મુલર, એરવિન વિલ્હેલ્મ (Mueller Erwin Wilhelm) (જ. 13 જૂન 1911, બર્લિન; અ. 1977) : ભૌતિકશાસ્ત્રી તેમજ શિક્ષણશાસ્ત્રી. પિતાનું નામ વિલ્હેમ અને માતાનું નામ કેથ (Kathe). 1935માં ટૅકનિકલ યુનિવર્સિટી ઑવ્ બર્લિનમાં ડિપ્લોમા લીધો. 1936માં ડૉક્ટરેટ મેળવી. 13મી ફેબ્રુઆરી 1939ના રોજ ક્લૅરા ઈ. થ્યુસિંગ (Klara E. Thussing) સાથે લગ્નગ્રંથિથી જોડાયા. 1951માં જર્મનીથી અમેરિકા આવ્યા અને 1962માં ત્યાંના નાગરિક બન્યા.

1935થી 1937 સુધી સીમેન્સ રિસર્ચ લૅબોરેટરીમાં વૈજ્ઞાનિક તરીકે, 1937થી 1945 સુધી સ્ટેબિલોવૉલ્ટ કંપનીમાં ભૌતિકશાસ્ત્રી તરીકે, 1945થી 1947 જર્મનીની ઍટનબરો ટૅક્નૉલોજી ઇન્સ્ટિટ્યૂટમાં, 1951થી 1952 ફ્રી યુનિવર્સિટી ઑવ્ બર્લિનમાં, 1947થી 1955 સુધી કૈઝર વિલ્હેલ્મ ઇન્સ્ટિટ્યૂટ તથા મૅક્સ પ્લાંક ઇન્સ્ટિટ્યૂટ, બર્લિનમાં વિભાગાધ્યક્ષ રહ્યા. 1955થી 1968 ભૌતિકવિજ્ઞાનના રિસર્ચ પ્રોફેસર તરીકે અને 1968થી નિવૃત્તિ સુધી ઇવાન પ્યૂ (Evan Pugh) રિસર્ચ પ્રોફેસર તરીકે કામ કર્યું.

ફીલ્ડ એમિશન માઇક્રોસ્કોપ (field emission microscope) નામનું એક પ્રકારનું સૂક્ષ્મદર્શક 1936માં વિકસાવવા માટે તેઓ જાણીતા થયા. આ સૂક્ષ્મદર્શકમાં એક સૂક્ષ્મ સોયને ઉચ્ચ પ્રકારના શૂન્યાવકાશ(high vacuum)માં રાખીને તેમાં યોગ્ય વીજજોડાણો દ્વારા વીજપ્રવાહ પસાર કરતાં તેની ટોચમાંથી ઇલેક્ટ્રૉનો ઉત્સર્જિત કરી શકાયા, જે સીધી રેખામાં આગળ ગતિ કરીને રાખેલ પ્રસ્ફુરક (fluorescent) પડદા ઉપર અથડાયા, જેને કારણે પડદા ઉપર સોયની ટોચનું વિશાળ પ્રતિબિંબ જોવા મળ્યું. આ પ્રકારે મળતા પ્રતિબિંબની મહત્તમ આવર્ધનીકરણ (magnification) સોયની ટોચના વ્યાસ કરતાં 10 લાખગણી હોય છે. આ સૂક્ષ્મદર્શક ફીલ્ડ ઇલેક્ટ્રૉન માઇક્રોસ્કોપ (field electron microscope) તરીકે પ્રચલિત થયું. આ જ પ્રકારની ગોઠવણમાં સોયની ટોચ ઉપરથી ઇલેક્ટ્રૉનોને બદલે આયનો થોડા ફેરફારો સાથે ઉત્સર્જિત કરી શકાય છે. આ માટે સોયની ટોચને પ્રવાહી હાઇડ્રોજન તાપમાને ઠંડી પાડવામાં આવી. આ કારણે આસપાસમાં ભરેલ હિલિયમ વાયુના પરમાણુઓ તેની સપાટી ઉપર એકઠા થવા લાગ્યા (adsorption). આ પરમાણુઓ સોયના વીજસ્થિતિમાનના કારણે આયનોના રૂપમાં ઉત્સર્જિત થયા. ઉત્સર્જિત આયનોને પ્રસ્ફુરક પડદા ઉપર ઝીલી લેતાં આયનો વડે ઉત્પન્ન થયેલ સોયની ટોચનું વિશાળ પ્રતિબિંબ મળેલ. આ પ્રતિબિંબોમાં સર્વપ્રથમ પદાર્થમાંના પરમાણુઓનાં સ્થાનોને અનુભવી શકાયાં હતાં. 1950ના દાયકામાં લીધેલ ચિત્રો આજે પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ પ્રકારનું સૂક્ષ્મદર્શક ફીલ્ડ આયન માઇક્રોસ્કોપ (field ion microscope) તરીકે ઓળખાય છે. આશરે 2,300 વર્ષ પૂર્વે ડિમૉક્રિટસે કલ્પના કરેલ પરમાણુને આશરે 150 વર્ષ પૂર્વે ડાલ્ટને આધુનિક રસાયણશાસ્ત્રમાં સ્થાન આપ્યું અને આ પરમાણુઓને તેમનાં સ્થાનો ઉપર ગોઠવણીના સ્વરૂપમાં આ સૂક્ષ્મદર્શક વડે જોઈ શકાયા. ફીલ્ડ એમિશન માઇક્રોસ્કોપની પદ્ધતિ ઊંચાં ગલનબિંદુઓ (melting points) ધરાવતી ધાતુઓ કે મિશ્ર ધાતુઓ માટે જ મર્યાદિત છે. આ પદ્ધતિ વડે સ્ફટિકમાં રહેલ ખામીઓ (defects) તેમજ વાયુઓના શોષણનો અભ્યાસ શક્ય બન્યો છે. તાજેતરમાં થૅલોસાઇએનીન (thalocyanine) જેવા કેટલાક કાર્બનિક અણુઓને પણ જોઈ શકાયા છે.

મુલરને કેટલાંય પારિતોષિકો તેમજ મેડલો એનાયત થયાં. તેમને 1952માં સી.એ. ગાઉસ (Gauss) મેડલ, 1960માં ઇન્સ્ટ્રુમેન્ટ સોસાયટી ઑવ્ અમેરિકાનો ઍવૉર્ડ તથા 1964માં ફ્રૅંકલિન સોસાયટીનો એચ. બી. પૉટ્સ ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયા. તેઓ અમેરિકન ફિઝિક્સ સોસાયટીના ફેલો તથા જર્મન ફિઝિક્સ સોસાયટીના સભ્ય પણ રહેલા. જર્મન ભાષામાં ‘હેનબુખ દર ફિઝિક’ (Hanbuch der physik) ખંડ 21 1956માં તથા ‘એડ્વાન્સિઝ ઇન ઇલેક્ટ્રૉનિક્સ’ ખંડ 13 1960માં પ્રકાશિત કરી તેમણે લેખનક્ષેત્રે પણ પ્રદાન કર્યું.

મિહિર જોશી