી શકે. પતિને બંધનકારક શરતો બુદ્ધિગમ્ય હોવી જોઈએ. આને તલાકે તફવીઝ (રક્ષણ આપવું) કહે છે. ખુલા પ્રકારની તલાકમાં પત્ની તલાક માગે છે અને પતિ સંમત થાય છે. આમાં પત્ની પતિને કોઈ વળતર કે પ્રલોભન આપીને કે પોતાનો મહેર જેવો કોઈ હક જતો કરીને તલાકમાં સંમતિ મેળવી શકે. પતિ ન માને તો પત્ની અદાલતમાં જઈ શકે. મુબારાતમાં પતિ તલાકનો પ્રસ્તાવ મૂકે છે અને પત્ની સંમત થાય છે અથવા બન્ને પરસ્પર સંમતિથી લગ્નનો અંત આણે છે. ખુલા અને મુબારાતમાં પત્નીને ઇદ્દત પાળવી પડે છે.
મુસ્લિમ કાનૂન પ્રમાણે સગીરનો પિતા, દાદા કે કોઈ વાલી તેનું લગ્ન કરાવી શકે. જ્યારે તે પુખ્ત ઉંમરનો થાય ત્યારે જો પિતા કે દાદા સિવાયના વાલીએ લગ્ન કરાવ્યું હોય તો તે લગ્ન ફોક કરી શકે. 1939ના મુસ્લિમ લગ્નધારા મુજબ મુસ્લિમ છોકરીનું લગ્ન 15 વર્ષની ઉંમર પહેલાં થયું હોય અને લગ્ન (જાતીય સમાગમથી) પૂર્ણ ન થયું હોય તો 18 વર્ષ પૂરાં થાય તે પહેલાં તે ફોક કરી શકાય. પુરુષની બાબતમાં તેનો આવું લગ્ન ફોક કરવાનો હક જ્યાં સુધી તે સ્પષ્ટ રીતે કે ગર્ભિત રીતે લગ્ન સ્વીકારે નહિ ત્યાં સુધી ચાલુ રહે છે. મરણશય્યા પર પડેલો પુરુષ સળંગ ત્રણ વખત તલાકની જાહેરાત કરે અને પછી ઇદ્દતના સમય સુધીમાં ગુજરી જાય તો પત્ની વારસાહક ગુમાવતી નથી. ઇદ્દત બાદ પતિ ગુજરી જાય તો તલાક વૈધ બને. 1939ના મુસ્લિમ લગ્નવિચ્છેદ ધારા નીચે મુસ્લિમ સ્ત્રીને નીચેનાં કારણોસર છૂટાછેડા મળે છે : (1) 4 વર્ષ સુધી પતિની ભાળ ન મળી હોય; (2) 2 વર્ષ સુધી પતિએ તેનું ભરણપોષણ ન કર્યું હોય; (3) પતિને 7 વર્ષની સજા થઈ હોય; (4) બુદ્ધિગમ્ય કારણો સિવાય પતિ તેની લગ્નની ફરજો ન બજાવતો હોય; (5) પતિ નપુંસક હોય; (6) પતિ ગાંડો હોય; (7) સગીરાવસ્થામાં કરેલું લગ્ન તેણે ફોક કર્યું હોય; (8) ઘણી ક્રૂરતા આચરતો હોય. આ સિવાય મુસ્લિમ કાયદાએ સ્વીકારેલાં બીજાં કારણોસર પણ તેને છૂટાછેડા મળે. ક. 4 મુજબ પતિ ધર્માંતર કરે તો લગ્ન ફોક થાય. પતિ ખોટી રીતે પત્ની પર વ્યભિચારનો આરોપ મૂકે તો પત્નીને છૂટાછેડા મળી શકે છે.
એ. એમ. અહમદી