મુક્તાબાઈ (જ. 1277 અથવા 1279; અ. 1297, મેહૂણ, ખાનદેશ, મહારાષ્ટ્ર) : મરાઠી સંત અને કવયિત્રી. સંત જ્ઞાનેશ્વરનાં નાનાં બહેન. તેમનાં જન્મસ્થળ અને વર્ષ અંગે એકમત નથી. તેમની વય 20 વર્ષની કે 18 વર્ષની અને તેમનું જન્મસ્થળ આપેગાંવ કે કોણી આળંદી હોવાનું મનાય છે. પરંતુ તે વિશે કોઈ સબળ પુરાવો નથી.
તેમની પરંપરામાં ગોરખનાથ, ગહિનીનાથ, નિવૃત્તિનાથ પછી મુક્તાબાઈનું સ્થાન આવે છે. તેમનું વ્યક્તિત્વ સ્વતંત્ર હતું. તેમના મોટા ભાઈ નિવૃત્તિનાથને તેમણે ગુરુસ્થાને માન્યા હતા.
ચાંગદેવે સંત જ્ઞાનેશ્વરને કોરો કાગળ મોકલી તેમને મળવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તે જોઈને મુક્તાબાઈએ ટીકા કરી કે ‘મોટો હોવા છતાં કોરો ને કોરો જ રહ્યો’. એ જ ચાંગદેવ પાછળથી મુક્તાબાઈના શિષ્ય બન્યા હતા. તેમના ગુરુ-શિષ્ય-સંબંધો વિશે તેમણે તેમના પોતપોતાના અભંગોમાં ઉલ્લેખ કર્યો છે.
તેમના નામે 42 અભંગો ઉપલભ્ય છે. તેમાં ચાંગદેવ વિશેના 6 અભંગોનો સમાવેશ થાય છે. પરંતુ અન્ય પુરાવાઓ પરથી તેમના 75થી વધુ અભંગો હોવાનું જણાય છે. તેમાં બહુ જ ઉચ્ચ કોટિના વિચારો ઉપરાંત યોગસાધના, અધ્યાત્મ અને સાક્ષાત્કારનો ઉલ્લેખ છે. વળી તેમના અભંગોમાં આત્મવિશ્વાસ સાથે અધિકારવાણીથી લખાયેલ પ્રૌઢ વિચારસરણીની પ્રતીતિ થાય છે. પોતે સ્ત્રી હોવા છતાં તેમના કોઈ પણ અભંગમાં સ્ત્રીત્વ વિશે કોઈ જ ઉલ્લેખ નથી, પરંતુ કેવળ જ્ઞાનનો ઉપદેશ રહેલો છે.
જ્ઞાનેશ્વર અને સોપાનદેવ(તેમના ભાઈઓ)ના નિર્વાણ પછી મુક્તાબાઈને જીવવામાં કોઈ અર્થ ન જણાતાં, તેમણે ખાનદેશમાં તાપી નદીના કિનારે મેહૂણ ખાતે જીવતાં સમાધિ લીધી હતી.
બળદેવભાઈ કનીજિયા