મુખોપાધ્યાય, કૌશિક (જ. 1960) : આધુનિક ભારતીય શિલ્પી. 1986માં તેઓ કૉલકાતાની રવીન્દ્રભારતી યુનિવર્સિટીમાંથી ર્દશ્યકલામાં સ્નાતક અને 1989માં શાંતિનિકેતનની વિશ્વભારતી યુનિવર્સિટીમાંથી લલિત કલામાં અનુસ્નાતક થયા.
ફેંકી દીધેલા કૂડાકચરા અને ભંગારમાંથી શિલ્પસર્જન કરવા માટે કૌશિક જાણીતા છે. તૂટેલાં પ્લાસ્ટિકનાં પીપડાં, ડોલ ઇત્યાદિને ઇચ્છા મુજબ વધુ તોડી-ચીરીને તેની સાથે ધાતુનો અન્ય ભંગાર ચોંટાડીને, તેની ઉપર ધાતુ અને પ્લાસ્ટિકના તારનાં ગૂંચળાં ગોઠવીને તેઓ અમૂર્ત શિલ્પસર્જન કરે છે.
1989થી 1997 સુધીમાં કૌશિકે મુંબઈ, દિલ્હી, કૉલકાતા, અમદાવાદ અને ભોપાલમાં પોતાની કલાનાં વૈયક્તિક પ્રદર્શનો કર્યાં છે.
શિલ્પસર્જન માટે 1994થી ’95 દરમિયાન કૌશિકને ઇન્લૅક્સ (INLAKS) ફાઉન્ડેશનની ફેલોશિપ મળી હતી.
1996થી તેઓ મુંબઈ ખાતેની કમલા રાહેજા વિદ્યાનિધિ ઇન્સ્ટિટ્યૂટ ફૉર આર્કિટેક્ટચરમાં વ્યાખ્યાતા તરીકે સેવા આપે છે.
અમિતાભ મડિયા