મીર, સૈયદ અલી (જ. સોળમી સદી, તૅબ્રીઝ, ઈરાન; અ. સોળમી સદી, ભારત) : મુઘલ ચિત્રકલાના બે સ્થાપક ચિત્રકારોમાંના એક. (બીજા તે અબ્દુ-સમદ). તૅબ્રીઝની ઈરાની લઘુ ચિત્રકલાની સફાવીદ શૈલીના પ્રખ્યાત ચિત્રકાર મુસવ્વર સૉલ્ટાનિયેના પુત્ર. પોતાના જીવનના અંતકાળે હુમાયૂંએ દિલ્હીની ગાદી ફરી જીતી ત્યારે તેઓ ઈરાનથી અબ્દુ-સમદની સાથે સૈયદ અલી મીરને ભારત લેતા આવેલા. અહીં અબ્દુ-સમદની સાથે તેમણે રાજદરબારની કલાશાળામાંના ચુનંદા ભારતીય ચિત્રકારોને માર્ગદર્શન આપી મુઘલ ચિત્રકલાની પાયાની લાક્ષણિકતાઓ સુર્દઢ બનાવવાનું મહત્વનું કામ કર્યું. ‘દાસ્તાને-અમીર હમ્ઝા’ (અમીર-હમ્ઝાની વાતો) પુસ્તકમાંનાં મોટા કદનાં (લઘુ) ચિત્રોની સંખ્યા મૂળમાં 1,400 જેટલી હતી. તે ચિત્રો મીરના માર્ગદર્શન હેઠળ તૈયાર થયાં હતાં. આ શ્રેણીમાંથી બચેલાં ચિત્રોમાંનાં થોડાં બ્રિટન અને અમેરિકાનાં સંગ્રહાલયોમાં સચવાયાં છે.
અમિતાભ મડિયા