મીસ્ટ્રાલ, ગેબ્રિયેલા
February, 2002
મીસ્ટ્રાલ, ગેબ્રિયેલા (જ. 7 એપ્રિલ 1889, વિચુના, ચિલી; અ. 10 જાન્યુઆરી 1957, ન્યૂયૉર્ક) : લૅટિન-અમેરિકાનાં કવયિત્રી. 1945માં નોબેલ પુરસ્કારથી સન્માનિત થનાર સૌપ્રથમ મહિલા-સાહિત્યકાર અને સૌપ્રથમ લૅટિન-અમેરિકન.
તેમનાં કાવ્યોનાં ચાર પુસ્તકો અધિકૃત રીતે પ્રકાશિત થયેલાં છે : ‘ડેસલેશન’ (1922), ‘ટેન્ડરનેસ’ (1924), ‘ફેલિંગ ઑવ્ ટ્રીઝ’ (1938) અને ‘વાઇન પ્રેસ’ (1954). શિક્ષિકા તરીકે સેવા આપતાં આપતાં તેમણે 1914માં ‘સૉનેટ્સ ઑવ્ ડેથ’ સંગ્રહ પ્રકાશિત કર્યો અને તે પુરસ્કારને પાત્ર ઠર્યો. 1909માં તેમના પ્રેમીએ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી. મીસ્ટ્રાલ ગેબ્રિયેલાને ફરી એક વાર પ્રેમની હૂંફ પ્રાપ્ત થઈ, પણ તે લગ્નગ્રંથિથી ન જોડાયાં. મા બનવાની તેમની તીવ્ર ઉત્કંઠા હોવા છતાં તે સ્વપ્ન ક્યારેય સાકાર થઈ શક્યું નહિ. તેમનાં કાવ્યોમાં આ વ્યથા પ્રતિબિંબિત થઈ છે. બાળકને તેઓ તીવ્રતમ રીતે ઇચ્છતાં હતાં; તેથી તેમના ભત્રીજાને પુત્ર તરીકે તેમણે દત્તક લીધો, પણ ભાગ્ય ત્યાં પણ નડ્યું અને 1944માં તે દત્તક પુત્રે પણ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી.
કવયિત્રી તરીકે ગેબ્રિયેલા મીસ્ટ્રાલની ખ્યાતિ સર્વત્ર ફેલાયેલી હતી, તેને પરિણામે સરકારે તેમને તેઓ ઇચ્છે તે દેશમાં એલચી તરીકે નિયુક્ત કરવાનું નિમંત્રણ પાઠવ્યું. યુરોપના દેશો અને અમેરિકામાં તેમણે ખૂબ પ્રવાસ કર્યો અને દુનિયાને તથા જીવનને જાણવાની મથામણ કરી. અંતે અમેરિકામાં કૅન્સરથી તેમનું નિધન થયું. અંતિમ વર્ષોમાં વારંવાર તેઓ માનસિક દર્દોનો ભોગ બનેલાં; પરંતુ તેમની અત્યંત પ્રિય સખી ડૉરિસ ડાનાએ તેમની ખૂબ સારવાર કરી. તેઓ અમેરિકન હતાં અને તેમની સાથે કવયિત્રીને જીવનના અંતિમ કાળ સુધી પ્રગાઢ સખ્ય રહ્યું હતું. અત્યંત શ્રદ્ધાળુ રોમન કૅથલિક મીસ્ટ્રાલ ગેબ્રિયેલા માનવને ઝંખનારાં અને માનવપ્રેમી રહ્યાં હતાં. તેમની કાવ્યરચનાઓમાં માનવી માટેનો પ્રેમ છલકાય છે. બાળકોના મનની ઊર્મિઓ પ્રગટ કરવામાં આ કવયિત્રી તેમની પેઢીના કોઈ પણ કવિ કરતાં ખૂબ આગળ છે. તેમની કવિતામાં માનવીની અત્યંત વ્યથાપૂર્ણ ક્ષણોની અનુભૂતિ પ્રગટ થઈ છે.
પાંડિત્યપૂર્ણ ભાષાને સભાનતાપૂર્વક કવિતાથી દૂર રાખતાં આ કવયિત્રીની કવિતામાં બરછટ અને તળપદી ભાષાના પ્રયોગો પ્રચુર પ્રમાણમાં છે. તળપદી ભાષાના આવા પ્રયોગો કવિતામાં તેમના ભાવ અસરકારક રીતે પ્રગટ કરવા માટે સભાનતાથી પ્રયોજાયા છે. બાકી તેમને સુશિક્ષિત વ્યક્તિની સંસ્કારી ભાષામાં અભિવ્યક્તિ કેવી હોય તેની પૂરી જાણકારી હતી જ. તેમણે કેટલીય અમેરિકન યુનિવર્સિટીઓમાં વિદ્વત્તાપૂર્ણ વ્યાખ્યાન કરેલાં તથા માદામ ક્યૂરી અને બર્ગસાં જેવા વિદ્વાનો સાથે લીગ ઑવ્ નૅશન્સમાં કામ પણ કરેલું.
પંકજ જ. સોની