મીરચંદાણી, તારા (જ. 6 જુલાઈ 1930, હૈદરાબાદ, સિંધ, હાલ પાકિસ્તાન) : સિંધી નવલકથાકાર, વાર્તાકાર તથા નાટ્યકાર. તેમને ‘હઠયોગી’ નામક નવલકથા માટે 1993ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. માત્ર 17 વર્ષની નાની વયે લેખનકાર્યનો પ્રારંભ કર્યો. તેમનો લખવા-વાંચવાનો સાહિત્યિક શોખ પ્રોફેસર એમ. યુ. મલકાણીના સહવાસથી કેળવાયો–પોષાયો.
તેમની પ્રથમ નવલકથા ‘કુમાયલ કલી’ 1949માં પ્રગટ થઈ. તેમની કુલ ચાર નવલકથાઓમાં ‘ઉષા’ (1958), ‘હઠયોગી’ (1990) તથા ‘લહરુન જી ગૂંજ’ (1992) મુખ્ય છે. સિંધી સાહિત્યમાં તેમનું નવલકથા-લેખન નવપ્રસ્થાનમૂલક લેખાય છે. આ ઉપરાંત વાર્તાઓ અને નાટકોના 4 સંગ્રહો પ્રગટ થયા છે.
‘આઇ નો ઍન અક્સ’; ‘રબડ જી ગુડી’ અને ‘દર્દ’ – એ લોકપ્રિય વાર્તાસંગ્રહો છે. ‘વિદ્યાર્થી’ નામની પત્રિકાનું તેમણે 1949ના અરસામાં સંપાદન કરી સિંધ યુનિવર્સિટીની સ્થાપના માટેની લડતમાં સક્રિય ફાળો આપ્યો હતો.
તેમના સંપૂર્ણ સાહિત્યિક યોગદાન માટે તેમને ‘અખિલ ભારત સિંધી બોલી અને સાહિત્ય સભા સહયોગ ફાઉન્ડેશન’ તરફથી 1992માં તથા ‘હઠયોગી’ માટે ‘નઈ દુનિયા પબ્લિકેશન્સ’ અને કેન્દ્રીય હિંદી નિર્દેશાલય તરફથી પુરસ્કારો આપવામાં આવ્યા છે.
બે ભાગમાં વહેંચાયેલી આ પુરસ્કૃત કૃતિ ‘હઠયોગી’માં ઉદાત્ત કરુણ પ્રેમની રજૂઆત છે. ઘટનાસ્થળ તરીકે વારાણસીનું તાર્દશ વર્ણન, પાત્રોનું તાદાત્મ્યપૂર્ણ ચિત્રણ, પ્રણયના અતિપરિચિત વિષયની સંયત તથા સંવેદનશીલ માવજત, ભાષાની કોમળતા અને શૈલીની પ્રૌઢતાને લીધે આ કૃતિ સિંધી સાહિત્યમાં એક નવી ભાત ઉપસાવે છે.
બળદેવભાઈ કનીજિયા