મુંજે, બાળકૃષ્ણ શિવરામ (જ. 12 ડિસેમ્બર 1872, બિલાસપુર, મધ્યપ્રદેશ; અ. 3 માર્ચ 1948, નાગપુર) : ભારતની સ્વાતંત્ર્ય-ચળવળના એક અગ્રણી નેતા. હિંદુ મહાસભાના અધ્યક્ષ તથા ભોંસલે મિલિટરી સ્કૂલના સ્થાપક. પિતા મહેસૂલ ખાતામાં નોકરી કરતા. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ બિલાસપુર ખાતે. નાગપુરની હિસ્લાપ કૉલેજમાંથી ઇન્ટરની પરીક્ષા પાસ કર્યા પછી 1898માં મુંબઈની ગ્રાન્ટ મેડિકલ કૉલેજમાંથી એલ. એમ. ઍન્ડ એસ. ડિગ્રી પ્રાપ્ત કરી. 1898–1900 દરમિયાન મુંબઈ મહાનગરપાલિકાના પ્લેગ ઉપચાર વિભાગમાં નોકરી કરી. બોઅર યુદ્ધ (1899–1902) દરમિયાન બ્રિટિશ લશ્કરમાં તબીબ તરીકે જોડાયા (1900) અને આફ્રિકાનાં જુદાં જુદાં સ્થળે લશ્કરની છાવણીઓમાં સેવાઓ આપી. 1901માં નાગપુર ખાતે મેડિકલ પ્રૅક્ટિસ શરૂ કરી અને નિષ્ણાત નેત્રચિકિત્સક તરીકે ખ્યાતિ મેળવી. મોતિયાની સારવાર માટે શસ્ત્રક્રિયા કરવાની અભિનવ પદ્ધતિ શોધી કાઢવાનો જશ તેમને ફાળે જાય છે. આયુર્વેદના પ્રાચીન ગ્રંથોનો ઊંડો અભ્યાસ કરી ‘નેત્રચિકિત્સા’ શીર્ષકથી એક ગ્રંથ 1930માં તેમણે સંસ્કૃત ભાષામાં પ્રસિદ્ધ કર્યો.
ભારતીય રાજકારણમાં તેઓ લોકમાન્ય ટિળકના અનુયાયી હતા. મુંબઈ ખાતે 1904માં આયોજિત રાષ્ટ્રીય કૉંગ્રેસના અધિવેશનમાં હાજરી આપી હતી. લોકમાન્ય ટિળકને ગુરુસ્થાને માની તેમના નેજા હેઠળ આયોજિત કાર્યક્રમોમાં નિષ્ઠાથી ભાગ લેતા. રાષ્ટ્રસેવાના કાર્ય માટે તેમણે મેડિકલ પ્રૅક્ટિસને તિલાંજલિ આપી અને રાષ્ટ્રીય કૉંગ્રેસના ચારસૂત્રી કાર્યક્રમના પ્રસાર-પ્રચાર માટે કાર્યરત થયા. જૂના મધ્યપ્રાંતના વિસ્તારમાં તેમણે ઠેર ઠેર ગણેશોત્સવ અને શિવજયંતી ઉત્સવો શરૂ કરાવ્યા. નાગપુર ખાતે સ્વદેશી ચીજવસ્તુઓની દુકાન શરૂ કરી. પ્રથમ વિશ્વયુદ્ધ(1914–18)ના અરસામાં લોકમાન્ય ટિળકે શરૂ કરેલ હોમરૂલ લીગની ચળવળમાં તેઓ સક્રિય રીતે જોડાયા. મહાત્મા ગાંધી દ્વારા પ્રણીત અસહકાર આંદોલનમાં પણ તેમણે સક્રિય ભાગ લીધો. જંગલ સત્યાગ્રહ દરમિયાન બે વાર તેમણે કારાવાસ ભોગવ્યો હતો. થોડાક સમય માટે સ્વરાજ્ય પક્ષમાં પણ સક્રિય રહ્યા, પરંતુ ત્યારબાદ તેઓ હિંદુ મહાસભામાં કાયમ માટે જોડાયા. 1926માં તેઓ કેન્દ્રીય ધારાસભામાં ચૂંટાયા. ઇંગ્લૅન્ડ ખાતે 1930માં યોજાયેલ ગોળમેજી પરિષદમાં ભારતના પ્રતિનિધિઓમાં તેમનો પણ સમાવેશ થયેલો. 1933માં સંસદ સમિતિ પર હિંદુ મહાસભા વતી તેમની વરણી થઈ હતી.
તેઓ શરૂઆતથી જ ભારતીય યુવાનોને લશ્કરી તાલીમ આપવાના હિમાયતી હતા. નાગપુર ખાતે તેમણે રાઇફલ ઍસોસિયેશનની સ્થાપના કરી અને ત્યારબાદ 1937માં નાશિક ખાતે ભોંસલે મિલિટરી સ્કૂલની સ્થાપનામાં અગ્રિમ ભૂમિકા ભજવી.
હિંદુ કાયદામાં સમયાનુસાર યથોચિત સુધારણા કરવાના હેતુથી તેમણે નવી મનુસ્મૃતિ લખી કાઢી, પરંતુ તે પ્રકાશિત થઈ શકી ન હતી. જીવનનાં છેલ્લાં વર્ષો તેમણે હિંદુ મહાસભા તથા ભોંસલે મિલિટરી સ્કૂલના વિકાસ માટે સમર્પિત કર્યાં. તેમને ‘ધર્મવીર’ નામક પદવી લોકો તરફથી એનાયત કરવામાં આવી હતી.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે