મીનાકુમારી (જ. 1 ઑગસ્ટ 1932, મુંબઈ; અ. 31 માર્ચ 1972, મુંબઈ) : હિંદી પડદાનાં ‘ટ્રૅજડી-ક્વીન’ ગણાતાં ભાવપ્રવણ અભિનેત્રી અને કવયિત્રી. મૂળ નામ : મેહઝબીનારા બેગમ, પિતા : સંગીતકાર અલીબક્ષ, માતા : અભિનેત્રી ઇકબાલ બેગમ. પરિવારની આર્થિક હાલત કફોડી હોઈ અલીબક્ષે દિગ્દર્શક વિજય ભટ્ટનો પ્રસ્તાવ સ્વીકારી લેતાં મીનાએ માત્ર ચાર વર્ષની ઉંમરે ‘લેધર ફેસ’ ચિત્રમાં બાલકલાકાર તરીકે કામ કર્યું હતું. બાલકલાકાર તરીકે તેમનું નામ ‘બેબી મીના’ હતું. ‘દુનિયા એક સરાય’, ‘પ્રતિજ્ઞા’, ‘બહન’, ‘ફર્જે’, ‘વતન’, ‘વિજય’, ‘ગરીબ કી પૂજા’, ‘કસૌટી’, ‘લાલ હવેલી’ વગેરે ચિત્રોમાં કામ કર્યા બાદ 14 વર્ષની ઉંમરે ‘બચ્ચોં કા ખેલ’ ચિત્રમાં તેઓ પ્રથમ વાર નાયિકા બન્યાં.
પ્રારંભે તેમને ધાર્મિક-પૌરાણિક ચિત્રોમાં કામ મળ્યું, પણ મીનાકુમારીને પ્રથમ વાર બાલકલાકાર તરીકે કામ આપનાર વિજય ભટ્ટે જ ‘બૈજુ બાવરા’માં તેમને તક આપી. આ તેમનું પ્રથમ સફળ ચિત્ર હતું. એમાં તેમણે બૈજુની પ્રેમિકાની ભૂમિકા ભજવી હતી. શરદબાબુની વાર્તા પર આધારિત ‘પરિણીતા’માં પણ તેમનો અભિનય ખૂબ વખણાયો હતો. આ ચિત્રમાં પીડિત અને દમિત સ્ત્રીની ભૂમિકામાં એવો જીવ રેડી દીધો કે વર્ષો સુધી તેમની એ મુદ્રા (image) કાયમ રહી. કમાલ અમરોહીના ચિત્ર ‘દાયરા’એ તેમની આ મુદ્રાને વધુ મજબૂત બનાવી હતી. આ ઉપરાંત ‘યહૂદી’, ‘બંદિશ’, ‘સાહિબ બીબી ઔર ગુલામ’, ‘મૈં ચૂપ રહૂઁગી’, ‘ગોમતી કે કિનારે’, ‘દુશ્મન’, ‘દિલ એક મંદિર’, ‘દિલ અપના ઔર પ્રીત પરાઈ’, ‘આરતી’, ‘મંઝલી દીદી’, ‘મેરે અપને’, ‘બહૂ બેગમ’ અને ‘પાકીઝા’ ચિત્રમાં વિવિધ પાત્રોને તેમણે પડદા પર જીવંત કર્યાં હતાં. મીનાકુમારીએ ‘કોહિનૂર’, ‘આઝાદ’, ‘શરારત’, ‘નયા અંદાજ’ અને ‘ઇલ્ઝામ’માં નટખટ અને ચંચળ યુવતીની ભૂમિકાઓ ભજવી હતી પણ અંતઘડી સુધી તેઓ ‘ટ્રૅજડી-ક્વીન’ તરીકે જ ઓળખાયાં હતાં.
તેમનું અંતિમ ચિત્ર ‘પાકીઝા’ તેમના અવસાનના થોડા સમય પૂર્વે જ પ્રદર્શિત થયું હતું. એ ચિત્રમાં તેમણે નરગિસ નામની તવાયફ અને તેની પુત્રી સાહિબજાનની ભૂમિકા ભજવી હતી. તેમના પતિ કમાલ અમરોહી ખ્યાતનામ દિગ્દર્શક હતા. 20 વર્ષની ઉંમરે કમાલ અમરોહી સાથે લગ્ન કરીને તેઓ તેમનાં બીજાં પત્ની બન્યાં હતાં. તેમનું દાંપત્યજીવન દુ:ખી પુરવાર થયું હતું. પતિ સાથેના અણબનાવને કારણે ‘પાકીઝા’ના નિર્માણમાં 18 વર્ષ જેટલો વિલંબ થયો હતો. યકૃતની અનિષ્ટવૃદ્ધિના રોગને કારણે તેમનું અવસાન થયું હતું. આ બીમારીથી તેઓ સાતેક વર્ષ પીડાયાં હતાં.
મીનાકુમારીએ ‘નાઝ’ ઉપનામથી ગઝલો લખી હતી. તેમના અવસાન બાદ લેખક-દિગ્દર્શક ગુલઝારે તેમની રચનાઓ ‘તન્હા ચાંદ’ નામના સંગ્રહમાં પ્રકાશિત કરી હતી. ‘બૈજુ બાવરા’ (1953), ‘પરિણીતા’ (1954), ‘સાહિબ બીબી ઔર ગુલામ’ (1962) અને ‘કાજલ’ (1965) ચિત્રો માટે તેમને શ્રેષ્ઠ અભિનેત્રીના ફિલ્મફેર ઍવૉર્ડ મળ્યા હતા. તેમનાં મોટી બહેન ખુરશીદ અને નાની બહેન માધુરી પણ અભિનેત્રી હતાં.
નોંધપાત્ર ચિત્રો : ‘પૂજા’ (1940), ‘બહન’ (1941), ‘ગરીબ’ (1942), ‘પિયા ઘર આ જા’ (1947), ‘બૈજુ બાવરા’ (1952), ‘દાયરા’, ‘દો બીઘા જમીન’, ‘ફૂટપાથ’, ‘પરિણીતા’ (1953), ‘બાદબાન’, ‘ચાંદની ચૌક’ (1954), ‘આઝાદ’, ‘બંદિશ’ (1955), ‘શારદા’ (1957), ‘યહૂદી’ (1958), ‘ચાર દિલ ચાર રાહેં’, ‘ચિરાગ કહાં રોશની કહાં’, ‘સટ્ટા બાઝાર’ (1959), ‘દિલ અપના ઔર પ્રીત પરાઈ’, ‘કોહિનૂર’ (1960), ‘ભાભી કી ચૂડિયાં’ (1961), ‘આરતી’, ‘સાહિબ બીબી ઔર ગુલામ’ (1962), ‘દિલ એક મંદિર’ (1963), ‘ચિત્રલેખા’ (1964), ‘ભીગી રાત’, ‘કાજલ’ (1965), ‘ફૂલ ઔર પત્થર’ (1966), ‘બહૂબેગમ’ (1967), ‘દુશ્મન’, ‘મેરે અપને’, ‘પાકીઝા’ (1971).
હરસુખ થાનકી