મુઝફ્ફરાબાદ (જિલ્લો) : પાકિસ્તાન હસ્તક રહેલા કાશ્મીરના દસ જિલ્લાઓમાનો એક.
ભૌગોલિક સ્થાન : 34 19´ ઉ. અ. અને 73 39´ પૂ. રે.ની આસપાસ આવેલો છે. આ જિલ્લાની મુખ્ય નદીઓ જેલમ અને નિલમ છે. આ સિવાય અન્ય શાખા નદીઓ પણ વહે છે. મોટે ભાગે તે સમુદ્રસપાટીથી 700થી 800 મીટરની ઊંચાઈ ધરાવે છે. પાકિસ્તાને જાહેર કરેલા આઝાદ કાશ્મીરનું તે પાટનગર છે. આ જિલ્લાનો વિસ્તાર 1,642 ચો. કિમી. છે, જે ઈશાને ભારતના નિલમ અને કુપવારા જિલ્લાની આંતરરાષ્ટ્રીય સીમા ધરાવે છે. જ્યારે અગ્નિએ પાકિસ્તાનના ખૈબરપ્રાંતના હતીનબાલા(Hattian Bala), દક્ષિણે બાઘ (Bagh), પશ્ચિમે મનશેરા (Manshera) અને અબોટાબાદ જિલ્લાઓની સીમા આવેલી છે.
અર્થતંત્ર : આ જિલ્લો જેલમ અને નિલમ નદીઓના ખીણ પ્રદેશમાં આવેલો છે આથી ખેતી અને પશુપાલન મુખ્યપ્રવૃત્તિ છે. ખેતીમાં ધાન્ય પાકો, શાકભાજી અને ફળો છે. આ સમગ્ર વિસ્તાર પહાડી હોવાથી કાચા અને પાકામાર્ગો આધાર સમાન છે. શ્રીનગર અને મુઝફ્ફરાબાદ વચ્ચેનું અંતર લગભગ 125 કિમી. છે.
આ જિલ્લાની વસ્તી આશરે 6,50,370 (2017) છે. પહાડી ભાષાનું વૈવિધ્ય ઘણું છે, જિલ્લાના પશ્ચિમ ભાગમાં હીન્દકો (Hindko) ભાષા બોલાય છે. આ સિવાય ગુજરી (Gujari) હજારા, કાશ્મીરી, ઉર્દૂ, બાલ્ટી વગેરે ભાષાનું પણ મહત્વ છે. શિક્ષણ પ્રત્યે વધુ જાગૃતિ જોવા મળતી નથી.
મુઝફ્ફરાબાદ (શહેર) :
આ શહેર જેલમ અને નિલમ નદીને કિનારે વસેલું છે. તે 34 21´ ઉ. અ. અને 73 28´ પૂ. રે. પર સ્થિત છે. આ શહેર સમુદ્રની સપાટી 737 મીટર ધરાવે છે. પાકિસ્તાન હસ્તક કાશ્મીરનું સૌથી મોટું શહેર અને વેપારી મથક છે. મોટે ભાગે તે જિલ્લાના અને અન્ય જિલ્લાના મુખ્ય માર્ગો સાથે સંકળાયેલું છે. આ શહેરની સ્થાપના 1646માં સુલતાન મુઝફ્ફરખાને કરી હતી, જેણે લાંબા સમય સુધી કાશ્મીર ઉપર વર્ચસ્વ સ્થાપ્યું હતું. 2005માં થયેલા ભૂકંપનું ભોગ બન્યું હતું. તે સમયે શહેરના 50 ટકા મકાનો ધરાશયી થયાં હતાં. પાકિસ્તાન સરકારના જણાવ્યા મુજબ મૃત્યુઆંક 10,000 જેટલો હતો. આ શહેરની વસ્તી 1,49,913 (2017) હતી. મુખ્ય ભાષા ઉર્દૂ છે. આ સિવાય પોથવારી, ગોજરી અને કાશ્મીરી ભાષા બોલાય છે. પ્રાથમિક અને માધ્યમિક શાળા આવેલી છે. નાના-મોટા ગૃહઉદ્યોગો આવેલા છે. પ્રાથમિક સારવાર-કન્દ્રો આવેલાં છે.
નીતિન કોઠારી