મીરો, જોન (જ. 20 એપ્રિલ 1893, આધુનિક બાર્સિલોના, સ્પેન; અ. 25 ડિસેમ્બર 1983, મર્જોસ્કા, સ્પેન) : સ્પૅનિશ પરાવાસ્તવવાદી (Surrealist) ચિત્રકાર. કારકિર્દીનો પ્રારંભ કર્યો કારકુન તરીકે, પણ તેમાં નિષ્ફળતા મળી. તે પછી તેમણે પૅરિસ તથા બાર્સિલોનાની કલાશાળામાં અને કૅલી અકાદમીમાં તાલીમ લીધી. 1920 દરમિયાન તેઓ પરાવાસ્તવવાદના સંપર્કમાં આવ્યા અને એ શૈલીના વીસમી સદીના શક્તિમાન કલાકાર પુરવાર થયા. જોકે શરૂઆતમાં તેમના પર સેઝાં અને વાન ગૉઘની અસર હતી. પરાવાસ્તવવાદના પ્રણેતા લેખાતા લેખક આન્દ્રે બ્રેતોં(Andre Breton)ના વર્ણન પરથી તેમણે 1923–24માં ‘ધ હન્ટર’ (પ્રકૃતિર્દશ્ય) રજૂ કર્યું. તેમાં આનંદ-ઉત્સવની નવી રંગીન પરિભાષા અને વ્યંગાત્મક કૌતુકનું ભવ્ય દર્શન થયું. 1924–25માં આલંકારિક પદાર્થોના આધારે સમસ્યારૂપ ‘હર્લેક્વિનાદ’ ચિત્ર કર્યા પછી તે અભિવ્યક્તિભર્યા, પ્રતીકાત્મક સાદા રંગો તરફ વળ્યા. કદાચ તેમાં કૅન્ડિન્સ્કી અને પિકાસોની અસર હોઈ શકે. કોઈની પણ વિશેષ શૈલી સ્વીકાર્યા વિના તેમણે થોડા વ્યક્તિગત પસંદગીના વિષયોનાં ચિત્રો કર્યાં. તેમાં ‘વિમેન’ અને ‘બર્ડ બાઇ મુનલાઇટ’ની નોંધ લેવી ઘટે. પ્રાણી કે જાણીતા પદાર્થ જેવા વિષયો રોજ જોનારનેય તે જ્યારે તેમના ચિત્રમાં રજૂ થાય છે ત્યારે ઉત્સુકતાથી જોવાનું મન થાય છે. તે રીતે કૌતુકપૂર્વક તેમનું આલેખન થાય છે. તેમનાં સિરૅમિક લાદીમાંથી બનાવેલાં બે જાહેર ભીંતચિત્રો ‘ધ સન’ અને ‘ધ મુન’ (પૅરિસ) 1958ના ગુગનહાઇમ આંતરરાષ્ટ્રીય ઍવૉર્ડનાં વિજેતા બન્યાં હતાં. તેમનાં ભવ્ય અને અસરકારક શિલ્પોનું (1971) પ્રદર્શન તેમને વધુ ખ્યાતિ આપનારું નીવડેલું.
કનુ નાયક