મુખ્લિસ, આનંદરામ (જ. 1700, સોધરા, જિ. સિયાલકોટ; અ. 1751) : ફારસી ભાષાના વિદ્વાન, લેખક અને કવિ. તેઓ છેલ્લા મુઘલ રાજવીઓના અમીર-ઉમરાવોના દરબારોમાં રાજકીય વગ પણ ધરાવતા હતા. આનંદરામ પંજાબી કાયસ્થ હતા. તેમના દાદા ગજપતરાય અને પિતા રાજા હૃદયરામ ફારસી ભાષાના જાણકાર હતા. આનંદરામ ભરયુવાનીમાં દિલ્હીમાં મુઘલ વજીર એતિમાદ-ઉદ્-દૌલાના વકીલ બન્યા હતા અને 1740માં તેમને રાય-રાયાંનો ખિતાબ મળ્યો હતો. તેમને કૌટુંબિક માનમરતબો, શાહી નોકરી અને કવિતાનો શોખ વારસામાં મળ્યાં હતાં. તેઓ પુસ્તકપ્રેમી હતા અને પોતાની પસંદગીના કોઈ પણ પુસ્તકની પોતાના પુસ્તકાલય માટે નકલ કરાવી લેતા હતા. ફારસીમાં કવિતા લખવાની શરૂઆત કરતાં પહેલાં ફારસીના પ્રથમ પંક્તિના કવિ બેદિલના તેઓ શિષ્ય બન્યા અને પાછળથી સિરાજુદ્દીન અલીખાન આરઝૂ જેવા ફારસી તથા ઉર્દૂના પ્રખર વિદ્વાનની સલાહ પણ લેતા હતા. મુખ્લિસ આનંદરામના સમકાલીન લેખકોએ તેમની કવિત્વશક્તિ તથા વિદ્વત્તાની સાથે સાથે તેમનાં ઉચ્ચ ચારિત્ર્ય, માણસાઈ અને વફાદારીની ઘણી પ્રશંસા કરેલી. કવિતાની સાથે સાથે તેમની ગદ્યકૃતિઓ તેમના સમયની રાજકીય ઘટનાઓ ઉપર પણ પ્રકાશ નાંખે છે. તેમની ગદ્યપદ્ય કૃતિઓ નીચે પ્રમાણે છે : (1) ‘કારનામ-એ-ઇશ્ક’ (રચના : 1730) : આ કાલ્પનિક પ્રેમ-કથા છે. (2) ‘રુકઆત’ (રચના : 1736) : એ અમીર-ઉમરાવો તથા મિત્રોને લખેલા ફારસી પત્રોનો સંગ્રહ છે. (3) ‘ગુલદસ્તએ અસ્રાર’ : આ પત્રસંગ્રહમાં ઐતિહાસિક મહત્વ ધરાવતા, નાદિરશાહના પત્રો સચવાયા છે. આ પત્રો નાદિરશાહે કાબુલના મુઘલ સૂબેદારને લખ્યા હતા અને પાછળથી આનંદરામને મોકલવામાં આવ્યા હતા. (4) ‘હંગામએ ઇશ્ક’ (રચના 1739) : આ પ્રેમકથા પર આધારિત મસ્નવી છે. તેમાં મલિક મુહમ્મદ જાઇસીની ‘પદ્માવત’ કૃતિને ફારસી રૂપ આપવામાં આવ્યું છે. (5) ‘મિરાત-ઉલ-ઇસ્તિલાહ’ (રચના : 1745) : આ ફારસી શબ્દકોશ છે. તેમાં મુખ્લિસે નવા નવા ફારસી શબ્દપ્રયોગોનો અર્થ અને તેમની સાથે સંકળાયેલી વાર્તાઓ આપેલ છે. (6) ‘ચમનિસ્તાન’ (રચના: 1746) : આ આકસ્મિક ઘટનાઓની નોંધપોથી છે. (7) ‘વકાએ બદાએ’ : આ મહત્ત્વની ગદ્યકૃતિમાં નાદિરશાહના દિલ્હી ઉપરના હુમલાના સમયે બનેલા બનાવોનો નજરે જોયેલો અહેવાલ છે. (8) ફારસી કાવ્યસંગ્રહ (દીવાન) : તેમણે પોતાની ફારસી કવિતાનો આ સંગ્રહ 1744માં તૈયાર કર્યો હતો. (9) ‘સફરનામા’ (રચના : 1745) : દિલ્હીના સમ્રાટ મુહમ્મદશાહે નવાબ સૈયદ અલી મુહમ્મદખાન બહાદુર વિરુદ્ધ બનગઢ ઉપર હુમલો કર્યો ત્યારે મુખ્લિસે તે સમયગાળાની તૈયાર કરેલી આ રોજનીશી છે. (10) ‘પરીખાના’ (રચના : 1731) : મુખ્લિસને ચિત્રકલા અને સુલેખનકલાનો પણ શોખ હતો. પોતાની કલાના નમૂનાઓના સંગ્રહની સાથે એક વિદ્વત્તાપૂર્ણ આલોચનાત્મક નિબંધ પણ તેમાં છે.
મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી