મુંડન : હિંદુ ધર્મનો એક વિધિ કે જેમાં મનુષ્યના મસ્તકના વાળને દૂર કરવામાં આવે છે. ધર્મશાસ્ત્રની માન્યતા એવી છે કે મનુષ્યે કરેલાં પાપો મસ્તકના વાળને આશ્રયે રહે છે; આથી જ્યારે વાળને કાઢી નાખવામાં આવે ત્યારે પાપને રહેવાની જગ્યા જ રહેતી નથી અને પરિણામે મનુષ્યનાં પાપ દૂર થઈ જાય છે.

બાળક જન્મે ત્યારથી તેના માથે રહેલા વાળને ઉતરાવવા માટે બે-ચાર વર્ષની વયે ચૌલ સંસ્કાર કરવામાં આવે છે. તેથી બાળકનાં અગાઉનાં પાપ દૂર થઈ તે પવિત્ર બને છે એમ માનવામાં આવે છે આને ચૌલ કહે છે.  એ પછી ઉપનયન સંસ્કાર કરવામાં આવે ત્યારે આઠ વર્ષની વયે ફરી વાર મુંડન કરી તેને પાપમુક્ત બનાવવામાં આવે છે. તેને ગોદાન સંસ્કાર કહે છે. એ પછી જ્યારે પોતાના કુટુંબમાં કોઈ મૃત્યુ પામે ત્યારે પણ પાપમુક્ત થવા મુંડન કરવામાં આવે છે. જે વ્યક્તિ મૃત મનુષ્યનો શ્રાદ્ધવિધિ કરે તેણે તો મુંડન કરાવવું જ પડે છે. છેલ્લે મનુષ્ય સંન્યસ્તાશ્રમમાં પ્રવેશે ત્યારે પણ મુંડન કરાવી પાપમુક્ત બને છે એમ મનાય છે.

ભારતના વિવિધ પ્રદેશોમાં મુંડનનો વિધિ પ્રચલિત છે. ક્યારેક તેમાં પણ વિવિધતા હોય છે. બાળકના જન્મ પછી ચૌલ સંસ્કારમાં કેટલાક ઘેર મુંડન કરાવે છે. કેટલાક બાળકનું એ પ્રદેશમાં તીર્થ મનાતા ચોક્કસ સ્થાને જઈ મુંડન કરાવે છે. સ્ત્રીનો પતિ મૃત્યુ પામે ત્યારે પાપમુક્ત બનવા વિધવા સ્ત્રી મુંડન કરાવે છે. દક્ષિણ ભારતમાં તો લગ્ન સમયે કન્યા પણ મુંડન કરાવી પાપમુક્ત બને છે. બાલાજીના મંદિરમાં સૌભાગ્યવતી સ્ત્રીઓ પણ મુંડન કરાવી પવિત્ર બને છે.

જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મના સાધુઓ માથે મુંડન કરાવે છે. જૈન સાધુઓ અસ્તરાથી મુંડન કરાવવાને બદલે પોતાના હાથે જ વાળને મૂળમાંથી ખેંચી કાઢે છે તે વિધિને ‘લોચ’ કહે છે. શીખ ધર્મમાં મુંડનને બદલે માથે ચોટલો રાખવાનો ઊલટો વિધિ છે. હિંદુ ધર્મના કેટલાક સાધુઓ પંચ-કેશ વધારે છે. એ મોટાભાગે ભગવાન શિવના અનુયાયી સાધુઓ હોય છે. આમ મુંડનના વિરોધી ધાર્મિક સંપ્રદાયો પણ અસ્તિત્વ ધરાવે છે; પરંતુ ગૃહસ્થ માટે ધર્મશાસ્ત્રમાં મુંડનનો વિધિ અવશ્ય કર્તવ્ય છે. મુંડનનો વિધિ મનુષ્યના જીવન સાથે સતત સંકળાયેલો છે. જોકે તત્વજ્ઞાનીઓ એમ કહે છે કે કેશે આપણું કશું બગાડ્યું નથી એટલે કેશને બદલે ક્લેશનું મુંડન કરવાથી તત્વનું સાચું જ્ઞાન પ્રાપ્ત થાય છે.

પ્ર. ઉ. શાસ્ત્રી