મીર્ટેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. તે આશરે 80 પ્રજાતિઓ અને 3,000 જેટલી જાતિઓનું બનેલું છે અને લગભગ સંપૂર્ણપણે ઉષ્ણકટિબંધીય વિતરણ ધરાવે છે. તેના વિતરણનાં બે મુખ્ય કેન્દ્રો છે : (1) અનષ્ઠિલ (berry) ફળ ધરાવતા મીર્ટોઇડી ઉપકુળ માટે ઉષ્ણકટિબંધીય અમેરિકા; અને (2) પ્રાવર (capsule) ફળવાળા લેપ્ટોસ્પર્મોઇડી ઉપકુળ માટે ઑસ્ટ્રેલિયા. Eugenia પ્રજાતિની એક સમયે 800થી વધારે જાતિઓ માનવામાં આવી હતી; પરંતુ કેટલાક વર્ગીકરણવિજ્ઞાનીઓના મતે તે ઘણે ભાગે અમેરિકીય છે. તેના એશિયાઈ સભ્યોને Syzygium અને અન્ય નાની પ્રજાતિઓમાં મૂકવામાં આવ્યા છે. આ કુળની લગભગ 12 જેટલી જાતિઓ ફ્લૉરિડામાં સ્થાનિક છે. તેની સૌથી મોટી પ્રજાતિઓમાં Eugenia (600 જાતિઓ), Psidium (110 જાતિઓ), Calyptranthes (80 જાતિઓ), Melaleuca (100 જાતિઓ) અને ઑસ્ટ્રેલિયાની Eucalyptus (600 જાતિઓ)નો સમાવેશ થાય છે. Eucalyptusની કેટલીક જાતિઓ દુનિયાની સૌથી ઊંચી જાતિઓ છે; જે લગભગ 120 મી.થી 150 મી. સુધીની ઊંચાઈ અને તલભાગે 27 મી.નો ઘેરાવો ધરાવે છે.
આ કુળની જાતિઓ ક્ષુપ, વૃક્ષ કે કેટલીક વાર આરોહી (climbers) હોય છે. પર્ણો સાદાં, સંમુખ, ભાગ્યે જ એકાંતરિત, અખંડિત, ચર્મિલ (coriaceous), સદાહરિત (evergreen), પારદર્શી ટપકાંવાળાં અને અનુપપર્ણીય (estipulate) હોય છે. તેની શિરાઓ ઉપ-ધારાવર્તી (sub-marginal) હોય છે. પ્રકાંડ, પુષ્પીય અંગો, ફળ અને પર્ણોમાં બાષ્પશીલ તેલ ધરાવતી ભંગજાત (lysigenous) ગોળાકાર તૈલી ગ્રંથિઓ હોય છે. પ્રકાંડમાં દ્વિ-પાર્શ્ર્વસ્થ (bi-collateral) વાહીપુલો જોવા મળે છે.
પુષ્પવિન્યાસ સામાન્યત: શરૂઆતમાં દ્વિશાખી (dichasial) પરિમિત અને પછીથી એકશાખી (monochasial) પરિમિત; અપરિમિત (racemose) કે લઘુપુષ્પગુચ્છી (paniculate) કે કેટલીક પ્રજાતિઓમાં એકાકી (solitary) હોય છે. પુષ્પ નિયમિત, દ્વિલિંગી, મોટેભાગે ઉપરિજાય (epigynous) કે કેટલીક જાતિઓમાં પરિજાય (perigynous) હોય છે. વજ્રનલિકા(calyx tube)ની ધાર ઉપર બિંબ (disc) જોવા મળે છે. વજ્ર 4 કે 5 વજ્રપત્રોનું બનેલું, જામફળ(Psidium guayava)માં મુક્ત અને પંચકી (quincuncial) અથવા તલભાગેથી જોડાયેલું, દીર્ઘસ્થાયી (persistent) કે પર્ણપાતી (deciduous) અને ઊર્ધ્વસ્થ (superior) હોય છે. Eucalyptusમાં તે અસ્પષ્ટ કે ગેરહાજર હોય છે. દલપુંજ 5 દલપત્રોનો બનેલો, મુક્ત અને કોરછાદી (imbricate) હોય છે. Eucalyptusમાં તલભાગેથી તે સમૂહમાં જોડાઈને ટોપી જેવી રચના બનાવે છે. પુંકેસરચક્ર અસંખ્ય મુક્ત અને ઊર્ધ્વસ્થ પુંકેસરોનું બનેલું હોય છે. કેટલીક વાર તે સંલાગ (cohesion) પામી બહુગુચ્છી (polyadelphous) બને છે. આ પુંકેસરગુચ્છો દલપત્ર સંમુખ ગોઠવાયેલા હોય છે. Melaleucaમાં પુંકેસરો એકચક્રીય અને દલપત્ર સંમુખ હોય છે. Callistemonમાં પુંકેસરતંતુઓ સિંદૂરી લાલ રંગના અને દલપુંજ કરતાં અનેકગણા લાંબા હોવાથી બ્રશ જેવો દેખાવ ધારણ કરે છે. પરાગાશયો મુક્તદોલી (versatile) અને દ્વિખંડી હોય છે. Calothamnusમાં તલલગ્ન (basifixed) હોય છે. તેનું સ્ફોટન લંબવર્તી (longitudinal) અંતર્મુખી (introse) પ્રકારે કે કેટલીક વાર અગ્રસ્થ છિદ્ર દ્વારા થાય છે. યોજી (connective) ઘણી વાર મોટી હોય છે અને તેની ટોચે ગ્રંથિ હોય છે. સ્ત્રીકેસરચક્ર 2થી 5 કે અસંખ્ય યુક્ત સ્ત્રીકેસરોનું બનેલું હોય છે. બીજાશય અધ:સ્થ (inferior) કે કેટલીક વાર લગભગ અર્ધઅધ:સ્થ (half inferior) અને એકકોટરીય હોય છે, જેમાં ત્રણ કે તેથી વધારે અતિક્રમિત (intruded), ચર્મવર્તી (parietal) જરાયુઓ હોય છે; જે સામાન્ય રીતે કેન્દ્રમાં જોડાઈને સ્ત્રીકેસરોની સંખ્યા જેટલાં કોટરોમાં અને અક્ષવર્તી (axile) જરાયુવિન્યાસમાં પરિણમે છે. પ્રત્યેક જરાયુ ઉપર 2થી માંડી અનેક, નિલંબી (pendulous), અધોમુખી (anatropous) કે વક્રમુખી (campylotropous) અંડકો આવેલાં હોય છે. પરાગવાહિની એક અને પરાગાસન સમુંડ (capitate) હોય છે. ફળ અનષ્ઠિલ (berry) અથવા વિવરીય (loculicidal) કે અનુપ્રસ્થ (pyxidium) પ્રાવર કે ક્વચિત જ અષ્ઠિલ (drupe) અથવા કાષ્ઠમય હોય છે. તે સામાન્યત: દીર્ઘસ્થાયી વજ્ર ધરાવે છે. બીજ અભ્રૂણપોષી (non-endospermic) અને ભ્રૂણ વિવિધ આકારના હોય છે.
ખાદ્ય ફળ અને સુરભિત (aromatic) તેલોને કારણે આ કુળ આર્થિક ર્દષ્ટિએ ઘણું ઉપયોગી છે. ખાદ્ય ફળો આપતી જાતિઓ જામફળ (Psidium guayava), ગુલાબજાંબુ (Syzygium jambos), સુરીનામ ચેરી (Eugenia uniflora) અને જેબોટીકેબા (Myrciaria cauliflora)નો સમાવેશ થાય છે. Syzygium aromaticumની સૂકી પુષ્પીય કલિકાઓમાંથી લવિંગ મેળવવામાં આવે છે. Pimenta dioicaનાં કાચાં ફળો અને P. racemosaનું તેલ મરીમસાલા તરીકે વપરાય છે. Melaleuca leucadendronમાંથી કેજપૂટ તેલ અને Eucalyptus globulusમાંથી નીલગિરિનું તેલ પ્રાપ્ત કરવામાં આવે છે. Eucalyptus, Callistemon, Melaleuca, Tristania, Feijoa Sellowiana, Leptospermum, Acmena smithii અને Myrtus communis શોભાની વનસ્પતિઓ તરીકે ઉદ્યાનોમાં ઉગાડવામાં આવે છે.
આ કુળ રોઝેસી સાથે સામ્ય દર્શાવે છે, પરંતુ સંમુખ, અનુપપર્ણીય, ગ્રંથિવાળાં પર્ણો અને અધ:સ્થ બીજાશય દ્વારા તે સરળતાથી ઓળખી શકાય છે. બથામ અને હુકર, વેટ્ટસ્ટીન, બેસી અને હચિન્સન તેને લિથ્રેસી, કોમ્બ્રિટેસી અને ઓનેગ્રેસી સાથે મીર્ટેલ્સ ગોત્રમાં અને એંગ્લર મીર્ટીફ્લોરી ગોત્રમાં મૂકે છે.
બળદેવભાઈ પટેલ