મુઝફ્ફરશાહ પહેલો (સુલતાનપદ : 1407–1410) : ગુજરાતનો સ્વતંત્ર સુલતાન. દિલ્હીના સુલતાન નાસિરુદ્દીન મુહમ્મદશાહ તુગલુકે ઈ. સ. 1391માં તેને નાઝિમ નીમી ગુજરાતમાં મોકલ્યો હતો. ત્યારે તેનું નામ ઝફરખાન હતું. તે દૂરંદેશી અને મુત્સદ્દી હતો. તિમુરની ચડાઈ બાદ દિલ્હી સલ્તનતમાં અંધાધૂંધીનો લાભ લઈ ત્યાંના સુલતાનની અવગણના કરી, તેણે ગુજરાતમાં સ્વતંત્ર શાસન કરવા માંડ્યું; પરન્તુ સુલતાન તરીકેનો વિધિસરનો ખિતાબ ધારણ કર્યો નહિ. તેથી તેના મહત્ત્વાકાંક્ષી પુત્ર તાતારખાને પિતાને અસાવલમાં કેદ કરાવી, મુહમ્મદશાહ ખિતાબ ધારણ કરી, પોતે તખ્ત ઉપર બેઠો (ડિસેમ્બર 1403–જાન્યુઆરી 1404) અને થોડા સમયમાં અવસાન પામ્યો. તે પછી ઝફરખાન કેદમાંથી મુક્ત થયો. કેટલાક ઇતિહાસકારોના મતાનુસાર ઝફરખાને તેના પુત્ર તાતારખાનને શરાબમાં ઝેર અપાવી મારી નંખાવ્યો હતો. ત્યારબાદ અમીરો અને સરદારોના આગ્રહનો સ્વીકાર કરીને ઈ. સ. 1407માં ઝફરખાન ‘મુઝફ્ફરશાહ’ ખિતાબ અને વીરપુરમાં શાહી નિશાનો ધારણ કરી, પોતાના સિક્કા પડાવી સ્વતંત્ર સુલતાન બન્યો. તેણે માળવાના હૂશંગશાહને હરાવી પોતાના ભાઈ શમ્સખાનને ત્યાં શાસક નીમ્યો. લશ્કર મોકલીને કચ્છના કંથકોટમાં રહેતી માથાભારે ટોળી પર વિજય મેળવ્યો. ઈ. સ. 1410માં પોતાના પૌત્ર (અને તાતારખાનના પુત્ર) અહમદખાનને ‘અહમદશાહ’ ખિતાબ સહિત ગાદીએ બેસાડી પોતે નિવૃત્તિ લીધી. મુઝફ્ફરશાહના પિતા વજીરુલ્મુલ્ક ટાંક જાતિના રાજપૂત હતા. પાછળથી તેમણે ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો હતો. આમ ગુજરાતના સુલતાનો મૂળમાં રાજપૂત હતા.
જયકુમાર ર. શુક્લ