મુજાહિદખાન

February, 2002

મુજાહિદખાન : ગુજરાતના સુલતાન મહમૂદશાહ ત્રીજા(ઈ. સ. 1537–1554)નો રાજ્યરક્ષક અને મહત્વનો અમીર. સુલતાને હલકી મનોવૃત્તિવાળા લોકોની સલાહથી ઘણાં અયોગ્ય કાર્યો કર્યાં; તેથી આલમખાન અને મુજાહિદખાન જેવા મહત્વના અમીરોએ સુલતાન ઉપર દેખરેખ રાખવા માંડી તથા તે નજરકેદમાં હોય એવી સ્થિતિ નિર્માણ કરી. આ દરમિયાન અમીરોમાં અંદરોઅંદર કુસંપ થયો. અમીર મુજાહિદખાન પરદેશી હતો અને 1538માં દીવની લડાઈ વખતે ગુજરાતમાં આવ્યો હતો. તે વિદેશી હોવાથી ગુજરાતના સ્થાનિક અમીરો તેના તરફ શંકાની નજરે જોતા તથા તેને માટે તેમને સદભાવ નહોતો. આ પરિસ્થિતિનો લાભ લઈને સુલતાને મુજાહિદખાનને વિશ્વાસમાં લીધો અને તેની મદદથી સિપાહસાલાર આલમખાનનું વર્ચસ્ તોડવાના પ્રયાસો આદર્યા. કેટલાક અમીરોએ સત્તા હસ્તગત કરવા સુલતાનને આંધળો બનાવવાની યોજના ઘડી હતી. રાજકુટુંબના અન્ય બાળકને ગાદીએ બેસાડી, સુલતાન મહમૂદશાહને દૂર કરવાનું પણ કેટલાક અમીરોએ વિચાર્યું હતું. કેટલાક અમીરો રાજ્યના વિભાગો પાડી વહેંચી લેવાનો મનસૂબો સેવતા હતા; પરંતુ સુલતાનને અમીરોની આ યોજના વિશે માહિતી મળી ગઈ. તેણે મુજાહિદખાનની સલાહ તથા મદદ લઈને ઈ. સ. 1545માં અમીરોની યોજના નકામી બનાવી દીધી. તેથી આલમખાન અને બીજા વિરોધી અમીરોએ નાસી જવું પડ્યું. તે પછી સુલતાન સ્વતંત્ર રીતે રાજ્ય કરવા લાગ્યો. તેણે મુજાહિદખાનની વફાદારીની કદર કરીને તેને રાજ્યરક્ષકના હોદ્દા પર નીમ્યો.

જયકુમાર ર. શુક્લ