મુનુસ્વામી, એલ. (જ. 1927, ચેન્નાઈ) : આધુનિક ભારતીય ચિત્રકાર. શિલ્પી અને ચિત્રકાર દેવીપ્રસાદ રાયચૌધરીની દોરવણી નીચે અભ્યાસ કરીને 1953માં ચેન્નાઈની ‘ગવર્નમેન્ટ કૉલેજ ઑવ્ આર્ટ્સ ઍન્ડ ક્રાફ્ટ’માંથી ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યો. 1956–57માં તેમને ભારત સરકાર તરફથી ‘કલ્ચરલ સ્કૉલરશિપ ફૉર રિસર્ચ ઇન પેઇન્ટિંગ’ મળી. 1958માં તે ચેન્નાઈની ‘ગવર્નમેન્ટ કૉલેજ ઑવ્ આર્ટ્સ ઍન્ડ ક્રાફ્ટ’માં અધ્યાપક તરીકે જોડાયા. 1963–1964 દરમિયાન તે ગ્રાફિક ડિઝાઇનનો અભ્યાસ કરવા ઇંગ્લૅન્ડમાં બૉર્નમથ ગયા. આ અભ્યાસ માટે તેમને ‘કોલંબો પ્લાન’ સ્કૉલરશિપ મળેલી.

મુનુસ્વામીનાં ચિત્રોમાં જાડી કાળી રેખાઓનો ધસમસતો આવેગ જોવા મળે છે. રંગલેપન સૌમ્ય નહિ, પણ ખરબચડું વિશેષ જોવા મળે છે. આમ, સમગ્ર અભિવ્યક્તિ અજંપાવાળા માનવ-ચિત્તને વ્યક્ત કરે છે. રંગપસંદગી પણ તીવ્ર હોવાથી ચિત્રો રુચિકર બનતાં નથી. હાથી, હંસ, માનવ જેવી આકૃતિઓ પર દક્ષિણ ભારતનાં મધ્યકાલીન શિલ્પોનો પ્રભાવ છે. તેમને 1968માં લલિત કલા અકાદમીનો નૅશનલ ઍવૉર્ડ તથા 1976માં તામિલનાડુ સ્ટેટ અકાદમીનો ઍવૉર્ડ મળેલ છે. 1982માં તેમણે ભોપાળના ભારત ભવનમાં કામગીરી બજાવી. 1986–88માં સિનિયર ફેલોશિપ, 1992–94માં એમેરિટ્સ ફેલોશિપ અને 2002માં નેશનલ ઍવૉર્ડથી સન્માનિત થયાં છે. દિલ્હીની ‘નૅશનલ ગૅલરી ઑવ્ મૉડર્ન આર્ટ’, ચેન્નાઈની ‘નૅશનલ આર્ટ ગૅલરી’, ભોપાળના ‘ભારત ભવન’ અને તાન્જાવુરની ‘તમિળ યુનિવર્સિટી’માં તેમનાં ચિત્રો સ્થાન પામ્યાં છે.

અમિતાભ મડિયા