મીર સોઝ (જ. ?; અ. 1799) : ઉર્દૂના ખ્યાતનામ કવિ. મૂળ નામ મુહમ્મદ મીર. તેમનું ઉપનામ પહેલાં ‘મીર’ અને પાછળથી બદલાઈને ‘સોઝ’ પડ્યું હતું. તેઓ દિલ્હીના રહેવાસી હતા. તેમના પિતા સૈયદ ઝિયાઉદ્દીન બુખારી એક સૂફીવાદી ધર્મપુરુષ અને વટવા(અમદાવાદ)ના પ્રખ્યાત બુઝુર્ગ હજરત કુત્બે આલમ(રહ.) (અ. 1453)ના વંશના હતા. મીર સોઝ એક ઉચ્ચ કોટિના કવિ હોવા ઉપરાંત, નિપુણ સુલેખનકાર (calligrapher), તીરંદાજ અને ઘોડેસવાર પણ હતા. તેઓ મોગલાઈની પડતીના કાળમાં શાહી તોપખાનામાં નોકરી કરતા હતા. લગભગ 1754માં નોકરી તથા દિલ્હી છોડીને, ફર્રુખાબાદ તથા ફૈઝાબાદ થઈને તેઓ છેવટે લખનૌ નવાબ આસિફુદદૌલાના દરબારમાં પહોંચી ગયા હતા. નવાબ તેમની સોબતને પસંદ કરતા હતા અને તેમને માન આપતા હતા. 1789માં તેમનો યુવાન દીકરો મીર મેહદી મૃત્યુ પામતાં તેમણે દરવેશી જીવન અખત્યાર કરી લીધું હતું. મીર સોઝ સંસ્કારી સજ્જન હતા. તેમણે અમીર ઉમરાવો કે નવાબોની પ્રશંસા નથી કરી. તેઓ અમીરોની સેવામાં ગરીબોની હિમાયત તથા સિફારિશ કરતા રહેતા હતા. તેઓ મહેફિલોમાં પોતાનાં કાવ્યોનું પઠન નિરાળી તર્જથી કરતા હતા. તેઓ હાથ-પગ હલાવીને તથા આંખના ભાવ બદલીને એવી રીતે કાવ્યપઠન કરતા કે તેમની વાત નિરક્ષર લોકો પણ સહેલાઈથી સમજી લેતા હતા. તેમણે તીરંદાજીના વિષય ઉપર એક મહાનિબંધ લખ્યો હોવાનો ઉલ્લેખ મળે છે. તેમના કાવ્યસંગ્રહ ‘દીવાને સોઝ’માં મહદ્અંશે ગઝલ-કાવ્યો જોવા મળે છે. તેમનો વિષય ઇશ્ક–પ્રેમ છે. તેઓ પ્રેમને લગતી સામાન્ય તથા રોજિંદા અનુભવની વાતો વર્ણવે છે. તેઓ સામાન્ય વાતો આગવી ઢબે વર્ણવવામાં કુશળ છે. તેઓ પરિચિત ભાવોને ર્દઢતા, ગંભીરતા અને વિશદ રીતે એવા સહજ ભાવે રોજિંદી ભાષામાં રજૂ કરે છે કે વાચક પોતાના અનુભવની વાતોને શાયરીમાં સાંભળીને ગદગદ થઈ જાય. હકીકતમાં તેઓ કહેવતો અને મુહાવરા વડે શાયરીને રસપ્રદ બનાવે છે. ઇશ્કની વાતોને તેઓ સંયમપૂર્વક રજૂ કરે છે. તેમની કવિતા છટાદાર છે. મીર તકી મીરની સાથે મીર સોઝે મળીને ઉર્દૂ શાયરીની એક ભાષા અને ઢબ વિકસાવી હતી, જે આજદિન સુધી પ્રચલિત રહી છે.
મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી