મુઝફ્ફરશાહ બીજો (શાસનકાળ : 1511–1526) : ગુજરાતનો સુલતાન અને મહમૂદશાહ બેગડાનો શાહજાદો. તેણે ઈરાની રાજદૂતને સન્માન સહિત પોતાના દરબારમાં બોલાવી, એની કીમતી ભેટો સ્વીકારી. તેણે ઈડરના રાવ ભીમસિંહને મોડાસા આગળ હરાવી, ઈડર જઈ લૂંટ કરીને મંદિરો તથા મકાનો જમીનદોસ્ત કર્યાં. માંડુથી નાસીને આવેલા સુલતાન મહમૂદશાહ બીજાનો સત્કાર કર્યો. માંડુનો કિલ્લો જીતીને મુઝફ્ફરશાહે માળવાનું રાજ્ય મહમૂદશાહને સોંપ્યું. તેણે પાટણના વિસ્તારમાં લૂંટ કરતા રાવ રાયમલ સામે કૂચ કરી. રાયમલ નાસી ગયો. સુલતાને ત્યાં થાણેદાર નીમ્યો. ચિતોડના મહારાણા સંગ્રામસિંહે ઈડર પર આક્રમણ કરી, ઈડર કબજે કરી, મુઝફ્ફરશાહના લશ્કરને નસાડી મૂક્યું તથા અહમદનગર (હિંમતનગર), વડનગર તથા વિસનગર કબજે કરી ત્યાં લૂંટ કરી. તેનું વેર વાળવા મુઝફ્ફરશાહે મેવાડ જીતવા મલેક અયાઝને લશ્કર લઈને મોકલ્યો. પરન્તુ વાસ્તવમાં મુઝફ્ફરશાહના લશ્કરને સંગ્રામસિંહ સામે કોઈ નક્કર સફળતા મળી નહિ. એનામાં શૂરવીરતા, સાદાઈ, સંયમ અને ઉદારતાના ગુણ હતા. એ વિદ્વાન હતો અને સૂફી લોકોને આશ્રય આપતો હતો. એણે મજહબ તથા સાહિત્યની કેળવણી નિષ્ણાત અધ્યાપકો પાસેથી મેળવી હતી. એણે કુરાને શરીફ કંઠસ્થ કર્યું હતું. એ કાવ્યોની રચના કરતો અને સંગીતશાસ્ત્રનો જાણકાર હતો. એને કેફી પીણાંનું કોઈ વ્યસન નહોતું.
જયકુમાર ર. શુક્લ