મુનશી, સૌમિલ; મુનશી, શ્યામલ : ગુજરાતી સુગમ સંગીતક્ષેત્રે નામના પ્રાપ્ત કરેલા બે ભાઈઓ. સૌમિલ મુનશીનો જન્મ 5 સપ્ટેમ્બર 1960ના રોજ અને શ્યામલ મુનશીનો જન્મ 14 એપ્રિલ 1962ના રોજ થયેલો. પિતાનું નામ પરેશભાઈ અને માતાનું નામ ભક્તિબહેન. આ બંને પતિ-પત્નીએ તેમના આ બંને પુત્રોમાં નાનપણથી જ સંગીતના સંસ્કાર સિંચ્યા હતા. ગુજરાતી સુગમ સંગીત ક્ષેત્રે આ ભાઈઓના વિકાસનો આલેખ એકસાથે જ વૃદ્ધિ પામતો ગયો છે. ગુજરાતી સુગમ સંગીતના ઉત્તમ ગાયકો હોવા ઉપરાંત આ બંને ભાઈઓ સંગીત-નિર્દેશકો, સ્વરરચનાકાર અને આયોજકો પણ છે. પદ્યરચનાઓની સાથોસાથ તેમણે અછાંદસ જેવા ગદ્ય પ્રકારનું સ્વરાંકન પણ કર્યું છે. લેખન અને નિર્માણક્ષેત્રે પણ તેમણે નોંધપાત્ર સફળતા મેળવી છે. તેમના આ યોગદાન બદલ ‘ગુજરાત 100 પાવર લિસ્ટ 2005–06’માં તેમનો સમાવેશ કરવામાં આવ્યો છે. ‘મોરપિચ્છ’ તેમનો સર્વપ્રથમ જાહેર કાર્યક્રમ હતો.
‘સ્વરસેતુ’ નામની કલાસંસ્થાના સ્થાપનાકાળથી આ બંને ભાઈઓએ તેનું કુશળ સંચાલન કરી તેના નેજા હેઠળ ગુજરાત અને ગુજરાતની બહાર સુગમ સંગીતના અનેક કાર્યક્રમો પ્રસ્તુત કર્યા હતા. સુગમ સંગીતક્ષેત્રના ઘણા નવોદિત કલાકારો તેમણે ગુજરાતને આપ્યા છે. અત્યાર સુધી તેમના લોકપ્રિય થયેલા સુગમ સંગીતના આલબમમાં ‘ચંચલ’, ‘શીતલ’, ‘નિર્મલ’ અને ‘કોમલ’ – આ ચાર સંગીતશ્રેણીઓનો સમાવેશ થાય છે. ઉપરાંત કેટલીક નાટ્યકૃતિઓ અને દૂરદર્શનની શૃંખલાઓ માટે પણ તેમણે સંગીત આપેલું છે. બાળકો માટે તેમણે ‘મેઘધનુષ’, ‘અલ્લક-મલ્લક’ તથા સુગમસંગીતના ભાવકો માટે તેમણે ‘હસ્તાક્ષર’ મ્યુઝિક આલબમ તૈયાર કર્યાં છે.
સંગીત-પ્રચાર-પ્રસાર માટે તેમણે ‘ટચિંગ ટ્યૂન્સ’ નામથી એક સંસ્થા સ્થાપી છે, જેના નેજા હેઠળ તેમણે ‘મેઘધનુષ’, ‘રંગત’, ‘જિનમંગલ’ અને ‘જિનવંદના’ શીર્ષક હેઠળના કૅસેટસંપુટો બહાર પાડ્યા છે.
શ્યામલ વ્યવસાયે પ્લાસ્ટિક સર્જન છે. સૌમિલનાં પત્ની આરતી પણ ગુજરાતી સુગમ સંગીતનાં અચ્છા કલાકાર છે. આ ત્રિપુટીએ સાથે મળીને દેશવિદેશમાં ગુજરાતી સુગમ સંગીતના અનેક જાહેર કાર્યક્રમો આપ્યા છે. વર્ષ 1979માં આરતી સૌમિલ મુનશીને ‘મુકેશ ટ્રૉફી’ તથા ગુજરાતી ચલચિત્ર ‘માનવીની ભવાઈ’માં પાર્શ્વગાયન માટે તેમને ગુજરાત સરકારે શ્રેષ્ઠ પાર્શ્વગાયિકાનો ઍવૉર્ડ એનાયત કરેલ છે.
શ્યામલ સૌમિલ મુનશીને દૂરદર્શન અમદાવાદનો ગિરનાર શિરોમણિ ઍવૉર્ડ, શ્યામલ-સૌમિલ આરતી મુનશીને મહેશ-નરેશ સ્પેશિયલ ઍવૉર્ડ પણ એનાયત થયો છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે