મુંજાલભટ્ટ (ઈ. સ. 932) : ભારતીય જ્યોતિષશાસ્ત્રના લેખક. તેમનું બીજું નામ મંજુલ હતું. તેમણે ‘લઘુમાનસ’ નામનો ગ્રંથ લખ્યો છે, જે ‘બૃહન્માનસ’ નામના જ્યોતિષશાસ્ત્રના ગ્રંથનો સંક્ષેપ છે. પોતાના ‘લઘુમાનસ’ નામના ગ્રંથમાં તેમણે ઈ. સ. 932ના અયનાંશ 6-50 ગણાવ્યા છે, જ્યારે વાર્ષિક એક કલાને અયનગતિ તરીકે સ્વીકારી છે. આથી એ રીતે ગણતરી કરતાં લેખક મુંજાલના મતે શૂન્ય અયનાંશ વર્ષ ઈ. સ. 522નું વર્ષ આવે છે. તેથી તેમનો સમય ઈ. સ. 932નો ગણવામાં આવે છે.

‘લઘુમાનસ’ ગ્રંથ અનુષ્ટુપ્ છંદમાં લખાયેલા 60 શ્લોકોનો બનેલો છે. તેમાં મધ્યમ, સ્પષ્ટ, તિથિ, ત્રિપ્રશ્ન, ગ્રહયુતિ, સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ અને શૃંગોન્નતિ – એ નામો ધરાવતાં આઠ પ્રકરણો છે. આ ગ્રંથ 1944માં બી. ડી. આપ્ટેએ અને 1951માં કૉલકાતામાંથી એમ. કે. મજુમદારે પ્રગટ કર્યો છે. ગ્રંથની અંતિમ પુષ્પિકામાં લેખક મુંજાલ-ભટ્ટનો નામનિર્દેશ મળે છે. મુંજાલભટ્ટે બીજો એક ‘માનસકરણ’ નામનો ગ્રંથ લખ્યો હોવાની માન્યતા પ્રચલિત છે. આ ગ્રંથ 1578માં જાણીતો હતો, પરંતુ હાલ તેની હસ્તપ્રત અપ્રાપ્ય છે. અલબિરૂની એમ કહે છે કે મનુ નામના લેખકે ‘બૃહન્માનસ’ નામનો ગ્રંથ લખ્યો હોવાથી ‘લઘુમાનસ’ તેનો મુંજાલે કરેલો સંક્ષેપ છે. આ ‘લઘુમાનસ’નો પણ સંક્ષેપ મુંજાલે કર્યો હતો ! જોકે બધા વિદ્વાનો અલબિરૂનીના આ મતને સ્વીકારતા નથી.

આ ‘લઘુમાનસ’ ગ્રંથની વિશેષતા એ છે કે તેમાં અહર્ગણ પરથી ગ્રહસાધન કરવામાં આવ્યું છે. વળી અયનગતિનો મૌલિક સિદ્ધાન્ત આ ગ્રંથની વિશિષ્ટતા છે. ‘અયનગતિ’નો ઉલ્લેખ મુંજાલ પહેલાં કોઈએ કર્યો નથી. મુંજાલે મૌલિક રીતે નક્ષત્રોનું નિરીક્ષણ કરી નવીન તથ્ય રજૂ કરવાનો વિધિ કહ્યો છે. એ પણ તેમનો મૌલિક સિદ્ધાન્ત છે. મુંજાલના આ સિદ્ધાન્તનો ઉલ્લેખ સુધાકર દ્વિવેદીએ પોતાની રચના ‘ગણકતરંગિણી’માં કર્યો છે. મુંજાલે ‘લઘુમાનસ’માં સ્પષ્ટ ચંદ્રમાં મંદફળ ઉપરાંત બીજો એક વધુ સંસ્કાર હોવો જોઈએ એવો મૌલિક સિદ્ધાન્ત રજૂ કર્યો છે, જે બીજા કોઈ જ્યોતિષશાસ્ત્રના ગ્રંથમાં મળતો નહિ હોવાથી અદ્વિતીય છે. આમ મુંજાલ દસમી સદીના જ્યોતિષશાસ્ત્રમાં એક મૌલિક સંશોધક તરીકે ધ્યાનાર્હ છે.

બટુક દલીચા