મુક્ત વેપાર (free trade) : કોઈ પણ સ્વરૂપે સરકારની દરમિયાનગીરીથી મુક્ત આંતરરાષ્ટ્રીય વેપાર. સરકાર દેશમાં થતી આયાતોને ઘટાડવા માટે અનેક પગલાં ભરી શકે છે. આયાતો ઉપર જકાત નાખવામાં આવે તથા આયાત થતી ચીજોનો જથ્થો (ક્વૉટા) નક્કી કરવામાં આવે છે તે તેના સર્વસામાન્ય માર્ગો છે. તેની સાથે સરકાર વિવિધ વહીવટી પગલાં ભરીને પણ આયાતોને ઘટાડતી હોય છે; દા.ત., દેશની પેઢી દ્વારા વેચવામાં આવતી ચીજોની કિંમતો, વિદેશી પેઢી દ્વારા વેચવામાં આવતી ચીજોની કિંમતો કરતાં દસ કે પંદર ટકા વધારે હોય તોપણ તે દેશની પેઢી પાસેથી જ તે ખરીદવી એવો નિર્ણય સરકાર કરી શકે. લોકોનાં આરોગ્ય અને સલામતીના ર્દષ્ટિબિંદુથી કેટલીક ચીજોની આયાતો પર સરકાર પ્રતિબંધ મૂકતી હોય છે. દેશની આયાતો ઘટાડવા માટે આયાતજકાત સિવાયના સેંકડો માર્ગો હોવાનું એક અભ્યાસીએ નોંધ્યું છે. એ જ રીતે સરકાર દેશની નિકાસોને પ્રોત્સાહન આપવા માટે વિવિધ પગલાં ભરતી હોય છે; દા.ત., દેશના નિકાસકારોને પ્રત્યક્ષ રીતે તો કેટલાક દાખલાઓમાં પરોક્ષ રીતે સબસિડી આપવામાં આવે છે. દેશના નિકાસકારોને વ્યાજના નીચા દરે ધિરાણ આપવાની સગવડ આપવામાં આવે છે, કરવેરામાં રાહત આપવામાં આવે છે વગેરે. દેશનો આંતરરાષ્ટ્રીય વેપાર આ પ્રકારની સરકારની દરમિયાનગીરીથી તદ્દન મુક્ત હોય તો તેને મુક્ત વેપાર કહી શકાય. આવા તદ્દન મુક્ત વેપારની નીતિ દુનિયાનો કોઈ દેશ સ્વીકારતો નથી.
કોઈ પણ દેશની પ્રજા તેની જરૂરિયાતની બધી ચીજો અને સેવાઓ ન્યૂનતમ ખર્ચે દેશની અંદર પેદા કરી શકતી નથી. કુદરતી સંપત્તિની અસમાન વહેંચણીથી માંડીને પ્રજાની ખાસિયતો અને મૂલ્યો સુધી વિસ્તરેલાં કારણોથી આ શક્ય બનતું નથી. આ જ કારણોસર કોઈ એક દેશ કેટલીક ચીજો અને સેવા ન્યૂનતમ ખર્ચે પેદા કરી શકે છે. જો દુનિયાના દેશો એવું નક્કી કરે જે પેદાશ અને સેવા બનાવવામાં જે દેશને ઓછામાં ઓછું ખર્ચ થતું હોય તે દેશો એ ચીજો અને સેવાઓનું ઉત્પાદન કરે અને દુનિયાના અન્ય દેશો તેમની પાસેથી તે નિર્બંધ રીતે ખરીદે તો દુનિયાની વાસ્તવિક આવક મહત્તમ થાય (વિશ્વની પ્રજાને મહત્તમ સંતોષ સાંપડે). અર્થશાસ્ત્રમાં મુક્ત વેપારની હિમાયત જે સિદ્ધાંતના આધાર પર કરવામાં આવે છે તે તુલનાત્મક ખર્ચના સિદ્ધાંત (Theory of Comparative Cost Advantage) તરીકે જાણીતો છે. પ્રસ્તુત