મુક્ત અર્થતંત્રની નીતિ : અર્થતંત્રમાં સ્વયંચાલિત રીતે, રાજ્યતંત્રની દરમિયાનગીરી વિના ઉત્પાદન અથવા વહેંચણીની પ્રક્રિયા ચાલવા દેવા અંગેની આર્થિક નીતિ. આવી નીતિમાં મુક્ત સાહસને મૂડી પર માલિકી-હક ધરાવવાની તથા તેના રોકાણ દ્વારા નફાલક્ષી આર્થિક પ્રવૃત્તિઓ હાથ ધરવા માટેની સંપૂર્ણ મોકળાશ હોય છે. રાજ્ય-સંચાલિત અથવા રાજપ્રેરિત આર્થિક આયોજનની પદ્ધતિ કરતાં તે તદ્દન ભિન્ન અને વિરોધી લક્ષણો ધરાવતી નીતિ હોય છે. બજારતંત્ર અથવા સ્વૈરવિહાર (laissez faire) તરીકે ઓળખાતી આ નીતિમાં મુખ્યત્વે ચાર લક્ષણો હોય છે : (1) ભૂમિ, શ્રમ અને મૂડી જેવાં ઉત્પાદનનાં સાધનો પર ખાનગી માલિકી હોય છે તથા ખાનગી સાહસની પહેલ અને પ્રેરણાથી ચીજવસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરવામાં આવતું હોય છે. (2) વપરાશ, મૂડીરોકાણ, ઉત્પાદન, બચત, વ્યવસાયની પસંદગી જેવી બાબતો અંગે નિર્ણય લેવા લોકો સંપૂર્ણ છૂટ ધરાવતા હોય છે. (3) ખાનગી સાહસ દ્વારા નફો કમાવાનો નાગરિકોને સંપૂર્ણ અધિકાર બક્ષવામાં આવેલો હોય છે. બીજી રીતે કહીએ તો ઉત્પાદનનાં સાધનોની મદદથી ઉત્પાદન કરવામાં આવેલી ચીજવસ્તુઓનું વેચાણ કરી આવક મેળવવાનો અધિકાર નાગરિકોને આપવામાં આવેલો હોય છે. મિલકત અંગેના અધિકારો મુક્ત અર્થતંત્રનું હાર્દ માનવામાં આવે છે. (4) મુક્ત અર્થતંત્રમાં રાજ્ય-સંચાલિત અથવા રાજ્યપ્રેરિત આર્થિક આયોજનની પદ્ધતિને કોઈ અવકાશ હોતો નથી, એટલું જ નહિ પરંતુ આર્થિક પ્રવૃત્તિઓના સંચાલનમાં રાજ્યનો હસ્તક્ષેપ નિષિદ્ધ ગણવામાં આવે છે.
મુક્ત અર્થતંત્રમાં મોટાભાગના આર્થિક નિર્ણયો ઉપભોક્તાઓ તથા ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતી પેઢીઓ દ્વારા સ્વયંપ્રેરણાથી તથા સ્વયંસ્ફૂર્ત રીતે લેવામાં આવતા હોય છે; દા.ત., કઈ ચીજવસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરવું, ક્યાં અને કેટલું ઉત્પાદન કરવું, કઈ ઉત્પાદન-પદ્ધતિ દ્વારા ઉત્પાદન કરવું, કોના માટે ઉત્પાદન કરવું, કયા બજારમાં અને કઈ કિંમતે ચીજવસ્તુઓ અને સેવાઓનું વેચાણ કરવું વગેરે બધા જ નિર્ણયો વ્યક્તિઓ અને પેઢીઓ દ્વારા મુક્ત રીતે કરાતા હોય છે. તેવી જ રીતે વેચાણ માટે બજારમાં મૂકવામાં આવેલી વિવિધ ચીજવસ્તુઓ અને સેવાઓમાંથી કોની અને ક્યારે પસંદગી કરવી તેની સ્વાધીનતા ઉપભોક્તાઓ ધરાવતા હોય છે. આમ નફાનો હેતુ, મિલકતના અધિકારો, બજારમાં મુક્ત સ્પર્ધા તથા ગ્રાહકોની સર્વોપરીતા – આ ચાર મુક્ત અર્થતંત્રના આધારસ્તંભ હોય છે.
