મુર્ડેશ્વર, દેવેન્દ્ર (જ. 19 સપ્ટેમ્બર 1923; અ. 29 જાન્યુઆરી 2000, મુંબઈ) : પ્રસિદ્ધ વાંસળીવાદક. પિતા શંકર મુર્ડેશ્વર સંગીતપ્રેમી તો હતા જ, પરંતુ પોતે કેટલાંક વાદ્યો વગાડતા હતા. પુત્ર દેવેન્દ્રને પણ બાળપણથી જ સંગીત પ્રત્યે અને ખાસ કરી વાંસળી પ્રત્યે વિશેષ રુચિ હતી. 1941માં તેઓ મુંબઈ આવ્યા અને ત્યાં 1944–47 દરમિયાન ઉસ્તાદ અમીરહુસેનખાં પાસેથી તબલાવાદનની તથા 1945–46 દરમિયાન માસ્ટર નવરંગ પાસેથી કંઠ્ય સંગીતની તાલીમ પ્રાપ્ત કરી. ત્યારબાદ 1947–60 દરમિયાન તેમણે વિખ્યાત વાંસળીવાદક પંડિત પન્નાલાલ ઘોષ પાસેથી વાંસળીવાદનની ગહન શિક્ષા પ્રાપ્ત કરી. દરમિયાન 1950માં તેઓ પંડિત રવિશંકરના વાદ્યવૃંદમાં જોડાયા. તેમનો પ્રથમ જાહેર કાર્યક્રમ 1949માં દિલ્હી ખાતે યોજાયો હતો. 1958 પછીના ગાળામાં આકાશવાણી સંગીતસંમેલન ઉપરાંત દેશવિદેશનાં ઘણાં નગરોમાં તેમના જાહેર કાર્યક્રમો થતા રહેલા. ભારત સરકાર દ્વારા નેપાળ, અફઘાનિસ્તાન, સોવિયત સંઘ, પૂર્વ જર્મની, યુગોસ્લાવિયા અને બલ્ગેરિયા ખાતે મોકલવામાં આવેલા સાંસ્કૃતિક શિષ્ટમંડળમાં તેઓ પણ એક સદસ્ય તરીકે સામેલ હતા. વળી તેમણે અમેરિકા અને કૅનેડાનો સંગીત-પ્રવાસ પણ કર્યો હતો. દેશવિદેશનાં ઘણા વિદ્યાર્થીઓને તેમણે સંગીતનું શિક્ષણ આપ્યું હતું.

1986માં તેમને સંગીતનાટક અકાદમીનો પુરસ્કાર એનાયત થયો હતો. વળી મહારાષ્ટ્ર રાજ્ય ગૌરવ પુરસ્કારથી પણ તેમને સન્માનવામાં આવ્યા હતા.

સંગીત પ્રત્યેની તેમની નિષ્ઠાથી પ્રભાવિત થયેલા તેમના ગુરુ પન્નાલાલ ઘોષે પોતાની પુત્રી સાથે તેમનાં લગ્ન કરી આપ્યાં હતાં.

તેમના બહોળા શિષ્યવર્ગમાં નિત્યાનંદ હળદીપુરનો પણ સમાવેશ થાય છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે