મુગટરામજી મહારાજ

February, 2002

મુગટરામજી મહારાજ (જ. 21 એપ્રિલ 1874, મંજુસર, તા. સાવલી; અ. 14 એપ્રિલ 1924, મંજુસર) : ગુજરાતના સિદ્ધકોટિના સનાતની સંતપુરુષ. પિતા આદિતરામ, માતા દિવાળીબા. નાદેરા બ્રાહ્મણ પરિવારમાં જન્મ. મામા દાજીરામ જાની સિદ્ધપુરુષ હતા અને મંજુસરના મહાત્મા તરીકે પંકાયા હતા. મુગટરામ મામા પાસે રહી ભણ્યા અને તેમને જ સદગુરુ માની તેમની ખૂબ સેવા કરી. દાજી મહારાજની દોરવણી મુજબ તેઓ નાનપણથી જ સમાધિમાં બેસતા. ગુરુકૃપાથી કેટલીક સિદ્ધિઓ પ્રાપ્ત થઈ. તેઓ ભૂમિપરીક્ષા અને વનસ્પતિઓની ગુણપરખમાં પાવરધા હતા. વળી કેટલાંક ખોટકાયેલાં યંત્રોને ઠીક કરવામાં પણ તેઓ સચોટ માર્ગદર્શન આપતા હતા.

યોગ્ય વયે તેમનાં સૂરજ નામનાં સન્નારી સાથે લગ્ન થયાં. તેમને ત્રણ પુત્રો અને એક પુત્રી થયાં. ત્રિકાળસંધ્યા, દેવોપાસના, વૈશ્વદેવ, ગાયત્રીજપ અને અતિથિસત્કાર – આ પાંચ બ્રહ્મકર્મોમાં તેઓ સદાય પ્રવૃત્ત રહેતા. યજ્ઞ અને બ્રાહ્મણને પરબ્રહ્મનાં મુખ ગણતા હોવાથી તેઓ લઘુરુદ્ર, મહારુદ્ર અને અતિરુદ્ર યજ્ઞો વારંવાર કરતા. પોતાના ઇષ્ટદેવ શ્રીનંદકેશ્વર મહાદેવ(જીતનગર, તા. રાજપીપળા)માં વિ. સં. 1980ના માહ સુદ પૂનમના દિવસે કરેલો અતિરુદ્ર-યજ્ઞ ગુજરાતના ધાર્મિક ઇતિહાસની વિરલ ઘટના ગણાઈ છે. પરિવાર પણ આ સનાતન ધર્મના આચરણમાં ખડેપગે રહેતો. સાત્વિકતા તેમના જીવનનું પ્રધાન લક્ષણ હતું અને સત્ત્વશુદ્ધિ વિના તત્વજ્ઞાન ટકે નહિ એવી એમની ર્દઢ માન્યતા હતી. ગુરુકૃપા અને ધર્મનિષ્ઠ જીવનથી તેમને ‘નિરાવરણ ર્દષ્ટિ’ પ્રાપ્ત થઈ હતી. તેમના આ ત્રિકાળજ્ઞાની સ્વરૂપથી તેમની પાસે નાનાં-મોટાં, રાય કે રંક, સ્ત્રી-પુરુષો પોતાનાં દુ:ખદર્દના નિવારણાર્થે ખેંચાઈ આવતાં. તેમનું ઘર આશ્રમમાં ફેરવાઈ ગયું હતું અને ત્યાં સહુને આશ્રય મળતો હતો. યજ્ઞાનુષ્ઠાન, ઉત્સવ, બ્રહ્મભોજન, બ્રહ્મદાન અને વ્યાવહારિક પ્રસંગોમાં મુગટરામજી ઉદારતાપૂર્વક ખર્ચ કરતા. લક્ષ્મીની તેમના પર કૃપા હતી અને જરૂરી સહાય પણ ગમે ત્યાંથી આવી મળતી. આવું પ્રવૃત્તિમય જીવન હોવા છતાં તેઓ અંતરથી સદાય અલિપ્ત અને આપ્તકામ રહેતા હતા.

મુગટરામજીએ કોઈ વાણી રચી નથી, પણ તેમના શિષ્ય જગન્નાથ પંડિતે તેમનાં વચનોનો સંગ્રહ ‘મુકુટ-લીલામૃત’માં કર્યો છે. તેના અધ્યયન પરથી જણાય છે કે તેઓ સર્વાત્મવાદી હતા. તેઓ ધર્મશાસ્ત્રો, ગુરુ, પરલોક અને ઈશ્વરના વ્યાવહારિક અસ્તિત્વનો સ્વીકાર કરતા હતા. તેમના સંપર્કમાં આવનાર સહુને તેમના અધિકાર અનુસાર કર્મ, ભક્તિ, જ્ઞાન કે ધ્યાનનો બોધ આપતા. આત્મસિદ્ધિ અર્થે (1) બાહ્ય પૂજા (જડ મૂર્તિની કે ચેતન ગુરુની પૂજા), (2) માનસિક પૂજા, (3) સુરતા કે ધ્યાન અને (4) સર્વ પ્રત્યે બ્રહ્મભાવના (સર્વાત્મભાવ) – આ ચાર સાધનોને પ્રાધાન્ય આપતા. આમાં ક્રમાનુસાર બ્રહ્મભાવના જ સર્વોત્તમ છે અને તે ગુરુકૃપા વિના પ્રાપ્ત થવી દુર્લભ છે એવું તેમનું ર્દઢપણે માનવું હતું. મંજુસર ગામે આવેલા મુગટરામ આશ્રમમાં મુકુટરામજી મહારાજની આરસની પ્રતિમા પ્રતિષ્ઠિત કરવામાં આવી છે. તેમણે પોતાની કોઈ શિષ્યપરંપરા સ્થાપી નહોતી.

પ્રવીણચંદ્ર પરીખ