મીર જાફર (રાજ્યકાલ : 1757–1765) : બંગાળનો એક સ્વતંત્ર નવાબ. તેણે બ્રિટિશ અધિકારી ક્લાઇવ સાથે કાવતરું કરીને પુરોગામી નવાબ સિરાજુદૌલાને 23 જૂન, 1757ના રોજ પ્લાસીના યુદ્ધમાં હરાવ્યો. તેથી ક્લાઇવે મીર જાફરને નવાબ બનાવ્યો. શાસક તરીકે તે અયોગ્ય, અશક્તિમાન અને દૂરંદેશી વિનાનો સાબિત થયો.
મીર જાફર ધર્માન્ધ હોવાથી તેણે હિંદુ કર્મચારીઓના સ્થાને પોતાની કોમના લોકોને વહીવટમાં સમાવ્યા. આવી ભાવનાથી તેણે બિહારના શાસક રામનારાયણ, ઓરિસાના શાસક રામસિંહ, પૂર્ણિયાના શાસક યુગલસિંહ અને પોતાના સહાયક દુર્લભરાયને લશ્કરના પ્રયોગથી દબાવવાની નીતિ અપનાવી હતી. તેના આ કાર્યમાં ક્લાઇવે મદદ કરી હતી, તેથી તેણે બ્રિટિશ કંપનીને વેપાર માટે છૂટછાટો આપી હતી. મુઘલ શાહજાદા અલી ગોહરે પોતાના પ્રભાવને સ્થાપવા બંગાળ પર આક્રમણ કર્યું ત્યારે મીર જાફરે ક્લાઇવની મદદથી તેને હાર આપી. ડચ વેપારીઓએ પોતાના હિત માટે નવેમ્બર 1759માં બિદેરાના વિસ્તારમાં યુદ્ધ કર્યું. તેમાં અંગ્રેજોએ ડચ વેપારીઓ પર વિજય પ્રાપ્ત કર્યો. આમ આંતરિક તેમજ બાહ્ય આક્રમણો દરમિયાન મીર જાફરને ક્લાઇવે મદદ કરી હતી.
ઈ. સ. 1760માં ક્લાઇવ હૉલવેલને બંગાળનો કામચલાઉ ગવર્નર બનાવી ઇંગ્લૅંડ ગયો. બંગાળની આર્થિક દુર્દશા માટે મીર જાફરને જવાબદાર ગણી કૉલકાતાની કાઉન્સિલે નવાબમાં પરિવર્તન લાવવાનો નિર્ણય લીધો અને હૉલવેલે 1760માં મીર જાફરના જમાઈ મીર કાસિમને બંગાળનો નવાબ બનાવ્યો. પરંતુ તેના શાસનથી કંપનીને આર્થિક લાભ ન થતાં મીર જાફરને ફરી વાર નવાબ બનાવવા કાવતરું કરી, મીર કાસિમને દૂર કર્યો. આમ મીર જાફરને પુન: સત્તા સોંપી. તે ફેબ્રુઆરી, 1765 સુધી જીવ્યો ત્યાં સુધી અંગ્રેજોની આર્થિક માગણીઓનો સ્વીકાર કરતો રહ્યો. એ રીતે અંગ્રેજોએ તેને કઠપૂતળી શાસક બનાવ્યો હતો. વાસ્તવમાં તેના શાસનથી અંગ્રેજોએ ભારતમાં રાજકીય વર્ચસ સ્થાપવાનો પ્રારંભ કર્યો હતો.
જિગીશ પંડ્યા