મુઝફ્ફરશાહ ત્રીજો (શાસનકાળ : 1561–1573; અ. 1592) : ગુજરાતનો છેલ્લો સુલતાન. સુલતાન અહમદશાહ ત્રીજાના મૃત્યુ બાદ, તેને વારસ ન હોવાથી, રાજ-રક્ષક તરીકે વહીવટ કરનાર ઇતિમાદખાને શાહી ખાનદાનના નન્નૂ નામના છોકરાને ‘મુઝફ્ફરશાહ ત્રીજા’નો ખિતાબ આપી ગાદીએ બેસાડ્યો. તે સમયે અમીરોનાં અનેક રાજ્યોમાં પ્રદેશ વહેંચાઈ ગયો હતો. અમીરોમાં સત્તા માટે ખેંચતાણ થતી હતી. તેથી ગુજરાતમાં પ્રવર્તતી અંધાધૂંધી દૂર કરવા ઇતિમાદખાને મુઘલ શહેનશાહ અકબરને ગુજરાત જીતી લેવા સંદેશો મોકલ્યો. અકબર સૈન્ય સહિત અમદાવાદ આવ્યો ત્યારે ઇતિમાદખાને તેને શહેર સોંપી દીધું. મુઝફ્ફરશાહ મુઘલોની નજરકેદમાં હતો. ત્યાંથી નાસી જઈને તેણે રાજપીપળાના રાજા પાસે અને ત્યારબાદ સૌરાષ્ટ્રમાં ખેરડીના લોમા ખુમાણ પાસે આશ્રય લીધો. ઇતિમાદખાન ગુજરાતનો સૂબેદાર હતો, ત્યારે 1583માં મુઝફ્ફરશાહ અમદાવાદ કબજે કરી, ફરીથી ગુજરાતનો સુલતાન બન્યો. તેણે પોતાના સહાયકોને અમીર-પદના ખિતાબો, જાગીરો અને યોગ્ય દરમાયા આપ્યા તથા પોતાના સિક્કા પડાવ્યા. વહીવટ વ્યવસ્થિત કર્યા બાદ મુઘલ સત્તા હેઠળના વડોદરાને ઘેરો ઘાલી, તોપમારાથી કિલ્લો તોડી તેને અને તે પછી ભરૂચને કબજે કર્યું. અમદાવાદ પાછા ફર્યા બાદ નવા મુઘલ સૂબેદાર મીરઝાખાન સાથેની સરખેજ પાસે થયેલી લડાઈમાં એનો પરાજય થયો. આમ મુઝફ્ફરશાહ ત્રીજાનું બીજું સુલતાનપદ ફક્ત પાંચ માસ ટક્યું. મુઘલ લશ્કરે એનો પીછો કરવાથી, પછીનો સમય તેણે ગુજરાત અને સૌરાષ્ટ્રમાં નાસભાગ કરી. દ્વારકાના વાઘેર રાજા શિવારાણાએ તેને રક્ષણ આપી કચ્છ મોકલ્યો. કચ્છના રાવે દગો કરી એને પકડાવી દીધો. છેવટે મુઝફ્ફરશાહે આપઘાત કર્યો.
જયકુમાર ર. શુક્લ