મુલાસ (molasse) : સ્વિટ્ઝર્લૅન્ડના પર્વતપ્રદેશોના તળેટી ભાગમાં જમાવટ પામેલી નૂતન વયની નિક્ષેપજમાવટ. આલ્પાઇન ગિરિનિર્માણના અંતિમ તબક્કા બાદ, તૃતીય જીવયુગના માયોસીન-પ્લાયોસીન કાળમાં તૈયાર થયેલા, સ્વિટ્ઝર્લૅન્ડના પર્વતપ્રદેશોના નીચાણવાળા ભાગોમાં જોવા મળતા માર્લ-કૉંગ્લૉમરેટ સહિત મૃદુ લીલા રંગના રેતીખડક જેવા ઘસારાજન્ય નિક્ષેપ માટે સર્વપ્રથમ પ્રયોજાયેલું સ્વિસ નામ ‘મુલાસ’ છે. આમ મુલાસ એ ચોક્કસ સમયદર્શક નિક્ષેપ હોવાથી સ્તરવિદ્યાત્મક નામ ગણાય. મુખ્ય ભૂસંચલન દરમિયાન કે તરત જ પછીના ગાળામાં ઊંચકાયેલી હારમાળાઓમાંથી ઘસારાજન્ય ખડકચૂર્ણ તે જ પર્વતમાળાઓના તળેટીવિસ્તારમાં કે ખીણવિસ્તારમાં કે અગ્ર ઊંડાણમાં જમા થતું હોય છે. બધી ભૂસંચલનજન્ય પર્વતમાળાઓમાં આ પ્રકારના ઘસારાજન્ય જથ્થાઓ રચાતા હોવાથી ‘મુલાસ’ શબ્દ એવા તમામ પર્વત-ઉત્પત્તિજન્ય નિક્ષેપ માટે વાપરી શકાય. આવા નિક્ષેપો તે પછીથી થતી ભૂસંચલનની ઘટનામાં સામેલ થાય તો વિરૂપ બને.
સ્વિટ્ઝર્લૅન્ડમાં આલ્પાઇન ગિરિનિર્માણમાંથી ઉદભવેલો આ પશ્ચાત્ ભૂસંચલનજન્ય નિક્ષેપ જુદા જુદા કદવાળા અશ્મનિર્મિત બ્રેક્સિયા, કૉંગ્લૉમરેટ, આર્કોઝ, શેલ અને રેતીખડકના બંધારણવાળો છે. તેમાં સ્થૂળ કણો તળભાગમાં અને સૂક્ષ્મ કણો ઉપર તરફ હોવાથી ઉત્થાનક્રિયાની સમાપ્તિનું સૂચન કરી જાય છે. વળી તે આંતરપર્વતીય થાળામાં મળતો હોવાથી બિનદરિયાઈ ઉત્પત્તિ સૂચવે છે. ઍપેલેશિયન પર્વતમાળામાંથી પ્રાપ્ત પૂર્વ યુ.એસ.નો ‘નેવાર્ક રેતીખડક’, ટ્રાયાસિક કાળમાં બનેલો મુલાસ, કેલિડોનિયન કાળનો મુલાસ, હિમાલય પર્વતોમાંથી પ્રાપ્ત સિંધુ-ગંગા નિક્ષેપ તેમજ પોટવાર મેદાની નિક્ષેપ વગેરે આ પ્રકારનાં ઉદાહરણો છે.
ગિરીશભાઈ પંડ્યા