મુખોપાધ્યાય, ઉમાપ્રસાદ (જ. 1902; અ. ઑક્ટોબર 1997) : બંગાળી લેખક. તેમને પ્રવાસકથા ‘મણિમહેશ’ માટે 1971ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
તેઓ સર આશુતોષ મુખરજીના પુત્ર હતા. તેમણે કલકત્તા યુનિવર્સિટીમાંથી એમ.એ. અને એલએલ.બી. ની પદવી મેળવી. પછી અધ્યાપન ઉપરાંત વર્ષો સુધી વકીલાત કરી. 1958માં વકીલાતનો વ્યવસાય છોડી દઈને હિમાલયની ગોદમાં શાંતિની શોધમાં નીકળી પડ્યા.
તેમણે હિમાલયની ટેકરીઓ, ઝરણાં, ધાર્મિક-પૌરાણિક સ્થળોનો વ્યાપક પ્રવાસ ખેડ્યો હતો અને તેમના પ્રાકૃતિક દર્શનના અનન્ય અનુભવો અને જીવનનાં પાયાનાં મૂલ્યો વિશેની તેમની ચિંતાના ફળસ્વરૂપ તેમણે બંગાળીમાં કેટલીક ઉત્તમ પ્રવાસકથાઓનું સર્જન કર્યું છે.
તેમની લોકપ્રિય કૃતિઓમાં ‘હિમાલયેર પથે પથે’ (1962), ‘પંચકેન્દ્ર’ (1968) તથા ‘મણિમહેશ’ (1970) ઉલ્લેખનીય છે. તેમની અન્ય કૃતિઓમાં ‘મુક્તિનાથ’, ‘ગુપ્તેશ્વર’, ‘વૈષ્ણોદેવી ઓ અનન્ય કાહિની’, ‘કૈલાસ ઓ માનસરોવર’, ‘ગંગાવતરણ’ (1955), ‘કાવેરી કાહિની’ (1973), ‘બ્રાહ્મણ ઑમ્નિબસ’ (1983), ‘દૂઈ દિગંત’ (1986) અને ‘આલબમ’(1986)નો સમાવેશ થાય છે.
તેમની પુરસ્કૃત કૃતિ ‘મણિમહેશ’માં તેમની સર્જનશક્તિની પ્રતીતિ થાય છે. સરળ શૈલી અને તર્કસંગત અભિવ્યક્તિ માટે આ કૃતિ બંગાળી સાહિત્યમાં નવતર પ્રદાન ગણાય છે.
આ કૃતિ ત્રણ ભાગમાં લખાયેલી છે. પ્રથમ ભાગમાં પઠાણકોટથી મણિમહેશ સુધીના તેમના મુશ્કેલ પ્રવાસનું વર્ણન છે. બીજા ભાગમાં ખારા-પથારથી શરૂ થતા જમ્મુની ખીણ પરના ઊંચા છાવણી-વિસ્તાર-ચક્રાતા તરફના પ્રવાસનો ઉલ્લેખ છે. ત્રીજા ભાગમાં પ્રવાસનાં કાવ્યમય સંસ્મરણોની ગૂંથણી છે. તેમાં, મહાભારતમાં અને કાલિદાસનાં લખાણોમાં ઉલ્લેખ કરાયેલ અને અજંતાની ગુફાઓમાં કલાકારો દ્વારા ચિત્રાંકિત જાણીતા કિન્નોરપ્રદેશના દર્શનથી લેખકની વર્ષોજૂની કલ્પના તાજી થતી પ્રતીત થાય છે. તેમાં 6,706 મીટરની ઊંચાઈએ આવેલા કિન્નોર-કૈલાસ શિખરે પહોંચ્યાનું તાર્દશ વર્ણન કશી અતિશયોક્તિ વિના કરવામાં આવ્યું છે.
બળદેવભાઈ કનીજિયા