મુંહિજી હયાતીઅ જા સોના રોપા વર્ક
February, 2002
મુંહિજી હયાતીઅ જા સોના રોપા વર્ક (1981) : સિંધી લેખિકા પોપટી હીરાનંદાણી(જ. 1924)ની આત્મકથા. આ કૃતિને 1982નો ભારતીય સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ પ્રાપ્ત થયો હતો. ટૂંકી વાર્તા, નવલકથા અને નિબંધક્ષેત્રે પોતાનું ઉલ્લેખનીય યોગદાન આપનારાં આ લેખિકાની આત્મકથામાં કુલ 14 પ્રકરણો છે. લેખિકાએ પોતાના બાળપણથી પ્રૌઢાવસ્થા સુધીની જીવનયાત્રાની મહત્વપૂર્ણ ઘટનાઓનું સંપૂર્ણ સચ્ચાઈથી તેમાં આલેખન કર્યું છે. કોઈ પણ પ્રકારની શેહશરમ રાખ્યા વગર દંભી તથા ઢોંગી માણસોનો ઉલ્લેખ કરવાનું પણ ચૂક્યાં નથી. આજીવન અપરિણીત આ લેખિકાએ વિવાહસંસ્થા પર અને તેમાંય દહેજની પ્રથા પર જોરદાર પ્રહાર કર્યા છે. નાનપણમાં પોતાના પિતાની છાયાને ગુમાવનાર લેખિકાએ પોતાની માતાની લાચારી અને સંઘર્ષમય પરિસ્થિતિઓ સાથે ઝૂઝવાની વાત કરતાં પોતાનો આક્રોશ અસરકારક શબ્દોમાં વ્યક્ત કર્યો છે. શિક્ષિકા બન્યા પછીનાં સ્કૂલનાં એમનાં સંસ્મરણો આજના શિક્ષકસમાજ માટે અનુકરણીય છે. બહારથી કઠોર દેખાતાં આ બહેને વર્ગખંડની બહાર વાત્સલ્યપૂર્ણ વ્યવહારથી વિદ્યાર્થીઓનાં મન જીતી લીધાં હતાં. કુલ 7 ભાઈબહેનોમાં પોતે બીજા નંબરે હોઈ તે પોતાના મોટા ભાઈને એમની જવાબદારીઓ પૂરી કરવામાં હમેશાં મદદરૂપ થતાં હતાં. જોકે તેમાં, સ્ત્રી હોવાના કારણે તેમણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રીને સહન કરવી પડતી મુશ્કેલીઓનું વર્ણન આત્મકથામાં અત્ર-તત્ર ફેલાયેલું છે. સ્વતંત્રતા મેળવ્યા પછીના દેશના ભાગલાની કથા પણ રૂંવાડાં ખડાં કરી નાખે એવી છે. લેખન, શિક્ષણ, સ્વાસ્થ્ય, કુટુંબ, મિત્રો અને રંગભૂમિને આવરી લેતાં એમનાં સંસ્મરણો અસરકારક છે. માનવસમાજના રસના વિષયો, દરેક ઘટનાનાં વિવિધ પાસાંની છણાવટ તથા સુંદર શૈલીના કારણે આ આત્મકથા સિંધી સાહિત્યની એક ઉત્તમ કૃતિ લેખાય છે.
હુંદરાજ બલવાણી