મુક્તિ (ચલચિત્ર) (1937) : ભારત દેશ જ્યારે ગુલામીની બેડીઓમાં અને સમાજ જુનવાણી બંધનોમાં જકડાયેલો હતો ત્યારે પતિ-પત્નીના સંબંધોને નવા ર્દષ્ટિકોણથી રજૂ કરતી પ્રગતિશીલ ફિલ્મ. શ્વેત અને શ્યામ. ભાષા : બંગાળી અને હિંદી. નિર્માણસંસ્થા : ન્યૂ થિયેટર્સ, દિગ્દર્શક અને પટકથા : પ્રમથેશચંદ્ર બરુઆ, કથા અને સંવાદ : સજનીકાન્ત દાસ, હિંદી સંવાદ : એ. એચ. શોરી, હિંદી ગીતકાર : એ. એચ. શોરી અને આરઝૂ, છબિકલા : બિમલ રૉય, સંગીત : પંકજ મલ્લિક. મુખ્ય કલાકારો : પ્રમથેશચંદ્ર બરુઆ, કાનનદેવી, મેનકા, નવાબ (હિં.), અમર મલ્લિક (બં.), શૈલેન ચૌધરી (બં.), અહિ સંન્યાલ (બં.), જગદીશ સેઠી (હિં.), વિક્રમ કપૂર (હિં.), પંકજ મલ્લિક (બં.).

પ્રશાંત ચિત્રકાર છે. તે પોતાની પત્ની ચિત્રાને ખૂબ પ્રેમ કરે છે. ચિત્રાના પિતા શ્રીમંત છે. જમાઈ ચિત્રકાર છે અને નગ્ન ચિત્રો દોરે છે એ તેમને પસંદ નથી. પ્રશાંત વધુ પ્રતિષ્ઠાવાળો કામધંધો કરે તેવું તેઓ ઇચ્છે છે. એક દિવસ પતિપત્ની વચ્ચે ઝઘડો થતાં પ્રશાંત ઘર છોડીને આસામના જંગલમાં જતો રહે છે. સમય વીતવા સાથે ચિત્રાની મિત્રતા અને લગ્ન વિપુલ નામના એક શ્રીમંત સાથે થાય છે. એક દિવસ તેઓ બંને જંગલમાં શિકાર કરવા જાય છે. જંગલમાં પ્રશાંતનો એક પ્રિય હાથી છે. ચિત્રા અને વિપુલ એ જ હાથીને ઘાયલ કરે છે. જોકે ચિત્રાને ખબર નથી કે આ હાથી પ્રશાંતનો છે. હાથી ઘાયલ થતાં પ્રશાંતને ગુસ્સો આવે છે, પણ તે આ પતિ-પત્નીની વચ્ચે આવવા માંગતો નથી. ત્યારે જ એક વ્યક્તિ ચિત્રાનું અપહરણ કરે છે. પ્રશાંત અપહરણકારો સાથે લડીને ચિત્રાને છોડાવે છે પણ એ દરમિયાન તેનું મૃત્યુ થાય છે. પ્રાણ ત્યાગતી વખતે પ્રશાંત એવું માને છે કે પોતે ચિત્રાને પત્ની તરીકેનાં બંધનોમાંથી મુક્ત કરી દીધી છે. અભિનેતા- દિગ્દર્શક પ્રમથેશચંદ્ર બરુઆ નવા અને વણસ્પર્શ્યા વિષયો પર ચિત્રો બનાવવા માટે જાણીતા હતા. માણસમાં રહેલી મુક્તિની ઝંખનાને તેમણે સુંદર પ્રતીકો દ્વારા આ ચિત્રમાં વ્યક્ત કરી છે. પ્રશાંતની ભૂમિકા તેમણે જ ભજવી હતી અને પ્રશાંતને નગ્ન ચિત્રો દોરતો દર્શાવ્યો હતો. એ પણ મુક્તિની અભિવ્યક્તિનું પ્રતીક હતું.

હરસુખ થાનકી