સ્વૈરવિહારની પદ્ધતિમાં માનનારા પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ મુક્ત અર્થતંત્રની નીતિમાં શ્રદ્ધા ધરાવતા હતા. જે સરકાર અર્થતંત્રમાં ઓછામાં ઓછો હસ્તક્ષેપ કરે તે સરકાર સારી એવી તેમની ર્દઢમાન્યતા હતી. દરેક વ્યક્તિ પોતાનું હિત સમજે છે એટલું જ નહિ, પરંતુ પોતાના હિત દ્વારા વ્યક્તિ સમાજનું હિત પણ આપમેળે સાધતી હોય છે એવી તેમની વિચારસરણી હતી. સમાજનું હિત વ્યક્તિના હિતનો સરવાળો હોય છે એવી પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓની રજૂઆત હતી. ઍડમ સ્મિથ વ્યવસાયની પસંદગી તથા આંતરિક અને વિદેશ-વેપારમાં સ્વતંત્રતાના હિમાયતી હતા. તેઓ ઇજારાનો વિરોધ કરતા. સ્મિથના અનુયાયીઓએ સ્મિથના આર્થિક વિચારોને ટેકો આપ્યો હતો. તેથી જ મુક્ત અર્થતંત્રની નીતિ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રની વૈચારિક માન્યતાઓનું પરિણામ ગણવામાં આવે છે.
1947માં આઝાદી મળ્યા પછી ભારતે મિશ્ર અર્થતંત્રની નીતિ અપનાવી; જેમાં જાહેર અને ખાનગી ક્ષેત્રનું સહઅસ્તિત્વ તથા બંને વચ્ચે કાર્યક્ષેત્રની સ્પષ્ટ વહેંચણી દ્વારા દેશનો ઝડપી આર્થિક વિકાસ સાધવાનું લક્ષ્ય સ્વીકારવામાં આવ્યું હતું; પરંતુ સમય જતાં સમાજવાદી સમાજરચનાના નામે ખાનગી ક્ષેત્રના ભોગે જાહેર ક્ષેત્રનું મહત્ત્વ દેશના અર્થતંત્રમાં વધતું ગયું, જેનાં માઠાં પરિણામો દેશને સહન કરવાં પડ્યાં. દા.ત., આર્થિક વિકાસની પ્રક્રિયામાં સ્થગિતતા; ગરીબી, બેકારી અને આર્થિક અસમાનતામાં વધારો; જીવનજરૂરિયાતોની ચીજવસ્તુઓની અછતને લીધે ફુગાવામાં વધારો; ‘લાઇસન્સ-પરમિટ રાજ’ને કારણે ભ્રષ્ટાચારમાં વધારો વગેરે. આ પરિસ્થિતિને બદલવા માટે જુલાઈ 1991માં દેશમાં ઉદારીકરણની નીતિ દાખલ કરવામાં આવી અને તે દ્વારા બજારતંત્ર પર આધારિત મુક્ત અર્થતંત્રને જરૂરી અને શક્ય તેટલી સ્વતંત્રતા બક્ષવાનું ધોરણ સરકારે સ્વીકાર્યું છે, જેને અનુલક્ષીને 1991–2002 દરમિયાન ઘણા બધા આર્થિક પ્રતિબંધો ઉઠાવી લેવામાં કે હળવા કરવામાં આવ્યા છે તથા ખાનગી ક્ષેત્રની ભાગીદારીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, જેને ‘માર્કેટ ફ્રેન્ડલી નીતિ’ના નામથી ઓળખવામાં આવે છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે