મુંગેર (મોંઘીર) : બિહાર રાજ્યના મધ્ય ભાગમાં આવેલો જિલ્લો. જૂનું નામ મોંઘીર. ભૌગોલિક સ્થાન : તે 25° 10´ ઉ. અ. અને 86° 10´ પૂ. રે.ની આજુબાજુનો 1419 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે બેગુસરાઈ અને ખગારિયા જિલ્લા, ઈશાનમાં ખગારિયા જિલ્લો, પૂર્વમાં ભાગલપુર અને બાંકા જિલ્લા, દક્ષિણે બાંકા અને જામુઈ જિલ્લા તથા પશ્ચિમે નવાડા અને નાલંદા જિલ્લા તથા વાયવ્યમાં બક્તિયારપુર જિલ્લો આવેલા છે. મૂળ ભાગલપુર જિલ્લામાંથી 1812માં તે અલગ પાડવામાં આવેલો છે. આ જિલ્લાનું નામ તેની ઉત્તરમાં આવેલા જિલ્લામથક મુંગેર પરથી અપાયેલું છે.
ભૂપૃષ્ઠ–જળપરિવાહ : સમગ્ર રાજ્યના સંદર્ભમાં જોતાં આ જિલ્લો દક્ષિણ બિહારનાં મેદાનોનો ઉત્તર ભાગ બની રહેલો છે, જોકે જિલ્લાના દક્ષિણ ભાગમાં છૂટાં છૂટાં શિખરો રચતી નીચી ટેકરીઓ આવેલી છે. તે દક્ષિણ તરફથી શરૂ થઈ ક્રમે ક્રમે મુંગેર સુધી પહોંચે છે. ભૂસ્તરીય ર્દષ્ટિએ આ વિભાગ વિંધ્ય ખડકરચનાનું ઘસારાનાં પરિબળોથી છૂટું પડી ગયેલું વિસ્તરણ છે. જમાલપુરથી જામુઈ સુધી વિસ્તરેલી ખડગપુરની ટેકરીઓ પ્રમાણમાં વધુ ઊંચી છે. ખડગપુર નજીક ભીમબંધ ખાતે, મુંગેર નજીક સીતાકુંડ ખાતે અને બરિયારપુર નજીક ઋષિકુંડ ખાતે ગરમ પાણીના ઝરા આવેલા છે. ટેકરીઓના નૈર્ઋત્ય છેડા તરફ પ્રાચીન કાળના ઋષિના નામવાળું શૃંગઋષિ શિખર આવેલું છે. ગંગા નદી અહીંની મુખ્ય નદી છે, પશ્ચિમથી પૂર્વ તરફ વહેતી ગંગા અહીં મુંગેર ખાતે ઉત્તરવાહિની બની રહેતાં આ સ્થળનું ધાર્મિક મહત્વ વધી ગયું છે.
ખેતી–પશુપાલન : ડાંગર, ઘઉં અને તેલીબિયાં અહીંના મુખ્ય કૃષિપાકો છે. આઝાદી પૂર્વે અહીંનું ખડગપુર જળાશય ખેતી માટે એકમાત્ર સિંચાઈનો સ્રોત ગણાતું હતું. આઝાદી પછી અહીં નાનીમોટી સિંચાઈ-યોજનાઓ અમલમાં આવી છે. કૂવા અને નળકૂપ (બોર) કરવામાં આવ્યા હોવાથી પંપો દ્વારા સિંચાઈની સગવડ અપાય છે. જિલ્લામાં ગાયો, બળદ, આખલા, ભેંસો, ઘેટાંબકરાં અને ડુક્કરો જેવાં પશુઓનું પાલન કરવામાં આવે છે. અહીં પશુઓ કદમાં નાનાં અને પ્રમાણમાં ઊતરતી કક્ષાનાં હોય છે. ઉત્તર તરફ ગંગાનાં મેદાનો નજીક તથા દક્ષિણ તરફ જંગલો નજીક ઘાસ થતું હોવાથી પશુઓ માટે ચરિયાણ-ક્ષેત્રો આવેલાં છે. જિલ્લામાં પશુ-દવાખાનાં, પશુ-ચિકિત્સાલયો અને કૃત્રિમ ગર્ભાધાન-કેન્દ્રોની વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી છે. ગંગા અને તેની સહાયક નદીઓમાં તેમજ પૂરનાં પાણીવાળા કેટલાક પંકવિસ્તારોમાં મત્સ્ય-ઉછેર કરવામાં આવે છે.
ઉદ્યોગો : જિલ્લામાં લોખંડનાં વાસણો અને કાળા લાકડામાંથી બનાવાતા રાચરચીલા જેવા જૂના ઉદ્યોગો હજી ચાલે છે. આ ઉપરાંત પથ્થરોનું ખાણકાર્ય અને રેલએંજિનો બનાવવાના ઉદ્યોગો પણ વિકસ્યાં છે. જમાલપુર ખાતેની રેલએંજિન વર્કશૉપ ભારતની એક અગત્યની વર્કશૉપ ગણાય છે. મુંગેર ખાતે વિકસેલો સિગારેટ-ઉદ્યોગ પણ એટલું જ મહત્વ ધરાવે છે. વળી અહીં રાણીગંજ ટાઇલ્સ ફૅક્ટરી, દારૂ ગાળવાની ભઠ્ઠી તેમજ સિરૅમિક પૉટરી-ઉદ્યોગો પણ છે. વળી અહીં જૂનો ગણાતો આયર્ન ઍન્ડ સ્ટીલ વર્કસનો તથા નવાબ મીર કાસિમ અલીખાનના વખતથી ચાલ્યો આવતો બંદૂકો બનાવવાનો ઉદ્યોગ પણ ચાલે છે. બીડીઓ, ટોપલીઓ, માટીનાં પાત્રો અને હુક્કાની નળીઓ બનાવવાના નાના પાયા પરના એકમો પણ ચાલે છે.
વેપાર : જિલ્લામાં ઍલ્યુમિનિયમ, ઘરેણાં અને સિગારેટનું ઉત્પાદન થાય છે. જમાલપુર નજીકના ધારહરામાંથી ખોદી કઢાતા સ્લેટ-પથ્થરો, ચોખા અને સિગારેટની નિકાસ થાય છે; જ્યારે ખાદ્યાન્ન, કેરોસીન, કોલસો, લોહ-પોલાદની પેદાશો, મીઠું, ખાંડ, સિમેન્ટ, કપાસ, ઊની કાપડ અને મસાલાની આયાત કરવામાં આવે છે. મુંગેર, ખડગપુર, જમાલપુર અને બરિયારપુર અહીંનાં મુખ્ય વેપારી મથકો છે. ત્યાંથી રેલ, સડક અને નદીમાર્ગે વેપાર ચાલે છે. મુંગેર, સિમરિયા અને ગોગરી ગંગાતટે આવેલાં જળમાર્ગ-વ્યવહારનાં મથકો છે.
પરિવહન–પ્રવાસન : મુંગેર (મોંઘીર) નગર સડક અને જળમાર્ગના જંક્શન પર આવેલું હોવાથી આ વિસ્તાર માટે તે અગાઉના વખતથી મોકાનું સ્થળ ગણાતું રહ્યું છે. આઝાદી પૂર્વે મુંગેરને બાદ કરતાં જિલ્લામાં પાકા રસ્તા ન હતા. આજે દક્ષિણ ભાગના રસ્તા ઉત્તર ભાગની તુલનાએ જૂના અને પહોળા છે. જિલ્લાનો માર્ગ-વાહનવ્યવહાર પટણા, ગિરિદિહ, દેવગઢ અને ભાગલપુર સાથે સારા પ્રમાણમાં ચાલે છે. વળી ગંગા નદી પર હાથીદાહ ખાતે રાજેન્દ્ર પુલ બંધાયા પછી તેમજ આસામ તરફ જતો 27 નંબરનો રાષ્ટ્રીય ધોરી માર્ગ તૈયાર થયા પછી જિલ્લાના ઉત્તર ભાગનો વિકાસ થયો છે. જિલ્લામાં રેલમાર્ગો પણ વિકસ્યા છે. પૂર્વીય રેલવિભાગના માર્ગો દક્ષિણ મુંગેરને તથા ઈશાની રેલવિભાગના માર્ગો ઉત્તર મુંગેરને સાંકળી લે છે. ઉત્તર અને દક્ષિણ ભાગોમાં જળવ્યવહારની સુવિધા સારી છે. મુંગેર અને જમાલપુર વચ્ચે સાફિયાબાદ ખાતે નાના કદનાં હવાઈ જહાજો માટેનું એક ઉતરાણ-મથક પણ આવેલું છે. જિલ્લામાં મુંગેર, દેવગઢ, કાલીપહાડ, ખડગશાહી, રામપુર, સંગ્રામપુર, સીતાકુંડ, શૃંગીરૂખ જેવાં જોવાલાયક સ્થળો આવેલાં છે. જિલ્લામાં જુદાં જુદાં સ્થળોએ કાર્તિકી પૂર્ણિમા, વસંતપંચમી, માઘી પૂર્ણિમા, ઝૂલા, દશેરા અને દિવાળીના મેળાઓ ભરાય છે.
વસ્તી : 2011 મુજબ આ જિલ્લાની વસ્તી 13,59,054 જેટલી છે. જિલ્લામાં શિક્ષિતોની કુલ સંખ્યા 10,13,212 જેટલી છે, તે પૈકી આશરે 72 % પુરુષો અને આશરે 28 % સ્ત્રીઓ છે, જ્યારે ગ્રામીણ અને શહેરી શિક્ષિતોનું પ્રમાણ અનુક્રમે આશરે 74 % અને 26 % જેટલું છે. જિલ્લાનાં બધાં જ શહેરોમાં પ્રાથમિક-માધ્યમિક શિક્ષણની વ્યવસ્થા છે. જિલ્લામાં ઉચ્ચ શિક્ષણ માટે જુદાં જુદાં સ્થળોએ 28 જેટલી કૉલેજો છે. મુંગેર, ખડગપુર, જમાલપુર અને બરિયારપુર ખાતે તબીબી સેવાની પૂરતી સગવડો છે. વહીવટી સરળતા માટે જિલ્લાને 2 ઉપવિભાગોમાં અને 6 સમાજવિકાસ-ઘટકોમાં વહેંચેલો છે. જિલ્લામાં 6 નગરો છે.
મુંગેર (મોંઘીર) : બિહારના મુંગેર જિલ્લાનું વડું વહીવટી મથક તથા શહેર. ભૌગોલિક સ્થાન : તે 25° 23´ ઉ. અ. અને 86° 28´ પૂ. રે. પર ગંગા નદીને કાંઠે વસેલું છે. ઉપલબ્ધ માહિતી અનુસાર તેના ઇતિહાસની તવારીખ મહાભારત અને રામાયણ કાળ સુધી પહોંચે છે. લોકપરંપરા મુજબ કહેવાય છે કે રામ અને સીતા આ સ્થળે થોડો વખત રોકાયેલાં; તેથી તેનું ધાર્મિક મહત્વ ઘણું છે. પ્રાચીન સમયનાં ઘણાં અવશિષ્ટ સ્મારકો અહીં જોવા મળે છે. તે પૈકીનું ‘કર્ણ ચોરા’ સ્થાનક વિશેષ ઉલ્લેખનીય છે. એવું પણ કહેવાય છે કે આ નગર ગુપ્ત વંશના ચોથી સદીના રાજવીઓના કાળ દરમિયાન સ્થપાયેલું. ચંડીસ્થાન તરીકે ઓળખાતું ચંડિકામંદિર અથવા કાલીમંદિર મુંગેરમાં આવેલું છે. અહીંના કષ્ટહરણીઘાટ ખાતે ભગવાન વિષ્ણુનું મંદિર જોવાલાયક છે. તેની સાથે બીજાં છ મંદિરોનું જૂથ પણ છે. મુંગેર ખાતે ગંગા નદી ઉત્તરવાહિની બનતી હોવાથી શ્રદ્ધાળુ યાત્રિકો માટે અહીંના ગંગાસ્નાનનું ઘણું મહત્ત્વ અંકાય છે. અહીં સીતાકુંડમાં ગરમ પાણીના ઝરા પણ આવેલા છે.
અહીં દુર્ગના જૂના અવશેષો જોવા મળે છે. અહીંના કિલ્લામાં 1497માં મૃત્યુ પામેલા મુસ્લિમ સંત શાહ મુશ્ક નાફાની કબર આવેલી છે. 1763માં બંગાળના નવાબ મીર કાસિમ અલીખાને મુંગેરને રાજધાનીનું સ્થળ બનાવેલું તથા ત્યાં શસ્ત્રાગાર અને ઘણા મહેલો બંધાવેલા. આ મહેલો આજે વહીવટી કાર્યાલયોમાં તેમજ નિવાસસ્થાનોમાં ફેરવાયા છે. અહીં 1864માં નગરપાલિકાની રચના કરવામાં આવેલી. અહીંથી મુખ્ય રેલમાર્ગ તથા સડકમાર્ગો પસાર થાય છે, તે ઉપરાંત અહીં ફેરી સ્ટીમરની સેવા પણ ઉપલબ્ધ છે. અવરજવર અને હેરફેરની આ સુવિધાઓને કારણે મુંગેર આજુબાજુના વિસ્તાર માટે અનાજનો કોઠાર અને બજાર બની રહેલું છે. અહીંના ઉદ્યોગોમાં શસ્ત્રો, તલવારો વગેરેનું ઉત્પાદન થાય છે. અહીંની સીસમ પરની કલાકારીગરી પણ વખણાય છે. વળી આ નગર ભારતનું મોટામાં મોટું સિગારેટનું કારખાનું પણ ધરાવે છે. 2001 મુજબ મુંગેરની વસ્તી જિલ્લાની વસ્તીના આશરે 15 % જેટલી છે.
ઇતિહાસ : અંગ્રેજોના શાસનકાળ દરમિયાન આ સ્થળ મોંઘીર નામથી ઓળખાતું હતું. આઝાદી પછી આ નામ બદલીને મુંગેર કરવામાં આવ્યું છે. આ નામ વિશે ઘણા તર્કવિતર્કો ચાલે છે. મહાભારતમાં તેને માટે મુદાગિરિ અથવા મોદાગિરિ નામનો ઉલ્લેખ મળે છે. જાણીતા બૌદ્ધ સાધુ મૌદગલ્ય પરથી મૌદગલ્યગિરિ તરીકે તે જાણીતું હતું. પરંપરા એવું પણ કહે છે કે સતી અહલ્યાના દાદા મુદગલ ઋષિના નામ પરથી પણ એ પ્રમાણેનું નામ આવ્યું હોય.
રાજ્યમાં જિલ્લાઓની પુનર્રચનાને કારણે જૂના મુંગેર જિલ્લામાંથી તત્કાલીન ઉપવિભાગ બેગુસરાઈને 1972માં જિલ્લા તરીકે અલગ કર્યો છે. તે પછી ખગારિયા ઉપવિભાગ હતો તેને પણ જિલ્લો બનાવાયો છે. છેલ્લે છેલ્લે તેમાંથી લખીસરાઈ, શેખપુરા અને જામુઈ જિલ્લાઓ પણ જુદા પાડ્યા છે.
ગિરીશભાઈ પંડ્યા