મુલરોની, બ્રાયન (જ. 20 માર્ચ 1939, બાય-કોમેયુ, ક્વિબેક) : કૅનેડાના રાજનીતિજ્ઞ. તેમણે ક્વિબેકની લૉ કૉલેજમાં કાયદાનો અભ્યાસ કર્યો અને કાયદાના ક્ષેત્રે કારકિર્દીનો પ્રારંભ કર્યો. ત્યારબાદ ઉચ્ચ કક્ષાના વહીવટી અધિકારી તરીકે પોતાની કારકિર્દીનો વિકાસ કર્યો ત્યાં સુધી રાજકીય જીવનમાં પ્રવેશવાનો તેમનો ઇરાદો નહોતો.
1983માં કૅનેડાની પ્રોગ્રેસિવ કન્ઝરવેટિવ પાર્ટીમાં જોડાયા અને સક્રિય કારકિર્દીની રચના કરી. 1984થી 1993 દરમિયાન બે મુદત માટે તેઓ વડાપ્રધાન બન્યા ત્યારે 1984ની ચૂંટણીમાં પ્રચંડ બહુમતીથી ચૂંટાયા હતા. તેમની રાજકીય કારકિર્દીના પ્રારંભે ઘણી મુશ્કેલીઓ હતી; આર્થિક વિકાસની ગતિ ધીમી હતી; બેરોજગારી વધી ગઈ હતી અને કેન્દ્રીય અંદાજપત્રની ખાધ પણ વધી હતી; પરંતુ આ મુશ્કેલીઓમાંથી તેઓ સારી રીતે માર્ગ કાઢી શક્યા.
1987માં બંધારણીય સુધારાની એક યોજના તેમણે ઘડી. કૅનેડાના 10 મુખ્ય પ્રધાનોએ આ બંધારણીય સુધારાના કરાર પર દસ્તખત કર્યા, જે યોજના પછી મીચ લેક એગ્રીમેન્ટ (Meech Lake Agreement) તરીકે જાણીતી બની હતી.
1988માં તેમણે અમેરિકા સાથે મુક્ત વેપારના કરાર કર્યા, જેને કારણે બંને દેશો વચ્ચે ટૅરિફ નાબૂદ થયેલી તથા વ્યાપાર આડેના અવરોધો દૂર કરવામાં આવેલા.
1988ની ચૂંટણીમાં તેમને બહુમતી મળી ખરી, પરંતુ તે પૂર્વેના જેવી પ્રચંડ ન હતી.
1992માં પક્ષની ચૂંટણી યોજાઈ ત્યારે પક્ષના સમર્થકોએ તેમના બંધારણીય સુધારા માન્ય ન રાખ્યા હોય તેમ તેમનામાં વિશ્વાસ વ્યક્ત ન કર્યો અને તેથી પક્ષના નેતૃત્વપદેથી તેમને રાજીનામું આપવાની ફરજ પડી હતી.
રક્ષા મ. વ્યાસ