મુકુંદદાસ (જ. 1648, સૂરત; અ. 1718, ઉદયપુર, રાજસ્થાન) : પ્રણામી પંથના સંત કવિ. પિતાનું નામ રાઘવદાસ અને માતાનું નામ કુંવરબાઈ. વૈષ્ણવ શ્રેષ્ઠી પરિવારમાં જન્મ થયો હોવા છતાં બાળપણથી જ વિરક્તવૃત્તિ ધરાવતા મુકુંદદાસે સ્થાનિક પાઠશાળામાં સંસ્કૃતનો ઊંડો અભ્યાસ કર્યો. તેઓ વેદો, ઉપનિષદો, પુરાણો અને દર્શનશાસ્ત્રોનો ગહન અભ્યાસ કરી સૂરતના વિદ્વાનોમાં પંકાયા. ઈ. સ. 1673માં તેઓ પ્રણામી પંથના આચાર્ય શ્રી પ્રાણનાથજીના પ્રભાવ નીચે આવ્યા અને તેમની પાસે દીક્ષા લઈ ‘નવરંગસ્વામી’ નામ પામ્યા. આમ, 25 વર્ષની વયે ઘર છોડી તેઓ ગુરુ અને ધર્મની સેવા અર્થે નીકળી પડ્યા. પ્રાણનાથજી તેમને અનેક સ્થળોએ શાસ્ત્રાર્થ અને ધર્મચર્ચા માટે મોકલતા હતા. બુંદીના હાડા રાજપૂત રાજા ભાવસિંહના દરબારમાં મુકુંદદાસજીએ કરેલા શાસ્ત્રાર્થમાં પંડિતોને પરાજિત કરતાં તેમની વિદ્વાન તરીકે ભારે ખ્યાતિ થઈ. રાજા ભાવસિંહે તેમની પાસેથી મંત્રદીક્ષા લીધી. મુકુંદદાસે ઈ. સ. 1673થી 1694 સુધી સતત 22 વર્ષો સુધી ગુરુ સાથે પડછાયાની જેમ રહી પ્રણામી પંથના પ્રચારપ્રસારમાં પોતાનો મહત્વનો ફાળો આપ્યો. ઈ. સ. 1694માં પ્રાણનાથજીનું દેહાવસાન થતાં તેઓ પન્ના (મ. પ્ર.) છોડી ધર્મપ્રચાર અર્થે પરિભ્રમણ કરતા રહ્યા. ઉદયપુરમાં તેમની વાણી અને વિદ્વત્તાથી પ્રભાવિત થયેલા રાણાએ તેમને ઉદયપુરમાં જ સ્થાયી વસવાટ કરી પ્રજાને ધર્મમાર્ગે દોરવા વિનંતી કરી. તદનુસાર મુકુંદદાસજી ઉદયપુરમાં આશ્રમ બાંધી રહ્યા અને ધર્મોપદેશની સાથોસાથ ધાર્મિક અને દાર્શનિક સાહિત્યની રચના કરતા રહ્યા. કુલ 36,000 ચોપાઈઓ ધરાવતી તેમની સંપૂર્ણ વાણી ‘નવરંગસાગર’માં સંકલિત થઈ છે. તેમની રચનાઓમાં ‘મુકુંદ’ કે ‘નવરંગ’ની નામછાપ મળે છે. તેમના 25 જેટલા ગ્રંથો પ્રકાશિત થયા છે. એ પૈકી ‘નવરંગવીતક’, ‘સુંદરસાગર’, ‘ગુરુશિષ્યસંવાદ’, ‘છાંદોગ્ય ઉપનિષદ’ અને ‘ગીતારહસ્ય’ મહત્વના છે. આ બધા ગ્રંથો ચોપાઈ અને દોહા છંદોમાં વ્રજમિશ્રિત ખડી બોલીમાં લખાયેલા છે. ‘છાંદોગ્ય ઉપનિષદ’ અને ‘ગીતારહસ્ય’માં ક્ષર, અક્ષર અને અક્ષરાતીતની વિભાવનાઓને ‘સ્વલીલા-અદ્વૈત’ના સિદ્ધાંતના પરિપ્રેક્ષ્યમાં સ્પષ્ટ કરી છે.

પ્રવીણચંદ્ર પરીખ