મુટાટકર, સુમતિ

July, 2026

મુટાટકર, સુમતિ  (જ. 10 સપ્ટેમ્બર, 1916, મધ્યપ્રદેશ;  અ. 28 ફેબ્રુઆરી, 2007, કૉલકાતા) :  આગ્રા ઘરાનાનાં વિદુષી.

ગજાનન આંબેડકર અને સુંદરી સૂબેદારના સૌથી મોટા સંતાન સુમતિ મુટાટકરને બાળપણથી જ ઘરમાં આધુનિક કહી શકાય એવું વાતાવરણ મળ્યું. પિતા કોર્ટમાં જજ તરીકે કાર્યરત હતા. સુમતિજીને પોતાની કારકિર્દી બનાવવાની બધી જ છૂટ હતી. તેઓ નાગપુર યુનિવર્સિટીમાંથી સ્નાતક થયાં. અંગ્રેજી સાહિત્ય તેમનો પ્રથમ પ્રેમ હતો પણ તેમનો ઉછેર અને તે સમયનુ સાંસ્કૃતિક વાતાવરણ તેમને સંગીત તરફ ખેંચી ગયું. નાગપુરના શ્રી સાવલારામ અને અમરાવતીના વામનબુઆ જોશી તથા ભાતખંડે સંગીત સંસ્થાના પંડિત એસ. એન. રતનજંકર તેમના પ્રથમ ગુરુજનો રહ્યા. તેમણે ગ્વાલિયર ઘરાનાના પંડિત રાજાભૈયા પૂછવાલે, આગ્રા ઘરાનાના વિલાયત હુસૈન ખાં અને રામપુર ઘરાનાના પંડિત અનંત મનોહર જોશી તથા ઉસ્તાદ મુશ્તાક હુસૈન ખાં પાસે શાસ્ત્રીય સંગીતની સઘન તાલીમ લીધી. તેઓ ધ્રુપદ, ધમાર, ખયાલ, ટપ્પા, ઠૂમરી એમ અલગ અલગ ગાન પ્રકારોમાં નિપુણ થયાં. તેમણે કેટલાંય સંગીત સંમેલનોમાં માત્ર કલાકાર તરીકે જ નહીં, પણ એક સંગીતજ્ઞ તરીકે પણ પોતાની ઓળખ બનાવી.

1953માં તેમણે ઑલ ઇન્ડિયા રેડિયો ખાતે સંગીતસંચાલક તરીકે કામ શરૂ કર્યું. થોડાક જ સમયમાં ત્યાં તેમણે નાયબ મુખ્ય નિર્માતા તરીકે કાર્યભાર સંભાળ્યો. 1968માં દિલ્હી યુનિવર્સિટીની સંગીત અને લલિત કલા વિદ્યાશાખામાં જોડાયાં અને 1981માં ત્યાંના અધ્યક્ષપદેથી નિવૃત્ત થયાં. તેમના આ કાર્યકાળ દરમ્યાન તેમણે સંગીતક્ષેત્રે સંખ્યાબંધ સંશોધનકાર્યોને વેગ આપ્યો. ‘ગીત નિર્ઝરી’ (તેમનો જ બંદિશ સંગ્રહ), ‘સુમતિ સંગીતાભરણમ’ જેવા ઘણા બધા પુસ્તકો પણ પ્રકાશિત કર્યા.

સુમતિ મુટાટકર( ગુરુ મા)નું સંગીત સંબંધિત જ્ઞાન એટલું બહોળું હતું કે તેમને સંગીતનું પુસ્તકાલય જ કહી શકાય… સંગીતકારો ખૂટતી માહિતી મેળવવા તથા અલભ્ય સ્વરરચનાઓ મેળવવા તેમનો જ સંપર્ક કરતા. જીવનના આખરી તબક્કામાં તેમણે સંસ્કૃત ભાષા અને સાહિત્ય પર પણ પ્રભુત્વ હાંસલ કર્યું હતું.

સંગીત નાટક અકાદમી દ્વારા તેમને લાઇફ ટાઇમ એચીવમેન્ટ ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. 1999માં ભારત સરકાર તરફથી પદ્મશ્રી અને 2002માં મધ્યપ્રદેશ સરકાર તરફથી કાલિદાસ સમ્માનથી નવાજવામાં આવ્યાં હતાં.

બીજલ બુટાલા