મુકુલ (ભટ્ટ) (નવમી-દસમી સદીનો સમયગાળો) : સંસ્કૃત સાહિત્યના પ્રાચીન આલંકારિક આચાર્ય. તેઓ અભિધા શબ્દશક્તિના સમર્થ પક્ષકાર તથા ઉપાસક હતા. મુકુલ ભટ્ટ અભિનવગુપ્તાચાર્યના પુરોગામી સાહિત્યશાસ્ત્રી હતા. તેમના પિતા કલ્લટ ભટ્ટ રાજા અવન્તિવર્મા (ઈ. સ. 815–882)ના સમયમાં થઈ ગયા હતા. કલ્હણ તેમને નવમી સદીના ઉત્તરાર્ધ અને દસમી સદીના પૂર્વાર્ધમાં મૂકે છે. પ્રતીહારેન્દુરાજ મુકુલ ભટ્ટના શિષ્ય હતા. તેઓ મીમાંસા, તર્ક-ન્યાય, વ્યાકરણ અને અલંકારશાસ્ત્રના સિદ્ધહસ્ત પંડિત હતા. મુકુલ ભટ્ટ કાશ્મીરી પરંપરાના વિદ્વાન હતા.
મુકુલ ભટ્ટ પોતાના પુરોગામી તરીકે મહાભાષ્યકાર પતંજલિ, ઉદભટ, કુમારિલ ભટ્ટ, મીમાંસક શબર સ્વામી, કવયિત્રી વિજ્જકા, વાક્યપદીયકાર તથા ધ્વન્યાલોકનો ઉલ્લેખ કરે છે. જ્યારે પ્રસિદ્ધ કાવ્યશાસ્ત્રજ્ઞ મમ્મટ મુકુલ ભટ્ટના અનુગામી હતા. તેમણે કાવ્યપ્રકાશના બીજા ઉલ્લાસમાં લક્ષણા શબ્દશક્તિની ચર્ચા કરતાં મુકુલ ભટ્ટનો આધાર લીધો છે. મમ્મટના ટીકાલેખક માણિક્યચંદ્રે પણ તેમના ઉલ્લેખો કર્યા છે.
મુકુલ ભટ્ટે ‘અભિધાવૃત્તિમાતૃકા’ નામનો ફક્ત 15 કારિકાનો નાનકડો ગ્રંથ લખ્યો છે. ઈ. સ. 1916માં નિર્ણયસાગર પ્રેસ, મુંબઈમાંથી તે સર્વપ્રથમ પ્રગટ થયો છે. 1973માં પંડિત રેવાપ્રસાદે તેની આલોચનાત્મક બીજી આવૃત્તિ તૈયાર કરી હતી. મુકુલ ભટ્ટની પરંપરામાં કુન્તક, ધનંજય/ધનિક, મહિમ ભટ્ટ તથા ભોજ વ્યંજનાશક્તિને સ્વીકારતા નથી. તેઓ ધ્વનિવાદના વિરોધક આચાર્ય છે.
અભિધા એટલે જાતિ, ગુણ, ક્રિયા અને યચ્છાને આધારે શબ્દ દ્વારા થતો અર્થબોધ. મુકુલ ભટ્ટ એવું પ્રતિપાદન કરે છે કે અભિધા માત્ર પ્રધાન શબ્દશક્તિ છે. તેથી અભિધાના જાતિ વગેરે ચાર પ્રકારો આપી લક્ષણાના 6 પ્રકારોને પણ અભિધામાં સમાવી તેઓ દસ પ્રકારની અભિધા શબ્દશક્તિ માને છે. લક્ષણા અભિધાપુચ્છભૂતા છે એમ કહી તેના પ્રકારોને અભિધા કહે છે. વ્યંજનાને તેઓ સ્વીકારતા નથી.
અભિધા શબ્દશક્તિની વિભાવનાને 15 શ્લોકની સીમિત મર્યાદામાં પ્રસ્તુત કરીને મુકુલ ભટ્ટે લાઘવશક્તિનો પરિચય આપ્યો છે. અંતે ઉપચારનિમિત્ત લક્ષણા અને ધ્વન્યાગત અર્થવ્યંજનાને સ્વતંત્ર શબ્દશક્તિ તરીકે ન સ્વીકારતા મુકુલ ભટ્ટ કેવળ અભિધા શબ્દશક્તિ છે તેવો મત ધરાવે છે. આ મત ધ્વનિવિરોધી છે અને અનુગામીઓના ધ્વનિવિરોધનો સૂત્રપાત કરે છે.
વિનોદ મહેતા