સિદ્ધાંતને ઍડમ સ્મિથે રજૂ કરેલો અને રિકાર્ડોએ તેને વિકસાવેલો. રિકાર્ડોએ જે તુલનાત્મક ખર્ચ-લાભની વાત કરી હતી તેને એક ર્દષ્ટાંત દ્વારા સમજાવી શકાય. કોઈ વકીલ દાવાની બ્રીફ સારામાં સારી રીતે તૈયાર કરી શકતો હોય અને સાથે સાથે બ્રીફ માટે જરૂરી ટાઇપરાઇટિંગ પણ સારામાં સારું કરી શકતો હોય તો તે બંને કામો જાતે કરવાને બદલે એણે બ્રીફ તૈયાર કરવામાં જ બધો સમય આપી ટાઇપરાઇટિંગ બહાર કરાવી લેવું જોઈએ, કારણ કે બહાર ટાઇપ કરાવી લેવાથી તેનો જે સમય બચે તેનો ઉપયોગ બ્રીફ તૈયાર કરવા માટે કરીને તે વધારે કમાણી કરી શકે. રિકાર્ડો તેના જમાનાના ઇંગ્લૅન્ડને એ સમજાવવા માંગતા હતા કે જરૂરી બધી વસ્તુઓ પેદા કરવામાં ઇંગ્લૅન્ડ અન્ય દેશો કરતાં વધારે કાર્યક્ષમ હોય તોપણ આંતરરાષ્ટ્રીય વેપારમાં સામેલ થઈને કેટલીક ચીજોની આયાતો કરવાનું ઇંગ્લૅન્ડના લાભમાં છે. જે ઇંગ્લૅન્ડ માટે સાચું છે તે દુનિયાના બધા દેશો માટે પણ સાચું છે.
તુલનાત્મક ખર્ચના સિદ્ધાંત પર મુક્ત વેપારની હિમાયત પ્રતીતિકર હોવા છતાં દુનિયાના દેશોનો વ્યવહાર વત્તાઓછા પ્રમાણમાં મુક્ત વેપારનો વિરોધી રહ્યો છે. આનું કારણ સમજવા જેવું છે. દેશ જ્યારે કોઈ ચીજની નિકાસ કરે છે ત્યારે એ વ્યવસાય કે ઉદ્યોગમાં રોજગારી અને આવક સર્જાય છે. બીજી બાજુ, દેશ જ્યારે કોઈ ચીજની આયાત કરે છે ત્યારે દેશના નાગરિકોની આવક વિદેશમાં ખર્ચાતાં વિદેશોમાં આવક અને રોજગારી વધે છે, જ્યારે દેશમાં તે ઘટે છે. દુનિયાના બધા દેશોનો પ્રયાસ ઘરઆંગણે મહત્તમ રોજગારી અને આવક સર્જવાનો હોય છે. તેથી તેઓ વિવિધ માર્ગોએ તેમની આયાતોને સીમિત રાખવાનો અને નિકાસોને વધારવાનો પ્રયાસ કરતા હોય છે. કોઈ એક દેશ એમ કરી શકે, પરંતુ દુનિયાના બધા દેશો એવું ન કરી શકે, કેમ કે એક દેશની નિકાસ બીજા દેશની આયાત હોય છે. જો દુનિયાના બધા જ દેશો તેમની આયાતો ઘટાડવા માટેનાં પગલાં ભરે તો તેને પરિણામે દુનિયાના બધા દેશોની નિકાસો પણ ઘટે અને દુનિયાના દેશોને આંતરરાષ્ટ્રીય વેપારનો પૂરો લાભ મળી શકે નહિ. આમ મુક્ત વેપારમાં દુનિયાના દેશોનું સામૂહિક હિત હોવાથી મુક્ત વેપારને અવરોધક એવાં પગલાંને નિવારવા માટે સામૂહિક ધોરણે પગલાં ભરવામાં આવે છે. ‘ગૅટ’ના આશ્રયે થયેલી આંતરરાષ્ટ્રીય વેપાર અંગેની સમજૂતીઓ એ દિશાનું પગલું છે.
સૂર્યકાન્ત શાહ